બોક્સિંગ ક્વોલિફાયરઃ મેરી કોમ, પંઘાલ સહિત 8 ભારતીયોને ઓલિમ્પિકની ટિકિટ

મેરી કોમ અને અમિત પંઘાલ સહિત 8 ભારતીયોએ ટોક્યોનો કોટા હાંસિલ કરી લીધો છે. મેરી કોમે ક્વાર્ટર ફાઇનલમાં ફિલિપીન્સની બોક્સરને પરાજય આપ્યો હતો. તે બીજીવાર ઓલિમ્પિક રમશે. 

બોક્સિંગ ક્વોલિફાયરઃ મેરી કોમ, પંઘાલ સહિત 8 ભારતીયોને ઓલિમ્પિકની ટિકિટ

અમ્માનઃ છ વખતની વિશ્વ ચેમ્પિયન એમસી મેરી કોમ અને વિશ્વ ચેમ્પિયનશિપના સિલ્વર મેડલ વિજેતા અમિત પંઘાલ સહિત અત્યાર સુધી આઠ ભારતીય બોક્સરોએ અહીં જારી એશિયા/ઓસનિયા ઓલિમ્પિક ક્વોલિફાયરમાં જીત મેળવી આગામી ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાઇ કરી લીધું છે. ટૂર્નામેન્ટની  બીજી સીડ મેરી કોમે મહિલાઓના 51 કિલો ભાર વર્ગના ક્વાર્ટર ફાઇનલમાં ફિલિપીન્સની આઇરિશ મેગનોને એકતરફી મેચમાં 5-0થી પરાજય આપી બીજીવાર ઓલિમ્પિક રમવાનું સપનું પૂરુ કર્યું છે. 

વર્લ્ડ નંબર-5 મેરી કોમ પહેલા રાઉન્ડમાં થોડી ડિફેન્સિવ જોવા મળી રહી હતી. પરંતુ બીજા રાઉન્ડમાં બંન્ને બોક્સરો વચ્ચે ટક્કરનો મુકાબલો જોવા મળ્યો અને ભારતીય બોક્સરે પોતાની લીડ જાળવી રાખી હતી. અનુભવી મેરી કોમે ત્રીજા અને અંતિમ રાઉન્ડમાં પોતાના અનુભવનો ફાયદો ઉઠાવતા વિરોધી પર સતત આક્રમણ જારી રાખ્યું અને 5-0થી જીત પોતાના નામે કરતા સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આ જીતની સાથે મેરી કોમે ટોક્યો ઓલિમ્પિક માટે ભારતને અત્યાર સુધી ઓલિમ્પિકની સાતમી ટિકિટ અપાવી દીધી છે. 

સેમિફાઇનલમાં મેરી કોમનો સામનો ચીનની યુઆન ચાંગ સામે થશે. પુરૂષ વર્ગમાં રાષ્ટ્રમંડળ ગેમ્સ તથા એશિયન ચેમ્પિયન ટોપ સીડ પંઘાલે 52 કિલોના ક્વાર્ટર ફાઇનલ મુકાબલામાં દક્ષિણ એશિયન ગેમ્સના ચેમ્પિયન ફિલિપીન્સના કાર્લો પાલમને 4-1થી પરાજય આપીને સેમિફાઇનલમાં પોતાની જગ્યા પાક્કી કરી હતી. આ સાથે પ્રથમવાર ઓલિમ્પિક રમવાનું સપનું પણ પૂરુ કર્યું હતું. 

પંઘાલ શરૂઆતથી જ આક્રમક જોવા મળ્યો અને તેણે પોતાના વિરોધી પર આક્રમણ કરીને પ્રથમ રાઉન્ડમાં 3-2ની લીડ મેળવી લીધી હતી. એશિયન ગેમ્સના ચેમ્પિયન બીજા રાઉન્ડમાં પણ પોતાનું આક્રમણ જાળવી રાખ્યું અને એક બાદ એક ઘણા પંચ લગાવ્યા હતા. પંઘાલે બીજા રાઉન્ડમાં 4-1ની શાનદાર લીડ મેળવી લીધી હતી. ભારતીય બોક્સરે ત્રીજા અને ચોથા રાઉન્ડમાં પણ પોતાની રમત જાળવી રાખી હતી. સતત પંચ લગાવતા ઓલિમ્પિકની ટિકિટ મેળવી હતી. 

વિશ્વ સિલ્વર મેડલિસ્ટે જીત બાદ કહ્યું, 'હું પહેલા પણ આ બોક્સર સાથે રમી ચુક્યો છું અને જીત મેળવી ચુક્યો છું. તેથી અમે તે પ્રમાણે અમારી રણનીતિ બનાવી હતી. અમે રાઉન્ડર બાદ રાઉન્ડ આગળ વધી રહ્યાં હતા. હવે મેં ઓલિમ્પિકની ટિકિટ મેળવી લીધી છે અને તેનાથી ખુશ છું.'

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news