Mass Shooting in USA: ટેક્સાસની શાળામાં માસૂમ ભૂલકાઓ પર અંધાધૂંધ ફાયરિંગ, 19 વિદ્યાર્થી સહિત 23 લોકોના મોત

Mass Shooting: અમેરિકામાં ફરીથી અંધાધૂંધ ફાયરિંગનો મામલો સામે આવ્યો છે. ટેક્સાસની એક શાળામાં આડેધડ ફાયરિંગમાં 19 વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યા છે.

Mass Shooting in USA: ટેક્સાસની શાળામાં માસૂમ ભૂલકાઓ પર અંધાધૂંધ ફાયરિંગ, 19 વિદ્યાર્થી સહિત 23 લોકોના મોત

Mass Shooting: અમેરિકામાં ફરીથી અંધાધૂંધ ફાયરિંગનો મામલો સામે આવ્યો છે. ટેક્સાસની એક શાળામાં આડેધડ ફાયરિંગમાં 19 વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યા છે જ્યારે બે શિક્ષક સહિત અન્ય ત્રણ લોકોના પણ મોત થયા છે. જેમાં હુમલાખોરના દાદી અને  અંજામ આપનારો 18 વર્ષનો હુમલાખોર સામેલ છે.  ઘટનાએ સમગ્ર અમેરિકાને હચમચાવી નાખ્યું છે. આ ઘટનાની જાણકારી પ્રાંતના રાજ્યપાલે આપી. મૃતકોમાં જે 19 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે તેઓ બીજા, ત્રીજા અને ચોથા ધોરણના હતા. જેમની ઉંમર 7થી 10 વર્ષની વચ્ચે હોવાનું કહેવાય છે. 

રાજ્યપાલ ગ્રેગ એબોર્ટના જણાવ્યાં મુજબ આ માસ શૂટિંગની ઘટના ટેક્સાસના ઉવાલ્ડે શહેરમાં ઘટી. જેમાં 19 વિદ્યાર્થીઓ અને બે શિક્ષક સહિત અન્ય ચાર લોકો સાથે કુલ 23ના મોત થયા છે. મૃતકોમાં હુમલાખોરની દાદી પણ સામેલ છે. 18 વર્ષના હુમલાખોરે રોબ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને નિશાન બનાવી ફાયરિંગ કર્યું. આ ઘટના બપોરના સમયની હોવાનું કહવાય છે જેમાં અચાનક હુમલાખોર કેમ્પસમાં ઘૂસી ગયો હતો. પોલીસની જવાબી કાર્યવાહીમાં હુમલાખોરનું મોત થયું હોવાનું કહેવાય છે. રાજ્યપાલે જણાવ્યું કે હુમલાખોર પાસે હેન્ડગન અને કદાચ એક રાયફલ હતી. તેણે શાળાના બે અધિકારીઓને પણ ગોળી મારી જેઓ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. 

— ANI (@ANI) May 25, 2022

રાજ્યપાલે આ ઘટનાની સરખામણી 2012 સેન્ડી હુક પ્રાથમિક વિદ્યાલયમાં જે ફાયરિંગની ઘટના ઘટી હતી તેની સાથે કરી. પરંતુ ટેક્સાસની આ ઘટનાને તેમણે વધુ ઘાતક અને ચિંતાજનક ગણાવી છે. ચોંકવનારી વાત એ છે કે શૂટરે બીજા, ત્રીજા ચોથા ધોરણમાં ભણતા માસૂમ ભૂલકાઓને નિશાન બનાવ્યા. 2012ની ઘટનામાં પણ આવી જ રીતે 20 બાળકોને મોતને ઘાટ ઉતારી દેવાયા હતા. આ બાજુ  પોલીસ ચીફ Pete Arredondo કહ્યું કે Robb Elementary School માં ઘટેલી આ ઘટનામાં 600 બાળકો ભણે છે. 

મળતી માહિતી મુજબ જે હુમલાખોરે આ ઘટનાને અંજામ આપ્યો તે શાળાનો જ જૂનો વિદ્યાર્થી હોવાનું કહેવાય છે. ઘટના પહેલા તેણે ગાડી શાળાની બહાર મૂકી અને ત્યારબાદ બંને ગન લઈને શાળામાં ઘૂસ્યો અને અંધાધૂંધ ફાયરિંગ કર્યું. ફાયરિંગ થતા જ શાળામાં અફરાતફરી મચી ગઈ અને બાળકો જીવ  બચાવવા માટે આમ તેમ ભાગવા લાગ્યા. પોલીસ તરત ઘટના સ્થળે પહોંચી અને જવાબી કાર્યવાહી શરૂ કરી. જેમાં હુમલાખોર માર્યો ગયો. હુમલાખોરે એકલા હાથે આ ઘટનાને અંજામ આપ્યો જેમાં 19 વિદ્યાર્થીઓ માર્યા ગયા.ઘટના બાદ એફબીઆઈના એજન્ટ્સ પણ શાળાએ પહોંચ્યા અને હાલ તપાસ કરી રહ્યા છે. 

આ ઘટનાની રાષ્ટ્રપતિ જો બાઈડેનને પણ જાણકારી આપવામાં આવી છે. વ્હાઈટ હાઉસના પ્રેસ સચિવ Karine Jean-Pierreના જણાવ્યાં મુજબ જાપાનમાં આયોજિત ક્વાડ બેઠકમાં સામેલ થવા ટોક્યો ગયેલા રાષ્ટ્રપતિ જો બાઈડેનને એરફોર્સ વનમાં મુસાફરી દરમિયાન જ શાળાની આ માસ શૂટિંગની ઘટના અંગે જાણકારી આપવામાં આવી. તેઓ જાપાનથી પાછા ફરી રહ્યા છે. જ્યાં આ ઘટના ઘટી ત્યાં લગભગ 16000ની વસ્તી છે. મેક્સિકો બોર્ડરથી 75 કિમી જેટલું અંતર છે. ઘટના અંગે નિવેદન આપતા રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યું કે એક રાષ્ટ્ર તરીકે આપણું પૂછવું પડશે કે ભગવાનના નામે આપણે ક્યારે બંદૂકની લોબી વિરુદ્ધ ઊભા રહીશું અને આપણે શું કરવાની જરૂર છે? બાઈડેને કહ્યું કે આ સમય માતા-પિતા, દેશના દરેક નાગરિકના દર્દને એક્શનમાં ફેરવવાનો છે. આપણે આ દેશના દરેક ચૂંટાયેલા અધિકારીએ એ સ્પષ્ટ કરવાનું રહેશે કે આ કામ કરવાનો સમય છે. બાઈડેને કહ્યું કે આજે અનેક માતા પિતા પોતાના બાળકોને ફરીથી જોઈ શકશે નહીં. જાણે કોઈએ શરીરમાંથી આત્મા ખેંચી કાઢી  હોય બરાબર તેવું આ બાળકોને ગુમાવ્યાનું દર્દ છે. 

આ ઘટનાના પગલે રાષ્ટ્રપતિએ દેશમાં 4 દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે અમેરિકાની તમામ સરકારી ઈમારતો, નેવલ સ્ટેશન, મિલેટ્રી પોસ્ટ અને દૂતાવાસોમાં રાષ્ટ્ર ધ્વજ અડધી કાઠીએ ફરકશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news