સમજોતા વિસ્ફોટ કેસઃ તમામ આરોપી નિર્દોષ છૂટતાં પાકે. ભારતીય રાજદૂતને બોલાવ્યા
Trending Photos
નવી દિલ્હીઃ પાકિસ્તાન સમજોતા એક્સપ્રેસ વિસ્ફોટ કેસમાં આરોપી રહેલા તમામ ચારને કોર્ટ દ્વારા નિર્દોષ છોડી મુકાયા બાદ ભારતીય રાજદૂતને મળવા બોલાવ્યા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલય અનુસાર, પાકિસ્તાને ભારતીય રાજદૂતને બોલાવ્યા છે અને સમજોતા ટ્રેનમાં વિસ્ફોટની ઘટનામાં તમામ ચાર આરોપીઓને નિર્દોષ છોડી મુકવા અંગેના ચૂકાદાની નિંદા કરીને વિરોધ વ્યક્ત કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, 18 ફેબ્રુઆરી, 2007ના રોજ હરિયાણાના પાણીપતની નજીક સમજોતા એક્સપ્રેસમાં વિસ્ફોટ થયો હતો. જેમાં સમજોતા એક્સપ્રેસના બે કોચ સળગીને નાશ પામ્યા હતા. એનઆઈએ દ્વારા જુન, 2011ના રોજ ચાર્જશીટ દાખલ કરાઈ હતી અને 8 લોકોને આરોપી ઠેરવાયા હતા. આ આઠ લોકોમાં નબાકુમાર સરકાર ઉર્ફે સ્વામી અસીમાનંદ, લોકેશ શર્મા, કમલ ચૌહાણ અને રાજિન્દર ચૌધરી કોર્ટ સામે હાજર થયા હતા. જોકે, અસીમાનંદ જામીન પર છૂટી ગયા હતા, જ્યારે બાકીના ત્રણ ન્યાયિક કસ્ટડીમાં હતા.
પંચકુલાની સ્પેશિયલ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી કોર્ટે વર્ષ 2007ના સમજોતા વિસ્ફોટ કેસમાં તમામ ચાર આરોપી- સ્વામી અસિમાનંદ, લોકેશ શર્મા, કમલ ચૌહાણ અને રાજિન્દ્ર ચૌધરીને દોષમુક્ત જાહેર કર્યા છે.
આ ચૂકાદા અંગે પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી)ના અધ્યક્ષ મહેબુબા મુફ્તીએ બુધવારે જણાવ્યું કે, "પાકા પૂરાવા હોવા છતાં પણ RSSના એક પૂર્વ સભ્ય સહિત તમામ આરોપીઓને કોર્ટ દ્વારા દોષમુક્ત જાહેર કરાયા છે. ભગવાન ન કરે, જો તેઓ કાશ્મીરી કે મુસલમાન હોત તો તેમને દોષી ઠેરવી દેવાતા અને નિષ્પક્ષ સુનાવણી વગર જ જેલમાં નાખી દેવામાં આવતા. ભગવા આતંક અંગે આવું ઠંડુ વલણ અને બેવડા માપદંડ શા માટે?"
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે