Russia-Ukraine War: યુક્રેનમાં UN ચીફની મુલાકાત સમયે જ રશિયાએ કિવ પર કર્યો બોમ્બમારો

War News: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ બંધ થવાનું નામ લેતું નથી. આ દરમિયાન સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ અને વ્લાદિમિર પુતિનની બેઠક બાદ રશિયાએ યુક્રેન પર બોમ્બમારો તેજ કર્યો છે.

Russia-Ukraine War: યુક્રેનમાં UN ચીફની મુલાકાત સમયે જ રશિયાએ કિવ પર કર્યો બોમ્બમારો

War News: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ બંધ થવાનું નામ લેતું નથી. આ દરમિયાન સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ અને વ્લાદિમિર પુતિનની બેઠક બાદ રશિયાએ યુક્રેન પર બોમ્બમારો તેજ કર્યો છે. જેનાથી ક્યાંકને ક્યાંક એવો સંકેત જાય છે કે રશિયા યુદ્ધનો અંત લાવવાના મૂડમાં નથી. ગુરુવારે એન્ટોનિયોના યુક્રેન પ્રવાસ દરમિયાન પણ રશિયાની સેનાએ બોમ્બ વરસાવ્યા. યુએન ચીફ અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર જેલેન્સ્કીની જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સના એક કલાક બાદ આ હુમલો કરાયો. 

ન્યૂઝ એજન્સી એપીના રિપોર્ટ મુજબ રશિયા દ્વારા યુએન મહાસચિવના પ્રવાસ દરમિયાન ગુરુવારે કિવ સહિત અનેક જગ્યાએ બોમ્બવર્ષા કરાઈ. કિવ પર થયેલા આ હુમલામાં ઓછામાં ઓછા એક વ્યક્તિનું મોત નિપજ્યું. જ્યારે અનેક લોકો ઘાયલ  થયા છે. બચાવકર્મીઓએ જણાવ્યું કે બે ઈમારતો ધ્વસ્ત થયા બાદ કેટલાક લોકો હજુ પણ કાટમાળ નીચે દટાયેલા છે. જો કે પ્રવક્તાના જણાવ્યાં મુજબ એન્ટોનિયો ગુટેરેસ અને તેમની ટીમ સુરક્ષિત છે. 

યુક્રેનના અનેક શહેરોમાં ધડાકાના અહેવાલો છે. પોલિન, ચેર્નિહિવ અને ફાસ્તિવમાં પણ બોમ્બવર્ષા થઈ. જ્યારે દક્ષિણ યુક્રેનમાં ઓડેસાના મેયરે કહ્યું કે એર ડિફેન્સ સિસ્ટમે રોકેટ હુમલા નિષ્ફળ કર્યા. રશિયાના આ હુમલા પર યુએન ચીફે આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે રહેણાંક વિસ્તારો પર રશિયાના મિસાઈલ હુમલાથી તેઓ સ્તબ્ધ છે. 

ગુટેરેસ કિવથી થોડે દૂર આવેલા નાના શહેરોમાં યુદ્ધથી થયેલા નુકસાનનો સર્વે કરી રહ્યા હતા ત્યારે આ  હુમલા થયા. આ બધા વચ્ચે તેમણે બુચા જેવા શહેરોમાં થયેલા નરસંહારની નિંદા પણ કરી. નોંધનીય છે કે બુચાથી રશિયાની સેના પાછળ હટ્યા બાદ ત્યાં સામૂહિક હત્યાના પુરાવા મળ્યા હતા. યુએન ચીફે કહ્યું કે યુદ્ધની કિંમત કોઈ પણ દેશના નાગરિકોએ ચૂકવવી પડતી હોય છે. તેમણે આશા વ્યક્ત કરી કે રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ જલદી ખતમ થઈ જશે. 

યુએન ચીફ યુક્રેન આવ્યા તે પહેલા રશિયા ગયા હતા અને ત્યાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન સાથે મુલાકાત કરી હતી. જો કે લાંબી બેઠક છતાં બંને કોઈ  પરિણામ પર પહોંચ્યા નહતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news