જળવાયુ પરિવર્તનઃ અમેઝન પછી હવે આફ્રિકાના જંગલોમાં લાગી છે વિકરાળ આગ

ધરતીનું ફેફસું ગણાતા અમેઝનના જંગલોમાં છેલ્લા કેટલાય દિવસથી વિકરાળ આગ લાગેલી છે અને હજુ સુધી કાબુમાં આવી નથી. બ્રાઝિલે આગને કાબુમાં લેવા માટે ફ્રાન્સ દ્વારા કરવામાં આવેલી 20 મિલિયન ડોલરની મદદ પણ ફગાવી દીધી છે 
 

જળવાયુ પરિવર્તનઃ અમેઝન પછી હવે આફ્રિકાના જંગલોમાં લાગી છે વિકરાળ આગ

વોશિંગટનઃ નાસા દ્વારા ખેંચવામાં આવેલી સેટેલાઈટ તસવીરોમાં જાણવા મળ્યું છે કે, મધ્ય આફ્રિકામાં પણ અમેઝન જેવી જ વિકરાળ આગ લાગેલી છે. મધ્ય આફ્રિકાના ગેબોન દેશથી માંડીને અંગોલા સુધી આગની લપટો ઉછળતી જોવા મળી રહી છે. તાજેતરમાં જ જી-7 સમિટમાં ફ્રાન્સના પ્રમુખ ઈમાન્યુઅલ મેકરોને ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, મધ્ય આફ્રિકાના જંગલોમાં પણ વિકરાળ આગ લાગેલી છે અને અમે બ્રાઝીલની જેમ તેને પણ મદદ કરવાના પ્રસ્તાવ અંગે વિચારી રહ્યા છીએ. 

ઉલ્લેખનીય છે કે, ધરતીનું ફેફસું ગણાતા અમેઝનના જંગલોમાં છેલ્લા કેટલાય દિવસથી વિકરાળ આગ લાગેલી છે અને હજુ સુધી કાબુમાં આવી નથી. તાજેતરમાં જી-7 દેશોની બેઠકમાં બ્રાઝિલને 20 મિલિયન ડોલરની મદદનો નિર્ણય લેવાયો હતો, જેમાં ફાયર-ફાઈટિંગ એરક્રાફ્ટ ખરીદવાની બાબત હતો. જોકે, બ્રાઝિલે 20 મિલિયન ડોલરની આ મદદ પણ ફગાવી દીધી છે. 

મેકરોને મધ્યઆફ્રિકાના જંગલોમાં લાગેલી આગ અંગે ચિંતા કરી તે સારી બાબત છે. નિષ્ણાતોનું કહેવું છે કે, મધ્ય આફ્રિકાના વર્ષાવનોમાં જે આગ લાગી છે તે દર વર્ષે લાગતી આગ છે અને સ્થાનિક ખેતીની પદ્ધતિના કારણે આ આગ લાગતી હોય છે. એ બાબતે જરા પણ શંકા નથી કે આ વિસ્તાર પણ જળવાયુ માટે અત્યંત મહત્વનો છે. કારણ કે, કોંગો બેઝીનમાં આવેલા જંગલો પૃથ્વી પર અમેઝન પછી 'ધરતીનાં બીજા ફેફસાં' કહેવાય છે. 

મધ્ય આફ્રિકાના જંગલોનો વિસ્તાર 3.3 મિલિયન ચોરસ કિમીમાં ફેલાયેલો છે અને કેટલાય દેશો તેમાં આવે છે. આ જંગલનો ત્રીજો ભાગ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં આવેલો છે અને બાકીનો ભાગ ગેબોન, કોંગો, કેમરૂન અને મધ્ય આફ્રિકામાં આવેલો છે. 


 
અમેઝનની જેમ જ કોંગો બેઝિનનાં જગલો પણ પૃથ્વી પરનો ટનબદ્ધ કાર્બન ડાયોક્સાઈડ અવશોષિત કરે છે. આ ઉપરાંત, આ જંગલોમાં એના અનેક અભયારણ્ય પણ આવેલાં છે જેમાં નામશેષ થવાને આરે આવેલા પ્રાણીઓ વસે છે. જોકે, નિષ્ણાતો અનુસાર નાસા દ્વારા જે નકશો જાહેર કરાયો છે તેના અનુસાર આફ્રિકામાં જે આગ લાગી છે તે અત્યંત ગંભીર ગણાતા વર્ષાવનમાં નથી, પરંતુ તેના બહારના ભાગમાં લાગેલી છે. આફ્રિકાના જંગલોની આગને અમેઝનની આગ સાથે સરખાવી શકાય એમ નથી. 

કોંગો બેઝીનમાં ગ્રીનપીસ ફોરેસ્ટ કેમ્પેઈન ચલાવનારા ફિલિપ વેરબેલિને જણાવ્યું કે, "આપણે આગની સરખામણી કેવી રીતે કરીએ છીએ એ સવાલ નથી. આફ્રિકાના જંગલોમાં આગ લાગવી એ સામાન્ય બાબત છે. આ અહીંની એક પરંપરાગત પ્રથા છે. લોકો જંગલમાં સુકાઈ ગયેલા તણખલા અને લાકડાને કોલસો બનાવવા માટે સળગાવતા હોય છે." 

વેરબેલિને વધુમાં જણાવ્યું કે, આપણે જમીનનું ધોવાણ અટકાવવા અને સૃષ્ટિ બચાવવા માટે પણ આપણાં જંગલોને સાચવવા જરૂરી છે. ભવિષ્યની જળવાયુ પરિવર્તનની સમસ્યાને નાથવા માટે આજે પણ આપણી પાસે જે જંગલો બચેલાં છે તે બફર સ્ટોક જેવાં છે. 

કોંગોના ખેડૂતો ખેતી પછી જે કચરો રહ્યો હોય છે તેની સફાઈ માટે આગ લગાવતા હોય છે. કોંગોસમાં માત્ર 9 ટકા વસતી જ વિજળી પુરવઠો મળે છે. બાકીના લોકો બળતણ તરીકે અને પ્રકાશ માટે લાકડાનો ઉપયોગ કરે છે. 

ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોના રાષ્ટ્રપ્રમુખ ફેલિક્સ શિસ્કેદીએ જણાવ્યું કે, જો તેમનો દેશ હાઈડ્રો-ઈલેક્ટ્રીક ક્ષમતામાં વધારો નહીં કરે તો વર્ષાવનો સામે ખતરો પેદા થયેલો છે. ગેબોનમાં પણ માઈનિંગ અને તેલના કુવાના પ્રોજેક્ટ્સને કારણે વનનાબૂદીનો ખતરો તોળાઈ રહ્યો છે. જોકે, કેટલાક દેશોએ પર્યાવરણ નીતિઓ પર કડકાઈથી અમલ કરવાનો નિર્ણય લીધો છે. ઉદાહરણ તરીકે, ગેબોને જ 13 નવા નેશનલ પાર્કની જાહેરાત કરી છે, જે તેમનાં દેશની 11 ટકા જમીનમાં ફેલાયેલા છે. 

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news