SA vs AUS: ડિ કોકની સદી બાદ બોલરોનો તરખાટ, આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને 134 રને હરાવી મેળવી સતત બીજી જીત

World Cup 2023: ડિ કોકની સદી બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી આફ્રિકાએ સતત બીજી મેચમાં ધમાકેદાર જીત મેળવી છે. જ્યારે પાંચ વખતની ચેમ્પિયન ટીમ ઓસ્ટ્રેલિયાનો સતત બીજો પરાજય છે. 

SA vs AUS: ડિ કોકની સદી બાદ બોલરોનો તરખાટ, આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને 134 રને હરાવી મેળવી સતત બીજી જીત

લખનઉઃ સાઉથ આફ્રિકાએ આઈસીસી વિશ્વકપ-2023માં શાનદાર પ્રદર્શન કરતા ઓસ્ટ્રેલિયાને 134 રને હરાવી શાનદાર જીત મેળવી છે. આફ્રિકાએ સતત બીજી મેચમાં 100 રનથી વધુના અંતરે જીત મેળવી છે. આફ્રિકાએ ડિ કોકની સદીની મદદથી પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 7 વિકેટે 311 રન ફટકાર્યા હતા. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 40.5 ઓવરમાં 177 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ છે. આ જીત સાથે આફ્રિકાની ટીમ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. જ્યારે કાંગારૂ ટીમે સતત બીજી મેચમાં હારનો સામનો કર્યો છે. 

ઓસ્ટ્રેલિયાનો ટોપ ઓર્ડરનો ધબડકો
આફ્રિકાએ આપેલા મોટા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ઓસ્ટ્રેલિયાએ 50 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. ટીમને પ્રથમ ઝટકો મિચેલ માર્શના રૂપમાં લાગ્યો હતો. માર્કો યાન્સેને માર્શ (7) ને આઉટ કરી આફ્રિકાને પ્રથમ સફળતા અપાવી હતી. ત્યારબાદ ડેવિડ વોર્નર (13) એન્ગિડીનો શિકાર બન્યો હતો. સ્ટીવ સ્મિથ 19 રન બનાવી રબાડાની ઓવરમાં LBW આઉટ થયો હતો. 

પાવરપ્લે બાદ પણ ઓસ્ટ્રેલિયન બેટરોનો વિકેટ પડવાનો સિલસિલો જારી રહ્યો હતો. જોશ ઈંગ્લિશ 5 રન બનાવી રબાડાની ઓવરમાં બોલ્ડ થયો હતો. ગ્લેન મેક્સવેલ પણ 3 રન બનાવી મહારાજની ઓવરમાં આઉટ થયો હતો. સ્ટોયનિસે 5 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાએ 70 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ લાબુશેન અને સ્ટાર્ક વચ્ચે 69 રનની ભાગીદારી થઈ હતી. લાબુશેન 74 બોલમાં 46 રન બનાવી આઉટ થયો હતો. જ્યારે સ્ટાર્ક 27 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. 

કેપ્ટન પેટ કમિન્સે 21 બોલમાં 4 ચોગ્ગા સાથે 22 રન ફટકાર્યા હતા. કમિન્સ અને જોશ હેઝલવુડ (2) શમ્સીના શિકાર બન્યા હતા. આફ્રિકા તરફથી કગિસો રબાડાએ 3,શમ્સી, કેશવ મહારાજ અને માર્કો યાન્સેને બે-બે વિકેટ ઝડપી હતી. એક સફળતા લુંગી એન્ગિડીને મળી હતી. 

બહુમા અને ડિ કોક વચ્ચે સદીની ભાગીદારી
લખનઉની નવી પિચ પર ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી સાઉથ આફ્રિકાની શરૂઆત ધીમી પરંતુ મક્કમ રહી હતી. ડિ કોક અને કેપ્ટન ટેમ્બા બાવુમાએ પ્રથમ 10 ઓવરમાં 53 રન બનાવ્યા હતા. ડિ કોકે શરૂઆતી ઓવરમાં કેટલાક શાનદાર શોટ્સ ફટકાર્યા હતા, જ્યારે બવુમાએ ધીમી બેટિંગ કરી હતી. પાવરપ્લે બાદ ડિ કોકે પોતાની અડધી સદી પણ પૂરી કરી હતી. આફ્રિકાને પ્રથમ ઝટકો 108 રનના સ્કોર પર લાગ્યો હતો. બવુમા 55 બોલમાં 35 રન બનાવી આઉટ થયો હતો. 

ડિ કોકની સતત બીજી સદી
ઓસ્ટ્રેલિયાના ફીલ્ડરોએ કેટલાક કેચ પણ ડ્રોપ કર્યાં હતા. જેનો ફાયદો ડિ કોકે ઉઠાવ્યો હતો. ડિ કોકે વિશ્વકપમાં સતત બીજી સદી ફટકારી હતી. ડિ કોક 106 બોલમાં 8 ચોગ્ગા અને 5 સિક્સ સાથે 109 રન ફટકાર્યા હતા. ડિ કોકે શ્રીલંકા સામે પ્રથમ મેચમાં 100 રન ફટકાર્યા હતા. આ વિશ્વકપમાં તેની બીજી સદી હતી.

વાન ડેર ડુસેન 26 રન બનાવી ઝમ્પાનો શિકાર બન્યો હતો. એડન માર્કરમે આક્રમક બેટિંગ કરતા અડધી સદી ફટકારી હતી. માર્કરમ 44 બોલમાં 7 ચોગ્ગા અને એક સિક્સ સાથે 56 રન બનાવી આઉટ થયો હતો. હેનરિક ક્લાસેન 29 અને મિલર 17 રન બનાવી આઉટ થયા હતા. માર્કો યાન્સેને 22 બોલમાં 26 રન બનાવી આફ્રિકાનો સ્કોર 100ને પાર પહોંચાડ્યો હતો. 

ઓસ્ટ્રેલિયા તરફથી ગ્લેન મેક્સવેલે 10 ઓવરમાં 34 રન આપી બે વિકેટ મેળવી હતી. સ્ટાર્કે 9 ઓવરમાં 53 રન આપી બે વિકેટ લીધી હતી. આ સિવાય કમિન્સ, ઝમ્પા અને હેઝલવુડને 1-1 સફળતા મળી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news