SCO સંમેલન: સુષમા સ્વરાજે આ રીતે આપ્યો પાકિસ્તાનના વિદેશ મંત્રીને જડબાતોડ જવાબ
શાંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ)ના બે દિવસના સંમેલનમાં ભાગ લેવા માટે વિદેશ મંત્રી સુષમા સ્વરાજ તાઝિકિસ્તાનની રાજધાની દુશામ્બે ગયા છે.
Trending Photos
નવી દિલ્હી/દુશામ્બે: શાંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ)ના બે દિવસના સંમેલનમાં ભાગ લેવા માટે વિદેશ મંત્રી સુષમા સ્વરાજ તાઝિકિસ્તાનની રાજધાની દુશામ્બે ગયા છે. તેમણે આજે પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય મંચ પર પોતાના જ અંદાજમાં જડબાતોડ જવાબ આપ્યો. આજે સંમેલનમાં એસસીઓના સહયોગી દેશોના પ્રતિનિધિઓની બેઠક બાદ ફોટો સેશન થયું. જેમાં રશિયાના વડાપ્રધાન દમિત્રી મેદવેદેવ સહિત ચીન, તાઝિકિસ્તાન, ઉઝ્બેકિસ્તાન, કિર્ગિસ્તાન, કઝાખસ્તાનના પ્રમુખ પણ સામેલ હતાં.
વિદેશમંત્રી સુષમા સ્વરાજ બીજી હરોળમાં ઊભા હતાં. તેમની લાઈનમાં જમણી બાજુ પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશી ઊભા હતાં. ફોટો સેશન જેવું પૂરું થયું કે તમામ લોકો જવા લાગ્યાં. આ દરમિયાન પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશી સુષમા સ્વરાજની પાછળ જ હતાં અને તેમને જોઈને હસ્યા હતાં. પરંતુ વિદેશ મંત્રી સુષમા સ્વરાજે આ દરમિયાન તેમની સામે નજર સુદ્ધા ન કરી અને સીધા બહારની બાજુ નીકળી ગયાં.
વિશેષજ્ઞોના જણાવ્યાં મુજબ સુષમા સ્વરાજે આમ કરીને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. તેમના આ વર્તનથી પાકિસ્તાનને સંદેશ ગયો છે કે તેની નાપાક હરકતોના કારણે ભારત તેમની સાથે કોઈ વાતચીત કરવા માંગતુ નથી.
અત્રે જણાવવાનું કે વિદેશ મંત્રી સુષમા સ્વરાજ શાંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ)ના બે દિવસના સંમેલનમાં ભાગ લેવા માટે ગુરુવારે તાઝિકિસ્તાનની રાજધાની દુશામ્બે પહોંચ્યાં હતાં. આ સંમેલનમાં મહત્વના ક્ષેત્રીય અને વૈશ્વિક મુદ્દાઓ ઉપરાંત આતંકવાદ સામે મુકાબલો કરવામાં પરસ્પર સહયોગ વધારવા સંબંધિત ચર્ચાઓ કેન્દ્રમાં રહે તેવી શક્યતા હતી. સુષમા સ્વરાજ આ ઉપરાંત તાઝિકિસ્તાનમાં ભારતીય સમુદાયને પણ સંબોધન કરશે.
જૂન 2017માં ભારત એસસીઓનો ફૂલ ટાઈમ સભ્ય બન્યા બાદ શાસનાધ્યક્ષ પરિષદની આ બીજી બેઠક છે. ચીનના વર્ચસ્વવાળા આ સંગઠનનો ભારત ગત વર્ષે પૂર્ણ સભ્ય બન્યો. તેમાં તેના પ્રવેશથી ક્ષેત્રીય ભૂરાજકારણ, વ્યાપાર વાર્તામાં આ સંગઠનનો દબદબો વધવાની સંભાવના છે તથા તેને અખિલ એશિયાઈ સ્વરૂપ પણ મળશે. ગત વર્ષે ભારતની સાથે સાથે પાકિસ્તાનને પણ એસસીઓની સદસ્યતા મળી હતી. એસસીઓની સ્થાપના 2001માં શાંઘાઈમાં આયોજિત એક શિખર સંમેલનમાં કરાઈ હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે