દક્ષિણ મેક્સિકોમાં ગોઝારો ટ્રક અકસ્માત; 53 શરણાર્થીઓના મૃત્યુ, 54 ઘાયલ
દક્ષિણ મેક્સિકોમાં શરણાર્થીઓને લઈને જઈ રહેલો એક માલવાહક ટ્રક દુર્ઘટનાગ્રસ્ત થયો. આ ગોઝારા અકસ્માતમાં 53 લોકોના મોત થયા છે. જ્યારે 54 અન્ય લોકો ઘાયલ થયા છે
Trending Photos
ટક્સ્ટલા ગુટિએરેઝ (મેક્સિકો): દક્ષિણ મેક્સિકોમાં શરણાર્થીઓને લઈને જઈ રહેલો એક માલવાહક ટ્રક દુર્ઘટનાગ્રસ્ત થયો. આ ગોઝારા અકસ્માતમાં 53 લોકોના મોત થયા છે. જ્યારે 54 અન્ય લોકો ઘાયલ થયા છે. ફેડરલ અટોર્ની જનરલના કાર્યાલયે જણાવ્યું કે પ્રાથમિક અંદાજા મુજબ અકસ્માતમાં 53 લોકો માર્યા ગયા છે. અને ઘાયલોમાં ત્રણ લોકોની હાલત ખુબ ગંભીર છે.
ચિયાપાસ રાજ્યના નાગરિક સુરક્ષા કાર્યાલયના પ્રમુખ લુઈસ મેન્યુઅલ મોરેનોએ કહ્યું કે ઘાયલોમાંથી 21 લોકોને ગંભીર ઈજા થઈ છે અને તેમને સ્થાનિક હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. દુર્ઘટના ચિયાપાસ રાજ્યની રાજધાની તરફ જનારા એક રાજમાર્ગ પર ઘટી. ઘટનાસ્થળની તસવીરોમાં પીડિતોને ફૂટપાથ પર અને ટ્રકના માલ ડબ્બાની અંદર જોઈ શકાય છે. મોરેનોએ જણાવ્યું કે પીડિતો મધ્ય અમેરિકાના શરણાર્થી હોવાનું જણાય છે. જો કે તેમની નાગરિકતાની પુષ્ટિ થઈ નથી. અકસ્માતમાં બચી ગયેલા કેટલાક લોકોએ જણાવ્યું કે તેઓ પાડોશી ગ્વાટેમાલા દેશના રહીશ છે.
અકસ્માતમાં માંડ માંડ બચી ગયેલા ગ્વાટેમાલાના સેલ્સો પેચિકોએ જણાવ્યું કે એવું લાગ્યું કે ટ્રક પૂરપાટ ઝડપે દોડી રહ્યો છે અને પછી કદાચ શરણાર્થીઓના વજનના કારણે તેનું સંતુલન બગડ્યું, જેના કારણે તે પલટી ગયો. પેચિકોએ જણાવ્યું કે ટ્રકમાં ગ્વાટેમાલા તથા હોન્ડુરાસના શરણાર્થીઓ હતા. કદાચ આઠથી 10 બાળકો પણ હતા. તેમણે જણાવ્યું કે તેઓ અમેરિકા જવાની કોશિશ કરી રહ્યા હતા. પરંતુ હવે લાગે છે કે તેમને ગ્વાટેમાલા મોકલી દેવાશે.
મોરેનોએ જણાવ્યું કે એવું લાગે છે કે ટ્રકમાં ક્ષમતા કરતા વધુ લોકો ભરેલા હોવાના કારણે તે પલટી ગયો અને પલટતાની સાથે જ તે સ્ટીલના પગપાળા પુલ સાથે ટકરાઈ ગયો. ટ્રકમાં ઓછામાં ઓછા 100 લોકો સવાર હતા. આ બધા વચ્ચે ગ્વાટેમાલાના રાષ્ટ્રપતિ એલેઝાન્ડ્રો જિયામાટેઈએ ટ્વીટ કરીને કહ્યું કે ચિયાપાસમાં થયેલા અકસ્માતથી ખુબ દુખી છું અને પીડિતોના પરિવાર પ્રત્યે એકજૂથતા વ્યક્ત કરું છું. જેમને અમે દૂતાવાસ સંબંધી દરેક મદદ ઉપલબ્ધ કરાવીશું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે