જાપાન આવેલા પીએમ મોદીને ભેટી પડ્યાં વડાપ્રધાન શિંજો આબે, કર્યુ ઉષ્માભર્યું સ્વાગત
જાપાનના બે દિવસના પ્રવાસે પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત આજે સવારે જાપાનના વડાપ્રધાન શિંજો આબેએ ગળે લગાવીને કર્યું.
Trending Photos
ટોક્યો/નવી દિલ્હી: જાપાનના બે દિવસના પ્રવાસે પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત આજે સવારે જાપાનના વડાપ્રધાન શિંજો આબેએ ગળે લગાવીને કર્યું. આજે સવારે યામાનાશીના માઉન્ટ ફ્યુજી હોટલમાં આબેએ પીએમ મોદીને ગળે લગાવ્યાં. પીએમ મોદી ભારત જાપાન વાર્ષિક સંમેલનમાં ભાગ લેવા માટે જાપાન ગયા છે. પીએમ મોદી અને આબે વચ્ચે બપોરે 1.30 વાગે મુલાકાત થશે. આ અગાઉ પીએમ મોદી 11 વાગે ફાનુક રોબોટિક્સ સેન્ટર જશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે અહીં પહોંચ્યા બાદ કહ્યું કે જાપાની સમકક્ષ શિંજો આબે સાથે તેમની બેઠક બંને દેશોના મજબુત સંબંધોમાં એક નવો અધ્યાય જોડશે. બંને દેશો વચ્ચે આજથી શરૂ થઈ રહેલા બે દિવસના સંમેલન દરમિયાન દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરવામાં આવશે અને દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબુત બનાવવા પર ચર્ચા થશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશકુમારે ટ્વિટ કરી કે શિંજો આબે સાથે વાર્ષિક સંમેલન માટે ટોક્યો પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. જાપાન એ દેશોમાં સામેલ છે જેમની સાથે ભારત વાર્ષિક સંમેલન કરે છે. જે આપણા સંબંધોની અસાધારણ મજબુતી દર્શાવે છે.
આ અગાઉ વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે ટોક્યો પહોંચી ગયો છું. હું આશ્વસ્ત છું કે આ પ્રવાસ ભારત અને જાપાનના મજબુત સંબંધોમાં નવો અધ્યાય જોડશે. જાપાન રવાના થતા પહેલા શુક્રવારે પીએમ મોદીએ એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે જાપાન આપણો મૂલ્યવાન સહયોગી છે. આપણા જાપાન સાથે ખાસ વ્યુહાત્મક અને વૈશ્વિક ગઠજોડ છે. જાપાન સાથે આપણા આર્થિક, વ્યુહાત્મક સહયોગમાં હાલના વર્ષોમાં અનેક ફેરફાર આવ્યાં છે. આજે આપણો સહયોગ ખુબ ગાઢ અને ઉદ્દેશ્યપૂર્ણ છે.
પીએમ મોદીએ કહ્યું હતું કે ભારત અને જાપાન વચ્ચે સહયોગ ભારતની એક્ટ ઈસ્ટ નીતિ અને મુક્ત, કુલ્લી તથા સમાવેશી હિંદ પ્રશાંત વિસ્તાર પ્રત્યે બંને દેશોની જોઈન્ટ પ્રતિબદ્ધતાના મજબુત સ્તંભો પર આધારિત છે. વડાપ્રધાને કહ્યું હતું કે સપ્ટેમ્બર 2014માં મારી વડાપ્રધાન તરીકે પહેલી જાપાન યાત્રા બાદ વડાપ્રધાન શિંજો આબે સાથે આ 12મી બેઠક હશે.
તેમણે કહ્યું કે અમારી વચ્ચે આ પૂરક ભાવ જ ભારત અને જાપાને વિજયી યુગ્મ બનાવે છે. જાપાન આજના સમયમાં ભારતના આર્થિક તથા ટેક્નોલોજી આધુનિકીકરણમાં સૌથી વિશ્વસનીય સહયોગી છે. તેમણે કહ્યું હતું કે મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ કોરિડોર અને સમર્પિત ફ્રેટ કોરીડોર જેવા પ્રોજેક્ટ બંને દેશો વચ્ચે ઉચ્ચ સ્તર તથા મજબુત આર્થિક સહયોગ દર્શાવે છે.
તેમણે કહ્યું હતું કે જાપાન આપણા દેશમાં મેક ઈન ઈન્ડિયા, ડિજિટલ ઈન્ડિયા, સ્ટાર્ટઅપ ઈન્ડિયા જેવી રાષ્ટ્રીય પહેલમાં આગળ વધીને સહયોગ કરી રહ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે આ યાત્રા દરમિયાન રોબોટિક્સના ક્ષેત્રમાં જાપાનની ઉચ્ચ ક્ષમતાઓને જોવાની તક મળશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે