ન્યૂઝીલેન્ડમાં આતંકી હુમલા બાદ ભારતીય મૂળના 9 લોકો ગૂમ, PM મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું
Trending Photos
નવી દિલ્હી: ન્યૂઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચ શહેરમાં ફાયરિંગના ઘટનાએ હાહાકાર મચાવી દીધો છે. શુક્રવારે હેગલી પાર્ક વિસ્તારની અલ નૂર મસ્જિદ સહિત બે મસ્જિદોમાં હુમલાખોરે ફાયરિંગ કર્યું. ન્યૂઝીલેન્ડ પોલીસ કમિશનર માઈક બુશે આ હુમલામાં અત્યાર સુધી 49 લોકોના મોત થયા હોવાની પુષ્ટિ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ન્યૂઝીલેન્ડના પોતાના સમકક્ષને પત્ર લખીને ક્રાઈસ્ટચર્ચમાં ઈબાદતના સ્થાન પર ફાયરિંગમાં નિર્દોષ લોકોના મોત પર ઊંડી સંવેદનાઓ તથા દુ:ખ વ્યક્ત કર્યું છે. વડાપ્રધાને ભારપૂર્વક કહ્યું કે વિવિધતાપૂર્ણ તથા લોકતાંત્રિક સમાજમાં હિંસા માટે કોઈ સ્થાન નથી. પીએમ મોદીએ આ કપરી સ્થિતિમાં ન્યૂઝીલેન્ડના મિત્રવત લોકો પ્રત્યે પૂરી એકજૂથતા વ્યક્ત કરી. ભાર દઈને કહ્યું કે આતંકવાદના દરેક સ્વરૂપ અને આવા કાર્યોને સમર્થન આપનારા લોકોની આકરી ટીકા કરે છે.
શુક્રવારે મોડી રાતે વિદેશ મંત્રી સુષમા સ્વરાજે પણ ટ્વિટ કરીને કહ્યું કે અમે ક્રાઈસ્ટ ચર્ચમાં ધર્મસ્થળ પર થયેલા કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલાની કડક ટીકા કરીએ છીએ. અમારી સંવેદનાઓ પ્રિયજનોને ખોનારા લોકો સાથે છે. અમારી સંવેદનાઓ અને પ્રાર્થનાઓ પીડિત પરિવારોની સાથે છે. સાથે તેમણે લખ્યું કે કોઈ પણ ભારતીયને જો જરૂર પડે તો તે ન્યૂઝીલેન્ડમાં ભારતીય દૂતાવાસ પર 021803899 અને 021850033 પર સંપર્ક કરી શકે છે.
ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન જેસિન્ડા અર્ડને આ હુમલાને હિંસાની એક અસાધારણ અને અભૂતપૂર્વ ઘટના ગણાવતા સ્વીકાર કર્યું કે તેમાં પ્રભાવિત લોકો કાં તો પ્રવાસી છે અથવા તો શરણાર્થી છે. મૃતકોની સંખ્યા ગણાવતા તેમણે કહ્યું કે 20થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તેમણે કહ્યું કે સ્પષ્ટ છે કે તેને ફક્ત આતંકવાદી હુમલો ગણાવી શકાય છે. અમે જેટલું જાણીએ, એવું લાગે છે આ એક પૂર્વ આયોજિત હતો.
પોલીસે ફાયરિંગ બાદ 3 પુરુષો અને એક મહિલાની ધરપકડ કરી છે. જેમાંથી એક વ્યક્તિ પર બાદમાં હત્યાનો આરોપ લગાવવામાં આવ્યો. આ ઘટનાથી દેશની 50 લાખની વસ્તીમાં શોકની લહેર છે. વડાપ્રધાને કહ્યું કે આ ઘટનામાં વધુ હુમલાખોર સામેલ હોઈ શકે છે.
28 વર્ષનો છે હુમલાખોર
જેણે ફાયરિંગની જવાબદારી લીધી છે તેણે શરણાર્થી વિરોધી 74 પાનાનો એક દસ્તાવેજ છોડ્યો છે. જેમાં તેણે વ્યાખ્યા કરતા કહ્યું છે કે તે કોણ છે અને આ હુમલો કરવા પાછળ કારણ શું હતું. તેણે કહ્યું છે કે તે એક 28 વર્ષનો શ્વેત ઓસ્ટ્રેલિયન છે અને નસ્લવાદી છે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસને પુષ્ટિ કરી છે કે ધરપકડ કરાયેલા ચાર લોકોમાંથી એક ઓસ્ટ્રેલિયામાં જન્મેલો નાગરિક છે. પોલીસ કમિશનર માઈક બુશે શુક્રવારે રાતે કહ્યું કે એક વ્યક્તિ પર હત્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તેમણે અન્ય ચાર શંકાસ્પદો અંગે જણાવ્યું નહીં અને કહ્યું પણ નહીં કે શું બને જગ્યા પર થયેલા હુમલા માટે આ જ જવાબદાર હતો.
લાઈવ વીડિયો બનાવ્યો
બુશે જણાવ્યું કે પોલીસે કારમાં બે દેસી વિસ્ફોટકોની જાણ મેળવી. હુમલાખોરે આખા હુમલાનો એક લાઈવ વીડિયો પણ બનાવ્યો હતો. જેને તેણે ફેસબુક પર નાખ્યો. જો કે ફેસબુકે તે વીડિયો હટાવવાની વાત કરી છે. બંદૂકધારી મસ્જિદમાં લગભગ બે મિનિટ સુધી રહ્યો અને ત્યાં હાજર નમાજીઓ પર વારંવાર ગોળી પણ છોડી. તેણે દમ તોડી ચૂકેલા નમાજીઓ ઉપર પણ ગોળીઓ છોડી.
તે રસ્તે જઈ રહ્યો હતો ત્યારે પગપાળા ચાલતા લોકો ઉપર પણ ગોળીઓ છોડી. પાછો તે મસ્જિદમાં આવી ગયો અને લગભગ બે ડઝન જેટલા લોકો જમીન પર પડ્યા હતાં. ત્યાંથી પાછો આવ્યો અને એક મહિલાને ગોળી મારી દીધી અને પાછો પોતાની કારમાં બેસી ગયો હતો. તેની કારમાં ઈંગ્લિશ રોક બેન્ડ ધ ક્રેઝી વર્લ્ડ ઓફ આર્થર બ્રાઉન નું ફાયર ગીત વાગી રહ્યું હતું.
હૈદરાબાદનો એક વ્યક્તિ ઘાયલ
ન્યૂઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચામાં થયેલા આતંકી હુમલામાં ભારતીય મૂળનો એક વ્યક્તિ ઘાયલ થયો છે. અત્રે જણાવવાનું કે આ હુમલામાં 49 નમાજીઓના મોત થયા છે. આ ઘટના પશ્ચિમ દેશમાં મુસ્લિમો વિરુદ્ધ અત્યાર સુધીના સૌથી ભીષણ હુમલા તરીકે સામે આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે