ચારે તરફથી ઘેરાયેલા પાક.નું પગલું, જૈશના વડામથકને લીધું નિયંત્રણમાં
પાકિસ્તાને આતંકવાદી મસૂરને બચાવવા માટે ધમપછાડા કરવાના શરૂ કરી દીધા છે, દુનિયાને દેખાડવા માટે કાર્યવાહીના નામે આ એક નવું નાટક માનવામાં આવી રહ્યું છે
Trending Photos
ઈસ્લામાબાદઃ ભારત દ્વારા જે રીતે એક પછી એક પગલાં લેવામાં આવી રહ્યા છે, તેના કારણે પાકિસ્તાન ચારેય તરફથી ઘેરાઈ રહ્યું છે. ભારતની કાર્યવાહીની બીકે પાકિસ્તાને જૈશના વડા મથકને નિયંત્રણમાં લઈ લીધું છે. આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનું વડું મથક પાકિસ્તાનના પંજાબના બહાવલપુરમાં આવેલું છે. પંજાબ સરકારે આ વડા મથકને સંપૂર્ણપણે પોતાના નિયંત્રણમાં લઈ લીધું છે. જોકે, દુનિયાને દેખાડવા માટે કાર્યવાહીના નામે પાકિસ્તાનનું આ એક નવું નાટક માનવામાં આવી રહ્યું છે.
પાકિસ્તાનના ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, "પંજાબ સરકારે જૈશના વડા મથકને પોતાના કબ્જામાં લઈ લીધું છે અને અહીં વહીવટદાર પણ તૈનાત કરાયા છે. આ કાર્યવાહી ગુરુવારે વડા પ્રધાન ઈમરાન ખાનની અધ્યક્ષતામાં મળેલી રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની બેઠકમાં લેવાયેલા નિર્મય બાદ કરાઈ છે."
પાક. પ્રવક્તાના જણાવ્યા મુજબ, અત્યારે આ વડા મથકમાં 600 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને 70 શિક્ષકો અહીં ભણાવી રહ્યા છે. પંજાબ સરકારની પોલીસ કેમ્પસને સુરક્ષા પુરી પાડી રહી છે.
પ્રવક્તાના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની બેઠકમાં ઉગ્રવાદીઓને સમુદાયમાંથી બહાર હાંકી કાઢવાનો નિર્ણય લેવાયો છે. આ અગાઉ પાકિસ્તાને વર્ષ 2008ના મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદની સંસ્થા જમાત-ઉદ-દાવા અને તેની ધર્માદા સંસ્થા ફલાહ-એ-ઈન્સાનિયત ફાઉન્ડેશન પર પાક. સરકારે ગુરુવારે પ્રતિબંધ લગાવી દીધો હતો.
પ્રવક્તાએ જણાવ્યું કે, "ગેરકાયદે જાહેર કરાયેલા સંગઠનો સામે કાર્યવાહી ઝડપી કરવાનો આ બેઠકમાં નિર્ણય લેવાયો હતો."
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે