World Cup 2019: સ્ટીવ સ્મિથની સદી, ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને 12 રને હરાવ્યું
ઓસ્ટ્રેલિયાએ પ્રેક્ટિસ મેચમાં ઈંગ્લેન્ડને 12 રનથી પરાજય આપ્યો છે. સ્ટીવ સ્મિથે 116 અને ડેવિડ વોર્નરે 43 રન બનાવ્યા હતા.
Trending Photos
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાએ આઈસીસી વિશ્વ કપ (World Cup 2019) પહેલા યજમાન ઈંગ્લેન્ડને હરાવીને પોતાનો દાવો મજબૂત કર્યો છે. ઓસ્ટ્રેલિયાએ દેખાડ્યું કે સ્ટીવન સ્મિથ અને ડેવિડ વોર્નર પરત ફરતા તે ક્યા પ્રકારે મજબૂત થઈ ગઈ છે. સ્ટીવન સ્મિથે સદી ફટકારીને પોતાનો ફોર્મનો પરિચય આપી દીધો છે. તેના પ્રદર્શનની મદદથી ઓસ્ટ્રેલિયાએ પ્રેક્ટિસ મેચમાં ઈંગ્લેન્ડને 12 રનથી પરાજય આપ્યો હતો. સ્ટીવ સ્મિથે આ મેચમાં 102 બોલ પર 116 રનની ઈનિંગ રમી હતી.
ઈંગ્લેન્ડને આગામી વિશ્વ કપ જીતવા માટે સૌથી મજબૂત દાવેદાર માનવામાં આવી રહ્યું છે. ત્યારબાદ ભારત અને ઓસ્ટ્રેલિયાને ટાઇટલ માટે દાવેદાર જણાવવામાં આવી રહ્યાં છે. શનિવારે આ ત્રણેય ટીમો વોર્મઅપ મેચમાં ઉતરી. તેમાંથી બે ટીમો ઈંગ્લેન્ડ અને ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ ઓસ્ટ્રેલિયાએ જીત મેળવી હતી. ઓસ્ટ્રેલિયાની જીત પહેલા ન્યૂઝીલેન્ડે ભારતને હરાવ્યું હતું.
ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે સાઉથમ્પટનમમાં મેચ રમાઇ હતી. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરી હતી. તેણે સ્મિથની સદીની મદદથી 9 વિકેટ પર 297 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી ડેવિડ વોર્નરે 43 રન બનાવ્યા હતા. ઉસ્માન ખ્વાજાએ 31 અને શોન માર્શ તથા એલેક્સ કેરીએ 30-30 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી લિયામ પ્લંકેટે સૌથી વધુ ચાર વિકેટ ઝડપી હતી.
ઈંગ્લેન્ડની ટીમ 298 રનના લક્ષ્યનો પીછો કરતા 49.3 ઓવરમાં 285 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. તેના તરફથી જેમ્સ વિન્સ (64) અને જોસ બટલર (52)એ અડધી સદી ફટકારી હતી. ક્રિસ વોક્સે 40 અને જેસન રોયે 32 રનનું યોગદાન આપ્યું હતું. મોઇન અલી 22 અને બેન સ્ટોક્સ્ 20 રન બનાવીને આઉટ થયા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી કેન રિચર્ડસન અને બેહરેનડોર્ફે બે-બે વિકેટ ઝડપી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે