World Cup 2011: ધોનીની આગેવાનીમાં પૂરુ થયું હતું સચિનનું સપનું, ભારતે 28 વર્ષ બાદ જીત્યો હતો વિશ્વકપ

World Cup 2011: 2 એપ્રિલ 2011ની તારીખ હંમેશા ભારતના કરોડો ક્રિકેટ ચાહકો ક્યારેય ભૂલી શકશે નહીં. આ દિવસે ભારતીય ટીમે 28 વર્ષ બાદ આઈસીસી વિશ્વકપ કબજે કર્યો હતો. આ સાથે ભારતના મહાન ખેલાડી સચિન તેંડુલકરનું એક સપનું પણ પૂરુ થયું હતું. 
 

World Cup 2011: ધોનીની આગેવાનીમાં પૂરુ થયું હતું સચિનનું સપનું, ભારતે 28 વર્ષ બાદ જીત્યો હતો વિશ્વકપ

નવી દિલ્હીઃ 10 વર્ષનો સમય યાદોના સંગ્રહમાં વધુ જૂનો હોતો નથી. સામાન્ય વાત છે કે આટલા વર્ષ પહેલાની યાદો દરેકના મગજમાં આજે પણ તાજી હશે. વર્ષ 2011નો વિશ્વ કપ ભારત સહિત બાંગ્લાદેશ અને શ્રીલંકામાં રમાયો હતો. ભારતના કેપ્ટન ધોનીએ આ મેગા ટૂર્નામેન્ટ શરૂ થતાં પહેલા કહ્યું હતું કે, તે આ વિશ્વ કપ સચિન માટે જીતવા ઈચ્છે છે. સચિન રેકોર્ડ છઠ્ઠીવાર વિશ્વકપ રમવા જઈ રહ્યો હતો. સચિન પોતાના કરિયરમાં ક્યારેય વિશ્વ વિજેતા બની શક્યો નહોતો. સચિને બેટિંગમાં લગભગ તમામ રેકોર્ટ પોતાના નામે કરી લીધા હતા, પરંતુ વિશ્વકપ જીતી શકવાનું સપનું તેના અને તેના ફેન્સના દિલમાં યથાવત હતું. 

ધોનીની સેનાએ આ વિશ્વકપમાં એક બાદ એક વિઘ્નો પાર પાડ્યા અને ટીમે વિશ્વકપ ફાઇનલમાં જગ્યા બનાવી હતી. 2 એપ્રિલે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાનો સામનો શ્રીલંકા સામે થવાનો હતો. વિપક્ષી ટીમના કેપ્ટન કુમાર સાંગાકારાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો અને નિર્ધારિત 50 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 274 રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી માહેલા જયવર્ધનેએ 13 ચોગ્ગાની મદદથી 88 બોલમાં 103 રનની ઈનિંગ રમી હતી. તો કેપ્ટન સાંગાકારાએ 48 રન બનાવ્યા હતા. ભારત તરફથી ઝહીર ખાન અને યુવરાજ સિંહે બે-બે વિકેટ ઝડપી હતી. ભજ્જીને એક સફળતા મળી હતી. 275 રનનો લક્ષ્ય કોઈ વિશ્વકપ ફાઇનલ પ્રમાણે ખુબ મોટો હતો. 

જવાબમાં ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી અને પ્રથમ ઓવરમાં વીરૂ આઉટ થયો હતો. 7મી ઓવરમાં સચિન પણ આઉટ થઈ ગયો હતો. મલિંગાએ બંન્નેને આઉટ કર્યાં હતા. પછી ભારત માટે સંકટમોચક બન્યો ગંભીર, જેનો સાથ નિભાવવા માટે ક્રિઝ પર હતો વિરાટ કોહલી. બંન્નેએ ટીમનો સ્કોર 100ને પાર પહોંચાડ્યો હતો. ત્યારબાદ કોહલી 35 રન બનાવી આઉટ થયો હતો. કોહલી આઉટ થયા બાદ બધાને ચોંકાવતા ધોની પાંચમાં ક્રમે બેટિંગ કરવા માટે પહોંચી ગયો હતો. 

ગંભીર અને ધોનીના ખભા પર દેશની જવાબદારી હતી જેને બંન્નેએ સારી રીતે નિભાવતા 109 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી હતી. ત્યારબાદ ભારતને વધુ એક ઝટકો લાગ્યો અને ગંભીર 97 રન બનાવી આઉટ થયો હતો. હવે માહિનો સાથ નિભાવવા માટે યુવરાજ ક્રિઝ પર આવ્યો હતો. બંન્ને ઊભા રહ્યાં અને ભારતને જીતની નજીક પહોંચાડી દીધું હતું. મેચ 49મી ઓવરમાં પહોંચી અને ભારતને જીત માટે માત્ર 5 રનની જરૂર હતી. પ્રથમ બોલ પર યુવીએ એક રન લીધો હતો. પછી ધોનીએ ફટકાર્યો હેલીકોપ્ટર શોટ અને ટીમ ઈન્ડિયા વિશ્વ વિજેતા બની. 

ધોનીના શોટથી ભારત 28 વર્ષ બાદ વિશ્વ વિજેતા બન્યું હતું. ધોની 91 રન બનાવી અણનમ રહ્યો અને મેન ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો હતો. આ સાથે સચિનનું વિશ્વકપ જીતવાનું સપનું પણ સાકાર થયું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news