સુરતી ગર્લ્સની ક્રિકેટમાં છલાંગ! અંડર-15 ક્રિકેટ મેચમાં આખ્સાહે સદીઓ વીંઝી અપાવ્યો ગુજરાતને વિજય

સુરતની 13 વર્ષીય કિશોરી આખ્સાહ સોરેન્સ પરમારે રીલાયન્સ જી-1, કપ અંડર-15 આંતરરાજ્ય વિમેન્સ ક્રિકેટ ટૂર્નામેંટમાં પોતાની ડેબ્યૂ મેચમાં ગોવાની ટીમ સામે માત્ર 115 બોલમાં અણનમ 154 રન ફટકારીને નવા કીર્તિમાનો સ્થાપ્યા છે.

સુરતી ગર્લ્સની ક્રિકેટમાં છલાંગ! અંડર-15 ક્રિકેટ મેચમાં આખ્સાહે સદીઓ વીંઝી અપાવ્યો ગુજરાતને વિજય

ચેતન પટેલ/સુરત: સુરતની 13 વર્ષીય કિશોરી આખ્સાહ સોરેન્સ પરમારે રીલાયન્સ જી-1, કપ અંડર-15 આંતરરાજ્ય વિમેન્સ ક્રિકેટ ટૂર્નામેંટમાં પોતાની ડેબ્યૂ મેચમાં ગોવાની ટીમ સામે માત્ર 115 બોલમાં અણનમ 154 રન ફટકારીને નવા કીર્તિમાનો સ્થાપ્યા છે. આ 154 રન તેણે 25 ચોક્કાની મદદથી બનાવ્યા હતા. આ ઉપરાંત આ મેચમાં તેણે બે કીમતી વિકેટો લઈને ગુજરાતના વિજયમાં મહત્ત્વનું યોગદાન પણ આપ્યું હતું. આ ટૂર્નામેન્ટની બીજી મેચમાં સૌરાષ્ટ્ર સામે પણ તેણે ચાર છગ્ગા અને વીસ ચોક્કા ફટકારીને 81 બોલમાં વીજળીક 124 રન બનાવીને શાનદાર પ્રદર્શન કર્યું હતું. 

12 વર્ષની ઉંમરે અંડર-૧૯ સંભવિત ક્રિકેટર તરીકે પસંદગી
આ બંને મેચમાં તેણે પોતાના અદભુત પર્ફોર્મન્સ થકી પ્લેયર ઓફ ધ મેચના એવોર્ડ હાંસલ કર્યા હતા. આખ્સાહે માત્ર છ વર્ષની કુમળી ઉમરે લુર્ડ્સ કોન્વેન્ટ સ્કૂલમાં હોકી રમવાનું શરૂ કર્યું અને સ્પોર્ટ્સ કોચ પરાગ ચંદ્રાતેની દોરવણી હેઠળ રાજય કક્ષાની ટૂર્નામેંટ અને ખેલ મહાકુંભમાં હોકીની રમતમાં શાનદાર પ્રદર્શન કરીને તેના મક્કમ ઈરાદાઓ અને કૌશલ્યનું દર્શન કરાવી દીધું હતું. તેણે આઠ વર્ષની વયે KAPS એકેડેમીમાં કોચ વિકાસ વાડીવાળાના માર્ગદર્શન હેઠળ ક્રિકેટના પાઠો ભણવાનું શરૂ કર્યું અને માત્ર બાર વર્ષની ઉંમરે GCA ગુજરાત ક્રિકેટ આસોસિએશન અંડર-૧૯ સંભવિત ક્રિકેટર તરીકે પસંદગી પામી.

No description available.

KAPS એકેડેમીમાં તાલીમ
હાલમાં સાડાતેર વર્ષની વયે GCAના અંડર-૧૫ ખેલાડી તરીકે પસંદગી પામીને ગત માસે અમદાવાદ ખાતે નવ દિવસના સઘન તાલીમ કેમ્પમાં ટ્રેનીંગ લઈને, ત્રીજા જ દિવસે રીલાયન્સ G-1 આંતરરાજ્ય મહિલા ક્રિકેટ ટૂર્નામેંટમાં વિજય પતાકા ફરકાવીને સિલેક્ટરોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું છે. અભ્યાસની સાથોસાથ દરરોજ SDCIમાં લાલ ભાઈ કોન્ટ્રાકટર સ્ટેડિયમ ખાતે અને KAPS એકેડેમીમાં તાલીમ લઈ રહી છે. 

13 વર્ષની કિશોરી રોજના ચૌદથી પંદર કલાક કડીતોડ પરિશ્રમ
આંખોમાં આઇસીસી વિમેન્સ ટી-20 વર્લ્ડ કપમાં ભારત વતી રમવાનું સમણું આંજીને આ તેર વર્ષની કિશોરી દરરોજના ચૌદથી પંદર કલાક કડીતોડ પરિશ્રમ કરીને ક્રિકેટના પેસનની સાથોસાથ અભ્યાસ, સંગીત અને વાંચનના પોતાના શોખને સરખો ન્યાય આપી રહી છે. તેની પ્લેયર ઓફ મેચની સિદ્ધિ બદલ જીસીએના કોચ સ્મૃતિ સિંહ, ફાલ્ગુની, SDCIના સેક્રેટરી નૈમેષ દેસાઇ, બીસીસીઆઈના  કોચ અપૂર્વ દેસાઇ, વિકાસ વાડીવાળા લુર્ડ્સ કોનવેન્ટના પ્રિન્સિપાલ રેવ બિન્ધુ સહિત અગ્રણીઓએ અભિનંદન પાઠવ્યા છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news