પાકિસ્તાનઃ ભ્રષ્ટાચારના બે કેસમાં કોર્ટમાં હાજર થયા પૂર્વ પીએમ શરીફ

ભ્રષ્ટાચારના આરોપમાં જેલમાં સજા કાપી રહ્યા છે પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફ

પાકિસ્તાનઃ ભ્રષ્ટાચારના બે કેસમાં કોર્ટમાં હાજર થયા પૂર્વ પીએમ શરીફ

ઈસ્લામાબાદઃ જેલમાં સજા કાપી રહેલા પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફ તેમના અને તેમના પરિવાર સામે ચાલી રહેલા ભ્રષ્ટાચારના બે અન્ય કેસની સુનાવણી બાબતે સોમવારે ફરી એક વખત કોર્ટ સમક્ષ હાજર થયા હતા. પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (પીએમએલ-એન)ના 68 વર્ષના નેતા અલ-અજીઝિયા સ્ટીલ મિલ્સ અને હિલ મેટલ એસ્ટાબ્લિશમેન્ટ કેસની સુનાવણી માટે ઈસ્લામાબાદની કોર્ટમાં હાજર થયા હતા. 

શરીફ પોતાની પુત્રી મરિયમ (44) અને જમાઈ કેપ્ટન (સેવાનિવૃત્ત) મોહમ્મદ સફદર સાથે રાવલપિંડીની અદિયાલા જેલમાં ક્રમશઃ 10 વર્ષ, 7 વર્ષ અને 1 વર્ષની સજા કાપી રહ્યા છે. 6 જુલાઈના રોજ કોર્ટે આ લોકોને લંડનમાં પરિવારના ચાર ફ્લેટના માલિકી હક્ક અંગે દોષી ઠેરવ્યા હતા. 

સુનાવણી માટે શરીફને સોમવારે કડક સુરક્ષા વચ્ચે રાવલપિંડીની ઉચ્ચ સુરક્ષા ધરાવતી અદિયાલા જેલમાંથી ઈસ્લામાબાદ લાવવામાં આવ્યા હતા. શરીફના વકીલ ખ્વાજા હારિસે કોર્ટ સામે બંને કેસમાં એક સાથે ચૂકાદો આપવાની અપીલ કરી હતી, જેનો કોર્ટે સ્વિકાર કર્યો હતો. 

ફરિયાદી પક્ષે અલ અજીઝિયા સ્ટીલ કેસમાં સોમવારે અંતિમ સાક્ષીને રજૂ કર્યો હતો, જેણે શરીફ પરિવારના બેન્ક ખાતામાં થયેલા અનેક લેણ-દેણની વિગતો આપી હતી. ત્યાર બાદ કોર્ટે આ કેસની સુનાવણી 27 ઓગસ્ટ સુધી સ્થગિત કરી દીધી છે. શરીફના અનેક સમર્થકો કોર્ટની બહાર એક્ઠા થયા હતા. શરીફ પર ગુલાબની પાંખડી વરસાવાનો પ્રયાસ કરી રહેલા બે સમર્થકોને પોલિસે અટકમાં લઈ લીધા હતા. 

શરીફની અરજી પર ઈસ્લામાબાદ સુપ્રિમ કોર્ટે 7 ઓગસ્ટના રોજ શરીફ અને તેમનાં બે પુત્રો વિરુદ્ધ ભ્રષ્ટાચારના પડતર કેસોને ન્યાયાધિશ મલિકની અધ્યક્ષતાવાળી અન્ય બેન્ચને ટ્રાન્સફર કરી દીધા હતા. ગયા વર્ષે 28 જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટના એક ચૂકાદા બાદ શરીફ અને તેમના પરિવાર સામે એ જ વર્ષે ભ્રષ્ટાચારના ત્રણ કેસ નોંધવામાં આવ્યા હતા. શરીફ પરિવાર સામે ઔપચારિક કેસની શરૂઆત 14 સપ્ટેમ્બરના રોજ થઈ હતી અને છ મહિનાના અંદર સુનાવણી પુરી થવાની હતી. જોકે અંતિમ તારીખ ત્રણ વખત લંબાવામાં આવી છે. 

શરીફ ઉપરાંત તેમના બે પુત્રો - હસન અને હુસેન પણ ભ્રષ્ટાચારના ત્રણ કેસમાં સહઆરોપી છે. કોર્ટ અગાઉથી જ નવાઝના બંને પુત્રોને તેની સામે હાજર ન થવા અંગે ભાગેડુ જાહેર કરી ચૂકી છે. અધિકારીઓએ તેમને બ્લેક લીસ્ટમાં નાખ્યા છે, જે તેમને પાકિસ્તાની પાસપોર્ટ પર પ્રવાસ કરતાં અટકાવે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news