પાકિસ્તાનઃ હિન્દુ મંદિરમાં તોડફોડ, આગકાંડના મુખ્ય આરોપી મૌલવી મોહમ્મદ શરીફની ધરપકડ

સ્ટેશન ઈન્ચાર્જ રહમતુલ્લા ખાને જણાવ્યુ કે, ખૈબર પખ્તુનખ્વામાં કરક ડિલ્લાના ટેરી ગામમાં મંદિર પર હુમલા બાદ કટ્ટરપંથી જમીયત ઉલેમા-એ-ઇસ્લામ પાર્ટીના નેતા રહમત સલાવ ખટ્ટક સહિત 26 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

પાકિસ્તાનઃ હિન્દુ મંદિરમાં તોડફોડ, આગકાંડના મુખ્ય આરોપી મૌલવી મોહમ્મદ શરીફની ધરપકડ

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં હિન્દુ મંદિરને આગ લગાવવા અને તેને તોડવાના મામલામાં પોલીસે મુખ્ય આરોપી મૌલવી મોહમ્મદ શરીફની ગુરૂવારે ધરપકડ કરી છે. પોલીસે આ મામલામાં જમીયત ઉલેમા-એ-ઇસ્લામ (JUI-F)ના બે સ્થાનીક મૌલવીઓ  મૌલવી મોહમ્મદ શરીફ અને મૌલાના ફૈઝુલ્લાહ સહિત અન્ય અજાણ્યા લોકો વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી છે. 

આ પહેલા હિન્દુ મંદિર પર થયેલા હુમલાના સિલસિલામાં પોલીસે રાતભર ઘણી જગ્યાએ દરોડા પાડ્યા અને ધરપકડ કરી હતી. સ્ટેશન ઈન્ચાર્જ રહમતુલ્લા ખાને જણાવ્યુ કે, ખૈબર પખ્તુનખ્વામાં કરક ડિલ્લાના ટેરી ગામમાં મંદિર પર હુમલા બાદ કટ્ટરપંથી જમીયત ઉલેમા-એ-ઇસ્લામ પાર્ટીના નેતા રહમત સલાવ ખટ્ટક સહિત 26 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જમીયત ઉલેમા-એ-ઇસ્લામ પાર્ટી (ફઝલ ઉર રહમાન સમૂહ)ના સમર્થકોના નેતૃત્વ વાળા ટોળાએ મંદિરના વિસ્તાર કાર્યનો વિરોધ કર્યો અને મંદિરના જૂના માળખાની સાથે-સાથે નવનિર્મિત નિર્માણ કાર્યને પણ ધ્વસ્ત કરી દીધું હતું. 

પ્રાંતના સંસદીય સચિવ લાલ ચંદ મલ્હીએ કરી ટીકા
આ ઘટનાની માનવાધિકાર કાર્યકર્તાઓ અને અલ્પસંખ્યક હિન્દુ સમુદાયે નિંદા કરી છે. પાકિસ્તાનમાં માનવાધિકારો માટે પ્રદેશ સંસદીય સચિવ લાલ ચંદ મલ્હીએ આ મામલાની આકરા શબ્દોમાં ટીકા કરી છે. તેમણે કહ્યું કે, કેટલાક લોકો પાકિસ્તાનને બદનામ કરવા માટે આ પ્રકારની અસામાજિક ગતિવિધિઓ કરી રહ્યાં છે, જેને ચલાવી લેવામાં આવશે નહીં. 

ખૈબર પખ્તુનખ્વાના મુખ્યમંત્રી મહમૂદ ખાને મંદિર પર હુમલાને 'એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના' ગણાવી અને તેમાં સામેલ લોકોની તાત્કાલિક ધરપકડના આદેશ આપ્યા છે. ખાને પૂજા સ્થળોને આ પ્રકારની ઘટનાઓથી બચાવવાનો સંકલ્પ લીધો છે. 

મંદિર પરિસરમાં છે હિન્દુ ધાર્મિક નેતાની સમાધિ
હિન્દુ સમુદાય પેશાવરના નેતા હારૂન સરબ દિયાલે કહ્યુ કે, આ મંદિર પરિસરમાં એક હિન્દુ ધાર્મિક નેતાની સમાધિ છે અને દેશના હિન્દુ પરિવાર દર ગુરૂવારે આ સમાધિ પર જાય છે. તેમણે કહ્યું કે, આ ઘટનાએ હિન્દુ સમુદાયની ભાવનાને ઠેસ પહોંચાડી અને ઇસ્લામિક વિચારધારા પરિષદે તેને ધ્યાને લેવું જોઈએ. 

દિયાલે કહ્યુ કે, પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન ધાર્મિક સ્થળો પર પર્યટનને પ્રોત્સાહન આપવાની વાત કરે છે, પરંતુ દેશમાં અલ્પસંખ્યકોના પૂજનીય સ્થળ સુરક્ષિત નથી. હિન્દુ સમુદાય પાકિસ્તાનનો સૌથી મોટો અલ્પસંખ્યક સમુદાય છે. સત્તાવાર અનુમાન અનુસાર પાકિસ્તાનમાં 75 લાખ હિન્દુ રહે છે, પરંતુ સમુદાયનું કહેવું છે કે દેશમાં 90 લાખથી વધુ હિન્દુ રહે છે. પાકિસ્તાનમાં હિન્દુઓની મોટાભાગની વસ્તી સિંધ પ્રાંતમાં રહે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news