IPL 2022: દિનેશ કાર્તિકે રોક્યો રાજસ્થાનનો વિજયી રથ, આરસીબીની રોમાંચક જીત

RCB vs RR highlights: અનુભવી બેટર દિનેશ કાર્તિક અને યુવા ખેલાડી શાહબાઝ અહમદે મળીને આરસીબીને અશક્ય લાગતી મેચમાં જીત અપાવી દીધી. આરસીબીની આ સીઝનમાં બીજી જીત છે, તો રાજસ્થાનને સીઝનમાં પ્રથમ હારનો સામનો કરવો પડ્યો છે. 

IPL 2022: દિનેશ કાર્તિકે રોક્યો રાજસ્થાનનો વિજયી રથ, આરસીબીની રોમાંચક જીત

મુંબઈઃ વાનખેડે સ્ટેડિયમમાં આ સીઝનમાં અત્યાર સુધી રમાયેલી ત્રણ મેચોમાં બાદમાં બેટિંગ કરનારી ટીમે જીત હાસિલ કરી છે. રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે મંગળવારે રાત્રે મેચમાં પણ આ જોવા મળ્યું છે. 170 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી આરસીબી એક સમયે મુશ્કેલમાં જોવા મળી રહી હતી, પરંતુ અંતિમ ઓવર્સમાં દિનેશ કાર્તિક (23 બોલમાં અણનમ 44 રન) અને શાહબાઝ અહમદ (26 બોલમાં 45 રન) વચ્ચે થયેલી 67 રનની ભાગીદારીએ મેચ આરસીબીના પક્ષમાં કરી દીધી હતી.

ટોસ જીતીને આરસીબીના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. કેપ્ટનનો આ નિર્ણય સાચો સાબિત થયો અને બીજી ઓવરમાં ડેવિડ વિલીએ યશસ્વી જાયસવાલ (4) ને બોલ્ડ કર્યો હતો. પાવરપ્લેમાં રાજસ્થાનની ટીમ એક વિકેટ પર માત્ર 35 રન બનાવી શકી હતી. ત્યારબાદ જોસ બટલર અને હેટમાયરની ઈનિંગથી સંજૂ સેમસનની ટીમ 169-3 રન બનાવી શકી હતી. જવાબમાં બેંગલોરની શરૂઆત સારી રહી પરંતુ ત્યારબાદ ટીમે સતત વિકેટ ગુમાવી હતી. પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી, ડેવિડ વિલી જલદી આઉટ થઈ ગયા હતા. છઠ્ઠા નંબર પર આવેલા શાહબાઝ અને કાર્તિકની જોડીએ મેચમાં બેંગલોરને વિજય અપાવ્યો હતો. 

દિનેશ કાર્તિક જીતનો હિરો
ડીકે જ્યારે બેટિંગ કરવા આપ્યો તો 13 ઓવરમાં ટીમનો સ્કોર 87/5 હતો. આગામી સાત ઓવરમાં 82 રન બનાવવા મુશ્કેલ લાગતા હતા. કાર્તિકે અશ્વિન જેવા અનુભવી સ્પિનરની છેલ્લી ઓવરમાં 21 રન ફટકારી ટીમની વાપસી કરાવી હતી. ત્યારબાદ 15મી ઓવરમાં નવદીપ સૈનીએ 16 રન આપી દીધા. શાહબાઝે કાર્તિકનો સાથ આપ્યો હતો. તે 18મી ઓવરમાં એક ચોગ્ગો અને છગ્ગો ફટકારી બોલ્ટની ઓવરમાં આઉટ થયો હતો. ત્યારબાદ કાર્તિક અંત સુધી ક્રીઝ પર રહ્યો અને મેચ પૂરી કરી હતી. 

બટલરની અડધી સદી પાણીમાં
પાછલી મેચમાં દમદાર સદી ફટકારનાર બટલરે આ મેચમાં પણ અડધી સદી ફટકારી હતી. બટલરે મુશ્કેલ પીચ પર શરૂઆતમાં ધીમી બેટિંગ કરી પરંતુ અંતિમ ઓવરોમાં આક્રમક ફટકાબાજી કરી હતી. બટલરે 47 બોલમાં 6 સિક્સ સાથે અણનમ 70 રન બનાવ્યા હતા. તો શિમરન હેટમાયરે પણ 31 બોલમાં અણનમ 42 રન બનાવ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news