અમેરિકામાં હવે 'જન્મની સાથે જ નાગરિકતા' નહીં મળે, કાયદો બદલવાની તૈયારીમાં ટ્રમ્પ
: રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે કહ્યું કે જેના કારણે અમેરિકામાં જન્મ લેતા જ પ્રત્યેક બાળકને દેશનું નાગરિકત્વ આપોઆપ મળી જાય તે બંધારણીય અધિકાર તેઓ સમાપ્ત કરવા માંગે છે.
Trending Photos
અલ્બુકર્ક (અમેરિકા): રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે કહ્યું કે જેના કારણે અમેરિકામાં જન્મ લેતા જ પ્રત્યેક બાળકને દેશનું નાગરિકત્વ આપોઆપ મળી જાય તે બંધારણીય અધિકાર તેઓ સમાપ્ત કરવા માંગે છે. 'એક્સઓસ ઓન એચબીઓ' પર એક ઈન્ટરવ્યુમાં ટ્રમ્પે કહ્યું કે તેમનો ઈરાદો આ પાછળ તેમનો હેતુ બહારના નાગરિકો અને અનાધિકૃત પ્રવાસીઓના બાળકોને મળતી નાગરિકતાની ગેરંટી પર રોક લગાવવાનો છે.
જન્મની સાથે જ અમેરિકી નાગરિકત્વની વ્યવસ્થા 14માં સંશોધન મારફતે થઈ છે. જેને ગૃહયુદ્ધ બાદ ગુલામીથી મુક્ત થયેલા અશ્વેતોને અમેરિકાની નાગરિકતા આપવાના હેતુથી મંજૂર કરાઈ હતી. પરંતુ કોર્ટમાં પડકાર ફેંકાયા બાદ તેનો ઉપયોગ અમેરિકાની ધરતી પર જન્મ લેનારા તમામ બાળકોને નાગરિકતાની ગેરંટી આપવા માટે થવા લાગ્યો. ટ્રમ્પ કે કોઈ અન્ય રાષ્ટ્રપતિ આ અંગે કોઈ આદેશ લાવે તો તેને ન્યાયિક પડકાર મળી શકે છે.
ટ્રમ્પના નિર્ણયની આલોચના
ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણયની આકરી ટીકા થઈ રહી છે. ટ્રમ્પની પોતાની રિપબ્લિકન પાર્ટીમાંથી પણ ટીકાના સૂર જોવા મળી રહ્યાં છે. ટ્રમ્પે એક્સિઓસને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું છે કે જન્મની સાથે જ નાગરિકત્વ મળવાનો અધિકાર સમાપ્ત થશે અને આ કામ શાસકીય આદેશ દ્વારા અમલમાં આવશે.
અમેરિકા પ્રતિનિધિ સભાના સ્પિકર, કોંગ્રેસ સભ્ય પોલ રયાને કહ્યું કે 'તમે શાસકીય આદેશ દ્વારા જન્મજાત નાગરિકતાને સમાપ્ત કરી શકો નહીં.' રયાને કેન્ટુકીના લેજિંગ્ટનમાં સ્થાનિક રેડિયો સ્ટેશનને કહ્યું કે 'જ્યારે પૂર્વ રાષ્ટ્રપતિ (બરાક ઓબામા)એ શાસકીય આદેશ દ્વારા ઈમિગ્રેશનના નિયમોમાં ફેરફાર કરવાની કોશિશ કરી તો ત્યારે પણ અમે તેને નાપંસદ કર્યું હતું અને કંઝર્વેટિવ પાર્ટીથી હોવાના કારણે અમે બંધારણમાં વિશ્વાસ કરીએ છીએ.'
વર્તમાન કાયદા મુજબ અમેરિકામાં જન્મ લેનાર કોઈ પણ બાળક અમેરિકી નાગરિક હોય છે, પછી ભલે તેના માતા પિતા અમેરિકાના નાગરિક હોય કે નહીં. ટ્રમ્પે ઈન્ટરવ્યુમાં કહ્યું કે 'મને હંમેશાથી જણાવવામાં આવ્યું છે કે તમારે બંધારણમાં સંશોધન કરવાની જરૂર છે, એક સંશોધન. પહેલી વાત તમારે એ કરવાનું નથી. બીજી વાત એ છે કે તમે કે કોંગ્રેસ દ્વારા કરી શકો છો. પરંતુ હવે તેઓ કહે છે કે હું ફક્ત એક શાસકીય આદેશ દ્વારા આમ કરી શકું છું. '
આ ઈન્ટરવ્યુનો કેટલોક ભાગ મંગળવારે પ્રસારિત કરાયો હતો. આખો ઈન્ટરવ્યુ 'એક્સિઓઝ ઓન એચબીઓ' પર રવિવારે પ્રસારિત કરવામાં આવશે. ટ્રમ્પે કહ્યું કે અમેરિકામાં જન્મેલા કોઈ પણ વ્યક્તિને નાગરિકતા આપવી એ હાસ્યાસ્પદ છે. તેમણે કહ્યું કે આપણે વિશ્વમાં એકમાત્ર એવો દેશ છીએ કે જ્યાં કોઈ આવે છે, બાળકને જન્મ આપે છે અને ત્યારબાદ બાળક 85 વર્ષ માટે અમેરિકાનો ફરજિયાત નાગરિક બની જાય છે અને તેને આ સાથે જ તમામ પ્રકારના લાભ મળે છે. 'આ હાસ્યાસ્પદ છે, અને તેને ખતમ કરવો પડશે.'
સેનેટની શક્તિશાળી ન્યાયપાલિકા સમિતિના અધ્યક્ષ રિપબ્લિક સાંસદ ચક ગ્રાસલે કહ્યું કે આમ કરવા માટે બંધારણમાં સંશોધન કરવું પડશે. ડેમોક્રેટિક પાર્ટીના નેતા નેન્સી પેલોસીએ ટ્રમ્પના આ પગલાંની આલોચના કરી છે. અમેરિકી ઈમિગ્રેશન કાઉન્સિલના એક્ઝિક્યુટીવ ડાઈરેક્ટર બેથ વર્લિને કહ્યું કે 'કોઈ પણ રાષ્ટ્રપતિ પોતાની કલમથી બંધારણ બદલી શકે નહીં. જન્મજાત નાગરિકતાની જોગવાઈને બંધારણમાં એક નવું સંશોધન કરીને જ ખતમ કરી શકાય છે.'
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે