નવા વર્ષમાં ટાટાથી લઈને મારુતિ સુધી અનેક કંપનીઓ કરશે પોતાની કાર મોંઘી, જાણો કેટલી વધશે કિંમતો
વધતા ઈનપુટ કોસ્ટને કારણે ઘણી કાર કંપનીઓ નવા વર્ષમાં વાહનોની કિંમતો વધારવાની તૈયારી કરી રહી છે. ટાટા મોટર્સ જાન્યુઆરી 2024માં પેસેન્જર વાહનો અને ઇલેક્ટ્રિક વાહનોની કિંમતો વધારવા પર વિચાર કરી રહી છે. ઓડીએ અગાઉ કહ્યું હતું કે તે આવતા વર્ષે જાન્યુઆરીથી ભારતમાં તેના વાહનોની કિંમતમાં 2% વધારો કરશે.
Trending Photos
નવી દિલ્હીઃ જો તમે પણ નવા વર્ષ એટલે કે 2024માં કાર ખરીદવાનું વિચારી રહ્યાં છો તો તમારે વધારે ખર્ચ કરવો પડી શકે છે. નવા વર્ષમાં ઘણી કાર કંપનીઓ દ્વારા કિંમતોમાં વધારો કરવાની આશા છે. મુખ્ય વાહન નિર્માતા કંપનીઓ જેમ કે મારૂતિ સુઝુકી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ઓડી ઈન્ડિયા, હ્યુન્ડાઈ કાર્સ ઈન્ડિયા અને એમજી મોટર્સ 2024માં પોતાની ફોર વ્હીલરની કિંમતોમાં વધારો કરવાની તૈયારી કરી રહી છે. આવો જાણીએ કંપનીઓ પોતાની કારની કિંમતમાં કેટલો વધારો કરી શકે છે.
ટાટા મોટર્સ
ટાટા મોટર્સ પણ જાન્યુઆરી 2024માં યાત્રી વાહનો અને ઈલેક્ટ્રિક વાહનોની કિંમતો વધારવા પર વિચાર કરી રહ્યું છે. મુખ્ય વાહન નિર્માતા વર્ષ 2024માં કિંમતોમાં કેટલો વધારો કરશે તેનો ખુલાસો થયો નથી. કંપનીના એક પ્રવક્તાએ નવેમ્બરમાં કહ્યું હતું કે- અમે જાન્યુઆરી 2024માં અમારી યાત્રી અને ઈલેક્ટ્રિક વાહનોની કિંમતમાં વધારા પર વિચાર કરી રહ્યાં છીએ. આ ભાવ વધારાની વિગત આગામી સમયમાં જાહેર થઈ શકે છે.
મારૂતિ સુઝુકી
મારુતી સુઝુકી ઈન્ડિયાએ પોતાની ગાડીઓમાં છેલ્લે એપ્રિલમાં 0.8% નો વધારો કર્યો હતો. પાછલા નાણાકીય વર્ષમાં કંપનીએ ગાડીઓની કિંમતમાં કુલ 2.4 ટકાનો વધારો કર્યો હતો. મારૂતિ સુઝુકીના સીનિયર એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શશાંક શ્રીવાસ્તવે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે- છેલ્લા 3-4 મહિનામાં સ્ટીલની કિંમતોમાં થોડી તેજી આવી છે, જે અમારી કુલ કોમોડિટી ખરીદના લગભગ 38% છે. અમે અમારા ખર્ચ પર કોમોડિટીની વધઘટની અસરની અપેક્ષા રાખીએ છીએ. અમે સૌપ્રથમ આંતરિક રીતે ખર્ચમાં ઘટાડો કરવાનો પ્રયાસ કરીએ છીએ અને પછી છેલ્લા ઉપાય તરીકે કિંમતોમાં વધારો કરીએ છીએ.
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા પણ વર્ષ 2024માં પોતાની કારોની કિંમતમાં વધારો કરવાની યોજના બનાવી રહ્યું છે. પરંતુ કિંમતમાં વધારા માટે ચોક્કસ જાણકારી સામે આવી નથી. કંપનનીનું કહેવું છે કે મોંઘવારીને કારણે ખર્ચમાં વધારો થયો છે.
ઓડી ઈન્ડિયા
જર્મન લક્ઝરી કાર નિર્માતા ઓડીએ અગાઉ કહ્યું હતું કે તે ભારતમાં તેના વાહનોના ભાવમાં ઈનપુટ અને ઓપરેટિંગ ખર્ચમાં વધારો થવાને કારણે આવતા વર્ષે જાન્યુઆરીથી 2%નો વધારો કરશે. ઓડી ઈન્ડિયાએ કહ્યું હતું કે કિંમતમાં વધારો 1 જાન્યુઆરી, 2024થી લાગુ થશે અને તે સમગ્ર મોડલ રેન્જમાં હશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે