UK Election Results 2024: ક્યાં ચૂકી ગયા સુનક? બ્રિટનમાં લેબર પાર્ટીને મળ્યું બહુમત, કન્ઝર્વેટિવ પાર્ટીની ઐતિહાસિક હારના 7 કારણો

છેલ્લે મળતી માહિતી મુજબ કીર સ્ટાર્મરના નેતૃત્વવાળી લેબર પાર્ટી 411 સીટ જીતી ચૂકી છે. જ્યારે વર્તમાન પ્રધાનમંત્રી ઋષિ સુનકની કન્ઝર્વેટિવ પાર્ટી 119 સીટ જ હજુ સુધી જીતી શકી છે. કીર સ્ટાર્મરના નેતૃત્વવાળી લેબર પાર્ટી 1997વાળી મોટી જીત તરફ આગળ વધી રહી છે. બ્રિટનમાં લેબર પાર્ટી 14 વર્ષ બાદ સત્તા પર પાછી ફરવા જઈ રહી છે.

UK Election Results 2024: ક્યાં ચૂકી ગયા સુનક? બ્રિટનમાં લેબર પાર્ટીને મળ્યું બહુમત, કન્ઝર્વેટિવ પાર્ટીની ઐતિહાસિક હારના 7 કારણો

બ્રિટનમાં ગુરુવારે મતદાન થયું હતું અને મતદાન બાદ તરત મતગણતરી પણ શરૂ થઈ ગઈ. જે પરિણામ આવી રહ્યા છે તે ચોંકાવનારા ન કહી શકાય કારણ કે તમામ ઓપિનિયન પોલ અને એક્ઝિટ પોલ મુજબ જ લેબર પાર્ટીએ પ્રચંડ જીત મેળવી છે. જ્યારે કન્ઝર્વેટિવ પાર્ટીએ સજ્જડ હારનો સામનો કરવો પડ્યો છે. લેબર પાર્ટીની આંધીમાં અનેક દિગ્ગજ ટોરી ધરાશાયી થયા છે. જેમાં એક નામ પૂર્વ પીએમ લિઝ ટ્રેસનું પણ છે. 

છેલ્લે મળતી માહિતી મુજબ કીર સ્ટાર્મરના નેતૃત્વવાળી લેબર પાર્ટી 411 સીટ જીતી ચૂકી છે. જ્યારે વર્તમાન પ્રધાનમંત્રી ઋષિ સુનકની કન્ઝર્વેટિવ પાર્ટી 119 સીટ જ હજુ સુધી જીતી શકી છે. કીર સ્ટાર્મરના નેતૃત્વવાળી લેબર પાર્ટી 1997વાળી મોટી જીત તરફ આગળ વધી રહી છે. બ્રિટનમાં લેબર પાર્ટી 14 વર્ષ બાદ સત્તા પર પાછી ફરવા જઈ રહી છે. લેબર પાર્ટી સરકાર બનાવવા માટે જરૂરી 326 સીટોનો આંકડો પાર કરી ચૂકી  છે. એટલે કે બ્રિટનના નવા પ્રધાનમંત્રી લેબર પાર્ટીના કીર સ્ટાર્મર બનશે. સ્ટાર્મર 2020માં જર્મી કોર્બિનની જગ્યાએ લેબર પાર્ટીના નવા નેતા તરીકે ચૂંટાઈ આવ્યા હતા. 

2019ની ચૂંટણીમાં 650વાળી સીટોની સંસદમાં કન્ઝર્વેટિવ પાર્ટીને 364 સીટો મળી હતી અને બોરિસ જ્હોન્સન પીએમ બન્યા હતા. ગત વખતની સરખામણીમાં તે સમયે 47 સીટોનો ફાયદો થયો હતો. પરંતુ આ વખતે સ્થિતિ બિલકુલ અલગ છે. બ્રિટનમાં સરકાર બનાવવા માટે 326નો આંકડો પાર કરવાનો હોય છે. 2019ની ચૂંટણીમાં લેબર પાર્ટીની સીટોની સંખ્યા ઘટીને 203 થઈ ગઈ હતી. એટલે સુધી  કે લેબર પાર્ટી પોતાની અનેક પરંપરાગત સીટો પણ ગુમાવી ચૂકી હતી. પણ આ વખતે જંગી બહુમતી સાથે સરકાર બનાવવા જઈ રહી છે. 

લેબર પાર્ટી અત્યાર સુધીમાં 411 સીટો મેળવી ચૂકી છે. જ્યારે કન્ઝર્વેટિવ પાર્ટીને ફક્ત 119 સીટો મળી છે અને 248 સીટોનું નુકસાન થયું છે. આવામાં મોટો સવાલ એ છે કે કન્ઝર્વેટિવ પાર્ટીની આટલી મોટી હારનું કારણ શું છે. 

વોટિંગ ટ્રેન્ડ
વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટ મુજબ કન્ઝર્વેટિવ પાર્ટીની હારનું એક પ્રમુખ કારણ તેમનું સત્તામાં જળવાઈ રહેવું અને દેશમાં વોટિંગ ટ્રેન્ડ રહ્યો છે. કોઈ પણ બ્રિટિશ રાજકીય પક્ષ સતત પાંચમીવાર સત્તામાં આવ્યો નથી. બ્રિટિશ રાજકારણ જેમ કે એક ફિક્સ ટાઈમ લિમિટમાં ચાલે છે. જેમાં બે મુખ્ય પક્ષોને સામાન્ય રીતે વિપક્ષમાં બેસતા પહેલા શાસન કરવાનો 10થી 15 વર્ષ સુધીનો સમય મળે છે. 1979થી 1997 સુધી કન્ઝર્વેટિવે શાસન કર્યું, 1997 થી 2010 સુધી લેબરે અને ત્યારબાદ ફરી કન્ઝર્વેટિવ. એટલે કે ચૂંટણી પરિણાો યુકેના જૂના ટ્રેન્ડ પ્રમાણે જ આવ્યા છે. 

એક પછી એક પડકારોનો સામનો
2010માં સત્તા સંભાળ્યા બાદ કન્ઝર્વેટિવ પાર્ટીએ એક પછી એક પડકારોનો સામનો કરવો પડ્યો. સૌથી પહેલા ગ્લોબલ નાણાકીય સંકટનું પરિણામ સામે આવ્યું, જેણે બ્રિટનના દેવાને વધારી દીધુ, અને બજેટને સંતુલિત કરવા માટે ટોરીઝે અનેક વર્ષો સુધી ખર્ચા પર લગામ રાખવી પડી. ત્યારબાદ તેમણે  બ્ર્ટિનને યુરોપીયન સંઘથી બહાર કર્યું, બ્રિટન પશ્ચિમી યુરોપમાં સૌથી ઘાતક કોવિડ-19 મહામારી સામે ઝઝૂમ્યું, પરેશાની અહીં પૂરી ન થઈ, રશિયાએ જ્યારે યુક્રેન પર હુમલો કર્યો તો દેશમાં ફુગાવો વધી ગયો. 

ભ્રષ્ટાચારનો આરોપ
આ ઉપરાંત પાર્ટી ભ્રષ્ટાચારના મોરચે પણ ઝઝૂમતી જોવા મળી. જેમાં સરકારી કાર્યાલયોમાં લોકડાઉન તોડનારી પાર્ટીઓ પણ સામેલ છે. કૌભાંડોના કારણે પૂર્વ પીએમ બોરિસ જ્હોન્સને પદ પરથી હટવું પડ્યું અને છેલ્લે સંસદમાંથી પણ બહાર થવું પડ્યું કારણ કે તેમના પર સાંસદો સાથે ખોટું બોલવાનો આરોપ લાગ્યો હતો. તેમના ઉત્તરાધિકારી લિઝ ટ્રેસ ફક્ત 45 દિવસ  સત્તા પર રહ્યા. તેમની આર્થિક નીતિઓએ અર્થવ્યવસ્થાને વેરવિખેર કરી દીધી. 

આર્થિક મોરચે નિષ્ફળતા
બ્રિટન વધતી મોંઘવારી અને ધીમી આર્થિક વૃદ્ધિ સામે ઝઝૂમી રહ્યું છે. જેના કારણે મોટાભાગના લોકો આર્થિક પરેશાનીઓ મહેસૂસ કરી રહ્યા છે. કન્ઝર્વેટિવ ફુગાવાને કંટ્રોલ કરવામાં સફળ રહ્યા જે ઓક્ટોબર 2022માં 11.1% ના શિખરે પહોંચ્યા બાદ મે સુધી 2% સુધી ધીમો પડ્યો પરંતુ વિકાસની ગતિ સુસ્ત  બની ગઈ. જેના કારણે સરકારની આર્થિક નીતિઓ પર સવાલ ઉઠી રહ્યા ચે. 

ઈમિગ્રેશન મુદ્દે નિષ્ફળતા
હાલના વર્ષોમાં હજારો શરણાર્થીઓ અને આર્થિક પ્રવાસીઓએ નબળી હવાવાળી નાવડીઓમાં સવાર થઈને ઈંગ્લિશ ચેનલ પાર કરી છે. જેના કારણે સરકારની ટીકા થઈ કે તેમણે બ્રિટનની સરહદો પર નિયંત્રણ ગુમાવ્યું છે. ઈમિગ્રેશનને રોકવા માટે કન્ઝર્વેટિવની પ્રમુખ નીતિ તેમાંથી કેટલાક પ્રવાસીઓને રવાંડા મોકલવાની છે. આલોચકોનું કહેવું છે કે આયોજના આંતરરાષ્ટ્રીય કાયદાનો ભંગ કરે છે. અમાનવીય છે અને તે યુદ્ધ, અશાંતિ અને અકાળથી ભાગી રહેલા લોકોને રોકવા માટે કશું કરશે નહીં. 

ખરાબ હેલ્થ સ્થિતિ
બ્રિટનની રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સેવા જે બધાને મફત સ્વાસ્થ્ય સેવા આપે છે પણ હવે દાંતની સારવારથી લઈને કેન્સર સુધીની સારવાર...દરેક ચીજ માટે લાંબા વેઈટિંગ લિસ્ટ સામે ઝઝૂમી રહી છે. અખબારો ગંભીર રીતે બીમાર રોગીઓ વિશેના સમાચારોથી ભરાઈ પડ્યા છે. જેમણે એમ્બ્યુલન્સ માટે કલાકો રાહ જોવી પડે છે, પછી હોસ્પિટલના બેડ માટે પણ લાંબી વાટ જોવી પડે છે. 

પર્યાવરણનો મુદ્દો
સુનકે પર્યાવરણ સંલગ્ન અનેક પ્રતિબદ્ધતાઓથી પાછળ હટીને ગેસોલીન અને ડીઝલથી  ચાલતા યાત્રી વાહનોના વેચાણ બંધ કરવા અને ઉત્તરી સાગરમાં નવા ઓઈલ ખનને અધિકૃત કરવાની સમયમર્યાદાને આગળ વધારી. આલોચકોનું કહેવું છે કે જ્યારે દુનિયા જળવાયુ પરિવર્તનને પહોંચી વળવાની કોશિશમાં છે ત્યારે આવા સમયમાં આ ખોટી નીતિઓ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news