શ્રીલંકાના કુસલ મેન્ડિસ, નિરોશન ડિકવેલા અને દનુષ્કા પર લાગી શકે છે એક વર્ષનો પ્રતિબંધ, ભારત સામેની સિરીઝમાંથી પણ બહાર
શ્રીલંકા ક્રિકેટના અધિકારીઓએ કહ્યું કે, ત્રણેયે બાયો બબલનું ઉલ્લંઘન કેમ કર્યું, તેની તપાસ માટે બે સપ્તાહના ફરજીયાત ક્વોરેન્ટાઈન બાદ કરવામાં આવશે.
Trending Photos
નવી દિલ્હીઃ શ્રીલંકાના ત્રણ ખેલાડીઓ કુસલ મેન્ડિસ, નિરોશન ડિકવેલા અને દનુષ્કા ગુણાતિલાકા વિરુદ્ધ શ્રીલંકા ક્રિકેટે મોટો નિર્ણય લીધો છે. આ ત્રણેયને ભારત વિરુદ્ધ આગામી ઘરેલૂ સિરીઝમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. આ જાણકારી બુધવારે શ્રીલંકા ક્રિકેટના અધિકારીઓએ આપી છે. આ ત્રણેય ખેલાડીઓને ઈંગ્લેન્ડનો પ્રવાસ છોડી સ્વદેશ પરત ફરવાનું કહેવામાં આવ્યું હતું. મંગળવારે ત્રણેય ખેલાડી સ્વદેશ પહોંચી ગયા છે. શ્રીલંકા ક્રિકેટના અધિકારીઓએ કહ્યું કે, ત્રણેયે બાયો બબલનું ઉલ્લંઘન કેમ કર્યું, તેની તપાસ માટે બે સપ્તાહના ફરજીયાત ક્વોરેન્ટાઈન બાદ કરવામાં આવશે.
ભારત વિરુદ્ધ ત્રણ વનડે અને ત્રણ ટી20 મેચોની સિરીઝમાં તેમાંથી કોઈ ખેલાડીને સામેલ કરવામાં આવશે નહીં. એક અધિકારીએ ન્યૂઝ એજન્સી એએફપીને નામ ન જણાવવાની શરત પર જણાવ્યુ કે, જો દોષી સાબિત થશે તો તેના પર એક વર્ષનો પ્રતિબંધ લાગી શકે છે. ડરહમમાં પ્રથમ વનડે પહેલા કુસલ મેન્ડિસ અને ડિકવેલાનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં આ બન્ને રસ્તાઓ પર ફરતા જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયામાં વાયરલ એક બીજા વીડિયોમાં દનુષ્કા ગુણાતિલાકા આ બન્નેને જોઈન કરતો જોવા મળી રહ્યો છે. બાયો બબલ તોડવાને કારણે તેને ઈંગ્લેન્ડ સામે ચાલી રહેલી વનડે સિરીઝમાંથી પણ બહાર કરી દેવામાં આવ્યા છે.
ઈંગ્લેન્ડે મંગળવારે રમાયેલી પ્રથમ વનડેમાં શ્રીલંકાને 5 વિકેટે પરાજય આપ્યો હતો. બીજી વનડે ગુરૂવારે અને ત્રીજી વનડે રવિવારે રમાશે. આ પહેલા શ્રીલંકાએ શનિવારે સમાપ્ત થયેલી ત્રણ મેચોની ટી20 સિરીઝ પણ 0-3થી ગુમાવી હતી. ઓક્ટોબર 2020 બાદ તેણે સતત પાંચમી ટી20 સિરીઝમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ હારથી નારાજ ફેન્સે ટીમના ખેલાડીઓ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર કેમ્પેન શરૂ કર્યું હતું. હજારો ફેન્સે ફેસબુક પર કુશલ મેન્ડિસ અને ઓપનિંગ બેટ્સમેન દનુષ્કા ગુનાથિલાકાના પેજનો બાયકોટ કર્યો હતો. એટલું જ નહીં સોશિયલ મીડિયા પર મીમ્સ પણ શરૂ થઈ ગયા હતા. મીમ્સમાં ફેન્સે શ્રીલંકા ક્રિકેટ ટીમને ટીવી પર ન દેખાડવાની અપીલ કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે