WTC Final: આ પાંચ કારણોને લીધે ભારત હારી ગયું વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ

AUS vs IND: ઓસ્ટ્રેલિયાએ લંડનના ધ ઓવલમાં ભારતીય ટીમને હરાવીને ઈતિહાસ રચી દીધો છે. ભારતીય ટીમે સતત બીજીવાર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો છે. તમે પણ જાણો ભારતની હારના પાંચ કારણો. 

WTC Final: આ પાંચ કારણોને લીધે ભારત હારી ગયું વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ

લંડનઃ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનું ટાઈટલ જીતવાનું ભારતીય ટીમનું સપનું ફરી એકવાર રોળાઈ ગયું છે. 2021માં ભારતનો ન્યૂઝીલેન્ડ સામે પરાજય થયો હતો હવે ઓસ્ટ્રેલિયા સામે પણ ભારતીય ટીમ ફાઈનલમાં પહોંચીને હારી ગઈ છે. આઈસીસીની મહત્વની નોકઆઉટ મેચમાં ભારતીય ટીમ ચોકર્સ સાબિત થઈ રહી છે. જ્યારે ટીમને જરૂર હોય તેવા સમયે સ્ટાર બેટરો ફ્લોપ થાય છે અને ટીમ હારી જાય છે. ઓસ્ટ્રેલિયા સામે આ પાંચ કારણોને લીધે ભારતે હારનો સામનો કરવો પડ્યો છે. 

ટોસ જીતીને બોલિંગનો નિર્ણય
ભારતીય ટીમે પ્રથમ દિવસે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ દિવસે ટોસના સમયે ઓવરકાસ્ટ કંડીશન હતી અને તેને જોતા રોહિતે બોલિંગનો નિર્ણય લીધો હતો. પરંતુ ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દિવસે શાનદાર બેટિંગ કરીને 327 રન ફટકારી દીધા હતા. ભારતને આ નિર્ણય ભારે પડ્યો હતો. અનેક પૂર્વ ક્રિકેટરો અને ક્રિકેટ ફેન્સ પણ કહી ચુક્યા છે કે ભારતે ફાઈનલ મેચમાં પ્રથમ બેટિંગ કરવાની જરૂર હતી. 

આર અશ્વિનને બહાર કરવો
ભારતીય ટીમે પ્રથમ દિવસની કંડીશન જોતા ચાર ફાસ્ટ બોલર સાથે ઉતરવાનો નિર્ણય કર્યો હતો. ભારતે વિશ્વના નંબર-1 બોલર અશ્વિનને બહાર બેસાડી દીધો હતો. જ્યારે અશ્વિનનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયા સામે ખુબ શાનદાર છે. અશ્વિન ડાબોડી બેટર સામે ખુબ વિકેટ ઝડપે છે અને ઓસ્ટ્રેલિયન ટીમમાં 5 લેફ્ટી બેટર હતા, પરંતુ રોહિત શર્માએ અશ્વિનને બહાર બેસાડવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણયની અનેક લોકોએ પણ ટીકા કરી છે. 

પ્રથમ દિવસે બોલરોનું ખરાબ પ્રદર્શન
ભારતીય ટીમના બોલરોએ પ્રથમ દિવસે પ્રથમ સેશનમાં ઓવરકાસ્ટ કંડીશનનો વધુ ફાયદો ઉઠાવ્યો નહીં. ભારતીય બોલરોએ એક સમયે ઓસ્ટ્રેલિયાની 76 રનમાં ત્રણ વિકેટ ઝડપી લીધી હતી, પરંતુ ત્યારબાદ ટ્રેવિસ હેડ અને સ્ટીવ સ્મિતે ભારતીય બોલરો સામે જોરદાર બેટિંગ કરી હતી. બંનેએ પ્રથમ ઈનિંગમાં 280 રનથી વધુની ભાગીદારી પણ કરી હતી. 

બેટરો થયા ફ્લોપ
ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ઈનિંગમાં 469 રન ફટકાર્યા હતા. ત્યારબાદ ભારતના ટોપ ઓર્ડરે સારી બેટિંગ કરવાની જરૂર હતી. પરંતુ કેપ્ટન રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી સહિતના તમામ બેટર ફ્લોપ રહ્યાં હતા. પ્રથમ ઈનિંગમાં ઓસ્ટ્રેલિયાને 173 રનની મોટી લીડ મળી હતી. ભારત તરફથી માત્ર રહાણે, જાડેજા અને શાર્દુલ ઠાકુર સારી બેટિંગ કરી શક્યા હતા. 

આઈપીએલ બાદ સીધા પહોંચ્યા ખેલાડી
ભારતીય ટીમના મોટા ભાગના ખેલાડીઓ બે મહિના સુધી આઈપીએલ રમી રહ્યાં હતા. આઈપીએલ બાદ ભારતીય ટીમના ખેલાડીઓ લંડન પહોંચ્યા હતા અને પ્રેક્ટિસ શરૂ કરી હતી. જ્યારે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ છેલ્લા બે મહિનાથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલની તૈયારી કરી રહ્યાં હતા. સતત ટી20 મેચ રમીને સીધી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ જેવી ફાઈનલ રમવા પહોંચેલા ભારતીય ખેલાડીઓને ભારે પડ્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news