ઈન્ડોનેશિયામાં મૃતાંક 373 પર પહોંચ્યો, હજુ પણ રાહતકાર્યો ચાલુ
ઈન્ડોનેશિયામાં રવિવારે જ્વાળામુખી ફાટ્યા બાદ આવેલી વિનાશક સુનામીમાં અસંખ્ય લોકો તણાઈ ગયા હતા અને સંપત્તિને પણ ભારે નુકસાન પહોંચ્યું હતું
Trending Photos
તાનજુંગ લેસુંગઃ ઈન્ડોનેશિયામાં રવિવારે જ્વાળામુખી ફાટ્યા બાદ આવેલી વિનાશક સુનામીમાં અસંખ્ય લોકો તણાઈ ગયા હતા અને સંપત્તિને પણ ભારે નુકસાન પહોંચ્યું હતું. સોમવાર સાંજ સુધીમાં કુલ મોતનો આંકડો 373 પર પહોંચ્યો છે, જ્યારે ઘાયલોની સંખ્યા 1400ને પાર પહોંચી છે. હજુ પણ રાહત-બચાવ કાર્ય ચાલુ છે અને મૃત્યુનો આંકડો વધી શકે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
પશ્ચિમ જાવા અને સુમાત્રા ટાપુ પણ સુનામીનો ભોગ બન્યા હતા. અહીં હજુ 128 લોકો લાપતા છે, જેના કારણે મોતનો આંકડો વધે એવી સંભાવના વ્યક્ત કરાઈ છે. અહીં સેનાના જવાનો અને સ્વયંસેવકો રાહત-બચાવ કાર્ય સંભાળી રહ્યા છે.
ઈન્ડોનેશિયન મેડિકલ એસોસિએશને જણાવ્યું કે, સુનામનીથી સૌથી વધુ પ્રભાવિત બાન્ટેન વિસ્તારમાં ડોક્ટરો, દવાઓ અને સાધનો, ઘાયલો માટે જરૂરી ઓર્થોપેડિક સાધનો અને ન્યુરોલોજિકલ સહાય પૂરી પાડવામાં આવી છે. સુનામીમાં ભોગ બનેલા મોટાભાગના ઘરેલુ પ્રવાસીઓ જ હતા, જેઓ ક્રિસમસને કારણે બીચ ઉપર ફરવા માટે ગયા હતા.
સપ્ટેમ્બર મહિના પછી ઈન્ડોનેશિયામાં આ બીજી ભારે વિનાશક સુનામી આવી છે. અચાનક આવેલી સુનામીને કારણે મોતનો આંકડો વધી ગયો છે. કેમ કે હવામાન ખાતાને જ્વાળામુખી ફાટશે કે સુનામી આવશે તેનો કોઈ અંદાજ જ આવ્યો ન હતો, જેના કારણે દેશમાં કોઈ પણ પ્રકારની ચેતવણી જાહેર કરાઈ ન હતી.
ઈન્ડોનેશિયાના મિટરોલોજી, ક્લાઈમેટોલોજી અને જીઓફિઝિક્સ એજન્સીના દ્વિકોરિટા કર્નાવટીએ સોમવારે જણાવ્યું કે, "આ સુનામી કરાકાટુ જ્વાળામુખી ફાટવાને કારણે આવી છે. તેના કારણે તેમની એજન્સીના સેન્સર્સ કે જે ઈન્ડોનેશિયામાં આવતી 90 ટકા સુનામી અને ભૂકંપની ગતિવિધીઓ ઉપર નજર રાખે છે, તેને પકડી શક્યા ન હતા."
ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિએ પણ પ્રભાવિત વિસ્તારની મુલાકાત લીધી હતી અને જણાવ્યું કે, તેમણે સામાજિક મંત્રાલયને મૃતકોના પરિજનોને અને ઘાયલોને વહેલામાં વહેલી તકે વળતર પહોંચાડી દેવાના આદેશ આપ્યા છે. સાથે જ તેમણે સ્થાનિક સરકારી તંત્ર, સેના અને પોલીસની રાહત-બચાવ કામગીરીને બિરદાવી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે