G20 સમિટ: UN મહાસચિવ અને સાઉદી ક્રાઉન પ્રિન્સે પીએમ મોદી સાથે કરી મુલાકાત
જી 20 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આર્જેન્ટિના પહોંચ્યા છે. અહીં તેમણે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્તોનિયો ગુતેરસ સાથે મુલાકાત કરી.
Trending Photos
નવી દિલ્હી/બ્યુનર્સ આયર્સ: જી 20 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આર્જેન્ટિના પહોંચ્યા છે. અહીં તેમણે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્તોનિયો ગુતેરસ સાથે મુલાકાત કરી. આ ઉપરાંત પીએમ મોદી સંયુક્ત આરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન અલ સાઉદને પણ મળ્યાં. આ દરમિયાન તેમની વચ્ચે કેટલાક મહત્વના મુદ્દાઓ પર વાતચીત પણ થઈ. પીએમ મોદી બ્યુનર્સ આયર્સમાં આયોજિત યોગા ફોર પીસ કાર્યક્રમમાં પણ સામેલ થયાં.
આર્જેન્ટિનામાં ભારતના વિદેશ સચિવ વિજય ગોખલેએ પીએમ મોદીની કેટલાક નેતાઓ સાથેની મુલાકાત અને વાતચીતની જાણકારી આપી. તેમણે જણાવ્યું કે સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ બિન સલમાન અલ સાઉદ સાથે પીએમ મોદીની મુલાકાત દોસ્તાના રહી. આ મુલાકાતમાં બંને વચ્ચે કેટલીક મહત્વપૂર્ણ ચર્ચા થઈ. બંને વચ્ચે એ વાત ઉપર પણ ચર્ચા થઈ કે સાઉદી અરબ આગામી 2-3 વર્ષમાં વિભિન્ન સેક્ટરોમાં રોકાણ કરશે. તેમણે જણાવ્યું કે સાઉદી ક્રાઉન પ્રિન્સે પીએમ મોદીને જાણકારી આપી કે સાઉદી અરબ નેશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડમાં પ્રારંભિક રોકાણને અંતિમ સ્વરૂપ આપી રહ્યું છે.
આ બાજુ પીએમ મોદી અને સયુંક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્તોનિયો ગુતારેસ વચ્ચે થયેલી મુલાકાત અંગે પણ ગોખલેએ જાણકારી આપી. તેમણે જણાવ્યું કે બંને વચ્ચે ચર્ચાનો વિષય પોલેન્ડમાં જલવાયુ પરિવર્તન પર થનારી મીટિંગ હતો. આ મિટિંગને COP 24 કહેવામાં આવી રહી છે. વિદેશ સચિવે કહ્યું કે મહાસચિવે જલવાયુ પરિવર્તન પર દેશો વચ્ચે થયેલી વાતચીતમાં ભારતની મહત્વની ભૂમિકાને બિરદાવી. તેમણે પીએમ મોદી તરફથી જલવાયુ પરિવર્તનને લઈને ઉઠાવેલા મહત્વના પગલાં માટે આભાર પણ વ્યક્ત કર્યો.
યોગા ફોર પીસમાં લીધો ભાગ
બ્યુનર્સ આયર્સમાં આયોજિત યોગા ફોર પીસ કાર્યક્રમમાં પણ પીએમ મોદીએ ભાગ લીધો આ કાર્યક્રમમાં પીએમ મોદીએ આર્જેન્ટિનાની હોકી ટીમને ઓડિશામાં આયોજિત હોકી વર્લ્ડ કપમાં તેમની પહેલી મેચ જીતવા બદલ અભિનંદન પણ પાઠવ્યાં. તેમણે ભવિષ્ય માટે પણ હોકી ટીમને શુભેચ્છાઓ પાઠવી.
પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે આજના આ કાર્યક્રમનું નામ યોગા ફોર પીસ છે. આ કાર્યક્રમ માટે આનાથી વધુ સારું નામ મળવું મુશ્કેલ છે. યોગ આપણને વધુ સારી માનસિક સ્થિતિ અને શારીરિક સ્વાસ્થ્ય મેળવવામાં મદદ કરે છે. તે આપણા શરીરને મજબુતી અને આપણા મસ્તકને શાંતિ આપે છે.
પીએમ મોદીએ કહ્યું કે જ્યારે કોઈ વ્યક્તિને મનની શાંતિ હોય છે ત્યારે તેના પરિવારમાં પણ શાંતિ હોય છે. સમાજ, દેશ અને દુનિયામાં પણ શાંતિ રહે છે. દુનિયાના લોકો માટે યોગ એ ભારત તરફથી એક ભેટ છે. અત્રે જણાવવાનું કે પીએમ મોદી આર્જેન્ટિનાની રાજધાનીમાં દુનિયાભરના નેતાઓ સાથે બે મહત્વપૂર્ણ ત્રિપક્ષીય બેઠકોમાં ભાગ લેવાના છે. આ બેઠકોમાં પ્રમુખ વૈશ્વિક પડકારો અને ઘટનાક્રમો પર વિચાર વિમર્શ કરવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી-20 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે આર્જેન્ટિના ગયા છે. જાપાન, અમેરિકા અને ભારત વચ્ચે પહેલીવાર આયોજિત કરવામાં આવેલી ત્રિપક્ષીય બેઠકમાં તેઓ ભાગ લેશે. આ ઉપરાંત રશિયા, ભારત અને ચીન વચ્ચે બીજીવાર આયોજિત થઈ રહેલી ત્રિપક્ષીય બેઠકમાં પણ તેઓ ભાગ લેશે. આ બેઠક શુક્રવારના રોજ 12 વર્ષના સમયગાળા બાદ આયોજિત થઈ રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે