ડોકલામ વિવાદ બાદ ભારતે ચીનમાં મોકલ્યો નવો 'દૂત', બંને દેશ વચ્ચે કરશે આ કામ

ભારત અને ચીન ડોકલામ ગતિરોધને બાજુ પર મુકીને વિવિધ ક્ષેત્રોમાં સહયોગ વધારવાના પ્રયાસો કરી રહ્યા છે, બંને દેશ હવે વિકાસના માર્ગે દોડવા માગે છે 

ડોકલામ વિવાદ બાદ ભારતે ચીનમાં મોકલ્યો નવો 'દૂત', બંને દેશ વચ્ચે કરશે આ કામ

બીજિંગઃ ચીનમાં બારતના નવા રાજદૂત વિક્રમ મિસ્રીએ મંગલવારે પોતાનો ચાર્જ સંભાળ્યો છે. ચીનના ટોચના અધિકારીઓ સાથેની બેઠકમાં તેમણે ચીન અને ભારત વચ્ચેના સંબંધો પર ચર્ચા કરી હતી. તેમણે એવા સમયે પદભાર સંભાળ્યો છે જ્યારે બંને દેશ દ્વિપક્ષીય સંબંધોને આગળ લઈ જવાના પ્રયાસ કરી રહ્યા છે. મિસ્રી(54)એ બીજિંગમાં વિદેશ મંત્રાલયમાં પ્રોટોકોલના ઉપમહાનિદેશક હોંગ લીને પોતાનો એપોઈન્ટમેન્ટ લેટર સુપરદ કર્યો હતો.

મિસ્રી 1989 બેચના ભારતીય વિદેશ સેવા (IFS) અધિકારી છે. તેઓ ગૌતમ બમ્બાવાલેનું સ્થાન લેશે, જે ગયા વર્ષે નવેમ્બરમાં સેવાનિવૃત્ત થયા છે. મિસ્રીએ એવા સમયે દેશના રાજદૂતનો કાર્યભાર સંભાળ્યો છે, જ્યારે ભારત અને ચીન 2017ના ડોકલામ ગતિરોધને બાજુ પર મુકીને વિવિધ ક્ષેત્રોમાં સહયોગ વધારવાના પ્રયાસો કરી રહ્યા છે. 

ચીનમાં ભારતના રાજદૂત બનાવાતા પહેલાં મિસ્રી મયાંમારમાં ભારતના રાજદૂત તરીકે સેવાઓ આપી ચૂક્યા છે. મિસ્રી વડા પ્રધાન કાર્યાલયની સાથે-સાથે વિદેશ મંત્રાલયમાં પણ વિવિધ પદ પર કામ કરી ચૂક્યા છે. તેમણે યુરોપ, આફ્રિકા, એશિયા અને ઉત્તર અમેરિકા સહિત ભારતના અનેક દૂતાવાસમાં પોતાની સેવાઓ આપી છે. 

(ફોટોઃ @rashtrapatibhavan)

મિસ્રીનો જન્મ શ્રીનગરમાં થયો હતો. તેમણે ગ્વાલિયરની સિંધિયા સ્કૂલમાં પોતાનો અભ્યાસ કર્યો છે. દિલ્હી યુનિવર્સિટીની હિન્દુ કોલેજમાં ઈતિહાસમાં ગ્રેજ્યુએટ થયા બાદ મિસ્રીએ જમશેદપુરની એક્સએલઆરઆઈમાંથી મેનેજમેન્ટની ડિગ્રી પણ મેળવેલી છે. 

તેઓ એવા સમયે ચીનમાં ભારતના રાજદૂત બન્યા છે, જ્યારે બંને દેશનું અર્થતંત્ર વિશ્વના શક્તિશાળી આર્થતંત્રોને હંફાવી રહ્યું છે. સાથે જ ચીન અને ભારત એશિયા પ્રશાંત વિસ્તારમાં એક શક્તિશાળી દેશ તરીકે ઉભરી રહ્યા છે. બંને દેશ હવે જૂના વિવાદોને બાજુ પર મુકીને એક-બીજાના સહયોગમાં આગળ વધવા માગે છે ત્યારે મિસ્રીની ભૂમિકા મહત્વની બની રહેશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news