US Iran Conflict: 3 અમેરિકી સૈનિકોના મોતથી ભડક્યા બાઈડેન, શું વધુ એક યુદ્ધના વાગી રહ્યા છે ભણકારા?

ગાઝામાં ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે ઈરાન સમર્થિત મિલિશિયા તરફથી પશ્ચિમ એશિયામાં અમેરિકી સૈનિકો વિરુદ્ધ મહિનાઓથી ચાલી રહેલા હુમલામાં પહેલીવાર અમેરિકી નાગરિકોને નુકસાન પહોંચ્યું છે. જેનાથી વિસ્તારમાં આ તણાવ વધવાનું જોખમ વધી ગયું છે. સવાલ એ છે કે અમેરિકા બદલો લેવા માટે શું ઈરાન પર સીધો હુમલો કરશે?

US Iran Conflict: 3 અમેરિકી સૈનિકોના મોતથી ભડક્યા બાઈડેન, શું વધુ એક યુદ્ધના વાગી રહ્યા છે ભણકારા?

Joe Biden Threat To Iran: જોર્ડનમાં એક ડ્રોન હુમલામાં અમેરિકી સેનાના 3 જવાન માર્યા ગયા છે. આ સાથે જ અનેક લોકો ઘાયલ થયા છે. તેના પર અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને આકરી પ્રતિક્રિયા આપી છે. બાઈડેને કહ્યું છે કે હુમલાના જવાબદાર લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. વાત જાણે એમ છે કે ગાઝામાં ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે ઈરાન સમર્થિત મિલિશિયા તરફથી પશ્ચિમ એશિયામાં અમેરિકી સૈનિકો વિરુદ્ધ મહિનાઓથી ચાલી રહેલા હુમલામાં પહેલીવાર અમેરિકી નાગરિકોને નુકસાન પહોંચ્યું છે. જેનાથી વિસ્તારમાં આ તણાવ વધવાનું જોખમ વધી ગયું છે. સવાલ એ છે કે અમેરિકા બદલો લેવા માટે શું ઈરાન પર સીધો હુમલો કરશે?

ગુસ્સામાં બાઈડેન
અત્રે જણાવવાનું કે ખાડી દેશોમાં સતત તણાવ વધી રહ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને રવિવારે એક નિવેદનમાં કહ્યું કે જોર્ડનમાં એક ડ્રોન હુમલામાં અમેરિકી સર્વિસના 3 લોકો માર્યા ગયા છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. બાઈડેને આ હુમલા માટે ઈરાન સમર્થિત બળવાખોર જૂથોને જવાબદાર ઠેરવ્યા છે. 

બાઈડેને બદલો લેવાની કરી જાહેરાત
પ્રતિક્રિયા આપતા અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડેને ચેતવણીભર્યા અંદાજમાં કહ્યું કે તમામ જવાબદાર લોકોને એક સમય પર પસંદ કરાયેલી રીતે જવાબદાર ઠેરવવામાં આવશે. જો કે જોર્ડને હજુ સુધી તેના પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. હમાસ વિરુદ્ધ ઈઝરાયેલ યુદ્ધ શરૂ થયા બાદથી ઈરાક અને સીરિયામાં અમેરિકી સૈનિકો પર હુમલા વધી ગયા છે. 

શું ઈરાન પર સીધો હુમલો કરશે અમેરિકા?
જો બાઈડેને કહ્યું કે હું એ જણાવવા માંગુ છું કે મધ્ય પૂર્વમાં અમારા માટે એક કપરો દિવસ હતો. અમે અમારા એક અડ્ડા પર થયેલા હુમલામાં 3 બહાદૂર લોકોને ગુમાવ્યા. હું અમારા 3 શહીદ સૈનિકો માટે મૌન રાખી રહ્યો છું. અમે તેનો જવાબ આપીશું. બાઈડેનના આ નિવેદનથી સવાલ ઉઠવા લાગ્યો છે કે શું અમેરિકા ઈરાન વિરુદ્ધ સીધી જંગ માટે મેદાનમાં ઉતરી જશે? શું અમેરિકા હુમલાનો જવાબ ઈરાન પર સીધો હુમલો કરીને આપશે?

સીધા હુમલામાં શું જોખમ?
નોંધનીય છે કે અમેરિકા ઈરાન પર સીધો હુમલો કરે તેની સંભાવના જો કે ખુબ ઓછી છે કારણ કે મીડલ ઈસ્ટ પહેલેથી જ જંગમાં ગૂંચવાયેલું છે. ઈરાનની સરખામણીમાં હમાસ અને હિજબુલ્લાહ તો ખુબ નાના છે પરંતુ ઈઝરાયેલ હજુ પણ તેમને પૂરેપૂરી રીતે પછાડી શક્યું નથી. સીધી જંગમાં ઉતરવા છતાં ઈઝરાયેલ તમામ બંધકોને હમાસના કબજામાંથી છોડાવી શક્યું નથી. ઈરાન એક શક્તિશાળી દેશ છે. તેની સાથે જંગમાં ઉતરે તો મહિનાઓ સુધી લડાઈ લંબાઈ શકે છે. આ ઉપરાંત તેનાથી સમગ્ર મિડલ ઈસ્ટને જોખમ થઈ શકે છે. જો કે એ જરૂરી માનવામાં આવી રહ્યું છે કે જે રીતે અમેરિકા અને બ્રિટને હૂથી વિદ્રોહીઓ પર હુમલો કર્યો હતો કઈક એ જ રીતે કાર્યવાહી ઈરાન સમર્થિત આ બળવાખોરો પર જોવા મળી શકે છે. 

બીજી બાજુ ઈઝરાયેલે પણ એકવાર ફરીથી કહ્યું છે કે તેની પાસે યુદ્ધ સિવાય કોઈ વિકલ્પ નથી. હિજબુલ્લાહના ઠેકાણાઓ ઉપર પણ ફરીથી બોમ્બમારો થયો છે. ઈઝરાયેલી સેનાએ દાવો કર્યો છે કે તેણે દક્ષિણી લેબનોનમાં હિજબુલ્લાહના સૈન્ય ઠેકાણાઓ પર હુમલા કર્યા. આ દરમિયાન ધાયરા અને આયતા રાખ જેવી જગ્યાઓને નિશાન બનાવી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news