World Cup 2019 Final: કોણ બનશે વિશ્વ વિજેતા, આ છે પૂર્વ ક્રિકેટરોનો મત

આઈસીસી વિશ્વકપ-2019ની ફાઇનલ મેચ માટે ઐતિહાસિક લોર્ડ્સનું ગ્રાઉન્ડ તૈયાર છે. ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ પ્રથમ વખત ટાઇટલ જીતવાના ઈરાદાથી મેદાનમાં ઉતરશે. 

World Cup 2019 Final: કોણ બનશે વિશ્વ વિજેતા, આ છે પૂર્વ ક્રિકેટરોનો મત

નવી દિલ્હીઃ વિશ્વ કપ-2019ની ફાઇનલ મેચમાં ઈંગ્લેન્ડનો મુકાબલો ન્યૂઝીલેન્ડ સામે થવાનો છે. બંન્ને ટીમ પાસે આ દરમિયાન ઈતિહાસ રચવાની તક છે. કારણ કે બંન્ને ટીમ અત્યાર સુધી ટાઇટલ જીતી શકી નથી. લોર્ડ્સ ક્રિકેટ સ્ટેડિયમ આ ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બનશે. ઉલ્લેખનીય છે કે ઈંગ્લેન્ડની ટીમ પોતાના હોમ ગ્રાઉન્ડ પર રમી રહી છે. છેલ્લા બે વિશ્વકપમાં યજમાન ટીમ ચેમ્પિયન પણ બની છે. આ કારણે ઈંગ્લેન્ડને ટાઇટલનું પ્રબળ દાવેદાર ગણવામાં આવી રહ્યું છે. ક્રિકેટ પંડિત પણ કંઇક આવી વાત કરી રહ્યાં છે. 

રિકી પોન્ટિંગે કહ્યું કે, ઈંગ્લેન્ડ મજબૂત
ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગનું માનવું છે કે, યજમાન ઈંગ્લેન્ડની ટીમ ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ પર ભારે પડશે. તેણે કહ્યું, 'મને લાગે છે કે ઈંગ્લેન્ડ વિશ્વ કપ જીતી જશે, મેં ટૂર્નામેન્ટ શરૂ થયા પહેલા કહ્યું હતુ કે, તેને હરાવવું મુશ્કેલ બનશે. મારી નજરમાં તે ફેવરિટ હતી. હજુ પણ કંઇ ફેરફાર થયો નથી. ન્યૂઝીલેન્ડે ફાઇનલમાં પહોંચવા માટે સારૂ પ્રદર્શન કર્યું છે. સતત બે વિશ્વ કપ ફાઇનલમાં પહોંચવું મોટી સિદ્ધિ છે. તેણે છેલ્લી વિશ્વ કપ ફાઇનલમાંથી શીખ લેવી પડશે, જ્યારે ઈંગ્લેન્ડનો કોઈપણ ખેલાડી પહેલા ફાઇનલ રમ્યો નથી. ત્યારબાદ પણ મને લાગે છે કે, તેનો પક્ષ મજબૂત છે.'

શોએબ અખ્તરે કહ્યું, હું ન્યૂઝીલેન્ડનું સમર્થન કરુ છું, પરંતુ..
શોએબ અખ્તરે પોતાની યૂટ્યૂબ ચેનલ પર પોસ્ટ કરેલા વીડિયોમાં કહ્યું, 'ઈંગ્લેન્ડે ટોસ જીત્યો તો તે પ્રથમ બેટિંગ કરશે અને કીવી ટીમને મોટો લક્ષ્ય આપશે. માર્ટિન ગુપ્ટિલ અને હેનરી નિકોલ્સ માટે કીવી ટીમને મજબૂત શરૂઆત અપાવવી મહત્વપૂર્ણ છે. હું ન્યૂઝીલેન્ડનું સમર્થન કરુ છું, પરંતુ ઈંગ્લેન્ડ ફાઇનલમાં ફેવરિટ તરીકે ઉતરશે. મોટી મોચમાં દબાવ મહત્વની ભૂમિકા ભજવે છે. ઈંગ્લેન્ડ એક મોટી ટીમ છે. મને લાગે છે કે તે લોર્ડ્સમાં પોતાનો પ્રથમ 50 ઓવરનો વિશ્વકપ જીતીને ઈતિહાસ રચશે.'

સ્ટીવ વોએ કહ્યું, ઈંગ્લેન્ડમાં કોઈ કમી નથી
ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ વો અનુસાર ઇયોન મોર્ગનની આગેવાની વાળી ઈંગ્લેન્ડની ટીમ આ સમયે વનડેની સર્વશ્રેષ્ઠ ટીમ છે. તેણે કહ્યું કે, આ ટીમમાં કોઈ કમી નથી. પોતાની આગેવાનીમાં ઓસ્ટ્રેલિયાને ચેમ્પિયન બનાવનાર વોએ કહ્યું, આ ઈંગ્લેન્ડની ટીમ નિડર ક્રિકેટ રમે છે અને પ્રોફેશનલ રમતમાં આમ કરવું મુશ્કેલ છે. તે બોલિંગ, બેટિંગ અને ફીલ્ડિંગ ત્રણેય વિભાગમાં સારૂ કરી રહી છે. આ અત્યાર સુધીની સર્વશ્રેષ્ઠ વનડે ટીમ છે, જે મેં જોઈ છે. પરંતુ સ્ટીવ વોએ કહ્યું કે, ફાઇનલના દિવસે જે ટીમ દબાવનો સામનો કરીને સારૂ રમશે, તે ટાઇટલ જીતવામાં સફળ રહેશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news