કાળા માથાનો માનવી ધારે તો શું ન કરી શકે : બે ગુજ્જુ મિત્રોએ ગુજરાતની ધરતી પર શક્ય નથી તેવા લાખોના ફૂલની ખેતી કરી
Gujarat Farmers : બોટાદના હામાપર ગામન યુવાનોએ કરી કેસરની ખેતી.. ગુજરાતમાં કરી કશ્મીરી ખેતરની સફળ ખેતી..સુઝબુઝથી અનોખો પાક લઈ કરી સારી કમાણી...
Trending Photos
Botad News રઘુવીર મકવાણા/બોટાદ : માણસ ધારે તો શું ન કરી શકે તેનું ઉત્તમ ઉદાહરણ બોટાદ જિલ્લાના નાનકડા ગામડાઓના બંને મિત્રો છે. આશિષ બાવળીયા અને સુભાષ કાનેટીયા બંને મિત્રોએ ગઢડા તાલુકાના હામાપર ગામે ટેકનોલોજી સાથે કાશ્મીરી કેસરની ખેતી કરી ગુજરાતનું નામ રોશન કર્યું છે અને બંને મિત્રોની મહેનત રંગ લાવી.
ગુજરાતના મોટાભાગના ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યાં છે. પરંતુ ખેતીમાં અપ્રમાણ વરસાદ કે પછી કમોસમી વરસાદ, અતિવૃષ્ટિને કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ જાય છે ત્યારે રાજ્યમાં ધીમેધીમે ખેડુતો ટેકનોલોજીનો ઉપયોગ કરી બાગાયતી ખેતી તરફ આગળ વધી રહ્યાં છે. કેટલાય ખેડુતો કેરી, જામફળી, સીતાફળ, લીંબુ, સરગવો, સહિતની બાગાયતી અને ટેકનોલોજી ખેતી તરફ વળ્યાં છે. ત્યારે બોટાદ જિલ્લાના નાનકડા ગામડાના બે મિત્રોએ કાશ્મીરી કેસરની ખેતી કરી સમગ્ર રાજ્યને રાહ ચીંધી છે.
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના હામાપર ગામના આશિષ બાવળીયા અને ભદ્રાવડી ગામના સુભાષ કાનેટીયા બંને ખેડુત પુત્રો છે. બંને મિત્રો સાથે B.Tech.સુધીનો અભ્યાસ કર્યો હતો અને બંને મિત્રોએ નોકરી કરવા કરતા ખેતીમાં કંઈક નવુ અનેઅલગ કરવાનો વિચાર કર્યો અને તપાસ શરૂ કરી. બંને મિત્રોએ કાશ્મીરી કેસરની ખેતી કરવાનું વિચાર્યું અને આ માટે બંને મિત્રોએ તપાસ શરૂ કરી. ત્યારબાદ બંને મિત્રો સોશિયલ મીડિયા મારફતે કેવી રીતે અને કેવા પ્રકારની ખેતી કરવાથી વધુ ઉત્પાદન અને નફાયુક્ત કમાણી મળી રહે જેની માહિતી મેળવી હતી. જોકે બંને મિત્રોએ એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટમાં અભ્યાસ કર્યો છે. જેથી 50 ટકા જેટલું કેસરની ખેતીનું નોલેજ હતું. પરંતુ કઈ રીતે કરી શકાય જે માટે સોશિયલ મીડિયાનો સહારો લીધો હતો. ત્યારબાદ જમ્મુ- કાશ્મીરમાંથી કેસરના બલ્ક મંગાવવામાં આવ્યા હતા. જોવામાં પ્રથમ દ્રષ્ટિએ ડુંગળી જેવો આકાર દેખાય છે. પરંતુ આ કેસરનું બલ્ક કહેવામાં આવે છે.
કેસર શીત કટ્ટીબંધમાં થતો પાક હોવાના કારણે બંને મિત્રોએ આશિષ બાવળીયાની પોતાની વાડીમાં એક કોલ્ડ સ્ટોરેજ તૈયાર કરવામાં આવ્યું હતું. કોલ્ડ સ્ટોરેજમાં સાગનું લાકડું, એર કન્ડિશન, કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢવા માટેના મશીન લગાવવામાં આવ્યા હતા. સાથે જ ભેજ આપવા માટેના મશીનો ઓટોમેટીક સિસ્ટમ લગાવીઈ છે. વીજળીની ખૂબ જ જરૂર હોય જેથી એક જનરેટર મૂકવામાં આવ્યું હતું અને ઘોડામાં બલ્ક મૂકી અને કેસરની ખેતીની શરૂઆત કરી હતી.
ગુજરાતમાં સૌપ્રથમ વખત બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના હામાપર ગામે બંને ખેડુત પુત્ર મિત્રોએ કેસરની ખેતીની શરૂઆત કરી છે. બંને મિત્રોની બે વર્ષની મહેનત બાદ કેસરની ખેતીમાં સફળતા મળી છે. હાલ પ્રથમ વર્ષે કેસરનું 1થી 1.500 કિલો ગ્રામ ઉત્પાદન મળશે. ત્યારબાદ સમય અંતરે બે પાક લઈ શકાય છે. જેથી 4 કિલો વાર્ષિક ઉત્પાદન મળી રહે છે. હાલ જાહેર માર્કેટમાં કેસરનો એક કિલોનો ભાવ 7 થી 8 લાખ સુધીનો છે અને આ કેસરની ખેતી 100% ઓર્ગેનિક કરવામાં આવે છે. આમ આ બંને મિત્રોની મહેનત રંગ લાવી છે અને બંને મિત્રોએ હાલના આધુનિક યુગના યુવાનોને નવી રાહ ચીંધી છે.
હાલ બંને યુવકોના પરિવારો ખુશખુશાલ છે. આજના જમાના પ્રમાણે કંઈક નવુ કરવુ જોઈએ તેવું તેમના પરિવારજનો પણ માને છે. બોટાદ જિલ્લાના હામાપર અને ભદ્રાવડી ગામના ખેડુત પુત્રોએ ગઢડા તાલુકાના હામાપર ગામે વાડીમાં કાશ્મીર કેસરની સફળ ખેતીની વાત સાંભળીને આજુબાજુના લોકો પણ ખેતી વિશે જાણવા અને જોવા આવી રહ્યાં છે. તેમજ બંને મિત્રોએ અશક્ય વસ્તુને શક્ય કરી બતાવી બોટાદ જિલ્લાનું અને રાજ્યનું નામ રોશન કર્યુ છે. ત્યારે ગામના લોકો પણ આ બંને મિત્રોની મહેનતને બિરદાવી રહ્યાં છે.
બોટાદ જિલ્લાના નાનકડા બે ગામડાના યુવાનોએ પોતાની સૂઝબૂઝથી અને તેના પરિવારોએ તેમના પર મુકેલા વિશ્વાસને સાર્થક કરી આ બંને મિત્રોએ પોતાનામાં રહેલ જ્ઞાનનો સદુપયોગ કરી નાનકડા સુકાભઠ ગામડામાં કેસરની ખેતી કરી બંને મિત્રોએ સમગ્ર ગુજરાતને રાહ ચીંધી છે. માણસ ધારે તો શું ન કરી શકે તેનું ઉત્તમ ઉદાહરણ આ બંને મિત્રોએ પૂરું પાડ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે