રશિયાએ નિભાવી ભારત સાથેની પોતાની દોસ્તી, આ મોરચે બંને દેશો વચ્ચે વધી રહી છે ભાગીદારી
ભારત અને રશિયા વચ્ચેની મિત્રતા કઈ આજકાલની નથી પરંતુ વર્ષો જૂની છે. ભારત સાથેની પોતાની મિત્રતા રશિયાએ જ્યારે પણ જરૂર પડી ત્યારે નિભાવી છે. ભારતે પણ સામે જ્યારે જ્યારે ઋણ અદા કરવાની જરૂર પડી ત્યારે કર્યું છે.
Trending Photos
Russian Crude Oil: ક્રૂડ ઓઈલ અને ખાતરની આયાત વધવાથી ચાલુ નાણાકીય વર્ષના પહેલા ચાર મહિના (એપ્રિલ-જુલાઈ) માં રશિયાથી ભારતમાં આયાત બમણી થઈને 20.45 અબજ ડોલર પર પહોંચી ગઈ છે. વાણિજ્ય મંત્રાલયના આંકડામાં આ જાણકારી આપવામાં આવી છે. આ સાથે જ રશિયા નાણાકીય વર્ષના પહેલા ચાર મહિનામાં ભારતનો બીજો સૌથી મોટો આયાતનો સ્ત્રોત બની ગયું છે. એપ્રિલથી જુલાઈ 2022 દરમિયાન રશિયાથી આયાત 10.42 અબજ ડોલર રહી હતી.
રશિયા-યુક્રેન સંઘર્ષ શરૂ થતા પહેલા ભારતની ઓઈલ આયાતની યાદીમાં રશિયાની ભાગીદારી એક ટકા કરતા પણ ઓછી રહેતી હતી. પરંતુ હવે તે વધીને 40 ટકા જેટલી થઈ ચૂકી છે.
ભારત ત્રીજો મોટો આયાતકાર
ચીન અને અમેરિકા બાદ ભારત દુનિયામાં ક્રૂડ ઓઈલનો ત્રીજો સૌથી મોટો આયાતકાર દેશ છે. યુક્રેન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી બાદ પશ્ચિમી દેશોએ રશિયા પર આર્થિક પ્રતિબંધ લગાવ્યા તો ભારતને રશિયા પાસેથી સસ્તા ભાવે ક્રૂડ ઓઈલની ખરીદી કરવાની તક મળી.
ચીનથી ભારતની આયાત ઘટી
મંત્રાલયના આંકડાથી જાણવા મળે છે કે એપ્રિલથી જુલાઈના સમયગાળામાં ચીનથી ભારત આયાત ઘટીને 32.7 અબજ ડોલર થઈ ગઈ જ્યારે ગત વર્ષે આ જ સમયગાળામાં આયાત 34.55 અબજ ડોલર હતી.
એ જરીતે અમેરિકાથી ભારતની આયાત ઘટીને 14.23 અબજ ડોલર થઈ ગઈ છે. જ્યારે ગત વર્ષે આ સમયગાળામાં તે 17.16 અબજ ડોલર હતી.
સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)થી પણ આયાત એપ્રિલ-જુલાઈ 2023 દરમિયાન ઘટીને 13.39 અબજ ડોલર થઈ ગઈ જ્યારે ગત વર્ષે તે 18.45 અબજ ડોલર હતી.
નિકાસના મોરચે આ સમયગાળામાં ટોચની 10 જગ્યાઓમાંથી સાત દેશોને ભારતની નિકાસ ઘટી છે. અમેરિકા, યુએઈ, ચીન, સિંગાપુર, જર્મની, બાંગ્લાદેશ અને ઈટલીને વસ્તુઓની નિકાસ ઘટી છે. જ્યારે બ્રિટન, નેધરલેન્ડ્સ, અને સાઉદી અરબને નિકાસમાં સકારાત્મક વધારો નોંધાયો છે.
(ઈનપુટ- ન્યૂઝ એજન્સી ભાષા)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે