સિંધુએ રચ્યો ઈતિહાસ, વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય બની

 ભારતની સ્ટાર શટલર પીવી સિંધુએ ઈતિહાસ રચી દીધો છે. તેણે બીડબ્લ્યૂએફ વર્લ્ડ ચેમ્પિયનશિપની મહિલા સિંગલ્સના ફાઇનલમાં જાપાની ખેલાડી નોઝોમી ઓકુહારાને એકતરફી પરાજય આપીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે.

 સિંધુએ રચ્યો ઈતિહાસ, વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય બની

નવી દિલ્હીઃ ભારતની સ્ટાર શટલર પીવી સિંધુએ ઈતિહાસ રચી દીધો છે. તેણે બીડબ્લ્યૂએફ વર્લ્ડ ચેમ્પિયનશિપની મહિલા સિંગલ્સના ફાઇનલમાં જાપાની ખેલાડી નોઝોમી ઓકુહારાને એકતરફી પરાજય આપીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. તે આ ટૂર્નામેન્ટનું ટાઇટલ જીતનારી પ્રથમ ભારતીય બની ગઈ છે. 36 મિનિટ સુધી ચાલેલા મુકાબલામાં વર્લ્ડ નંબર-5 સિંધુએ  21-7 અને 21-7થી જીત મેળવી હતી. આ સાથે તેણે આ ટૂર્નામેન્ટમાં 2017મા ઓકુહારા સામે થયેલા પરાજયનો બદલો પણ લઈ લીધો છે. આ તેનો વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પ્રથમ ગોલ્ડ મેડલ છે, જ્યારે કુલ 5મો મેડલ છે. મહત્વનું છે કે ઓલિમ્પિકની સિલ્વર મેડલિસ્ટ આ શટલરે પહેલા 2017 અને 2018મા સિલ્વર અને 2013 તથા 2014મા બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો. 

16 મિનિટ સુધી ચાલેલી પ્રથમ ગેમમાં ઈન્ડિયન શટલરે શાનદાર શરૂઆત કરી અને સતત 7 પોઈન્ટ લેતા જાપાની ખેલાડી પર 8-1ની લીડ મેળવી લીધી હતી. આ દરમિયાન વર્લ્ડ નંબર-4 નાઝોમી નેટ પર નિષ્ફળ રહી, જેનો ફાયદો સિંધુને મળ્યો હતો. સિંધુએ અહીં દબાવ બનાવી રાખ્યો અને જોરદાર સ્મૈશલગાવ્યો, જેનો વિપક્ષી ખેલાડી પાસે કોઈ જવાબ નહતો. પ્રથમ ગેમમાં બ્રેક સમયે તેની લીડ 11-2 થઈ ગઈ હતી. બ્રેક બાદ જ્યારે ગેમ શરૂ થઈ તો જાપાની શટલરે ટક્કર આપવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે નિષ્ફળ રહી. લાંબી-લાંબી રેલીઓ વચ્ચે સિંધુએ સતત પાંચ પોઈન્ટ લઈને લીડ 16-2ની કરી લીધી હતી. નાઝોમીને 2 પોઈન્ટ જરૂર મળ્યા, પરંતુ તેમાં સિંધુના આઉટ શોટની મોટી ભૂમિકા રહી હતી. ત્યારબાદ ભારતીય શટલરે કોઈ તક ન આપી અને પ્રથમ ગેમ 21-7થી પોતાના નામે કરતા 1-0ની લીડ મેળવી લીધી હતી. 

બીજી ગેમ પણ રહી એકતરફી
પીવી સિંધુએ રમતના બીજા રાઉન્ડમાં પણ ઓકુહારા પર ભારે પડી હતી. 20 મિનિટ સુધી ચાલેલી આ ગેમની શરૂઆત રોમાંચક રહી, પરંતુ ઝડપથી સિંધુએ લીડ મેળવવાનું શરૂ કરી દીધું હતું. થોડીવારમાં તેની લીડ 11-4 થઈ ગઈ હતી. બ્રેક બાદ જ્યારે ગેમ શરૂ થઈ તો સિંધુએ સતત 5 પોઈન્ટ મેળવીને 16-4ની લીડ બનાવી લીધી હતી. અહીં ઓકુહારાને 3 પોઈન્ટ મળ્યા, પરંતુ સિંધુએ આ ગેમ 21-7થી જીતીને ટાઇટલ પોતાના નામે કરી લીધું હતું. આ જીતની સાથે તેણે ઓકુહારા વિરુદ્ધ જીત હારનું અંતર 8-8થી બરોબર કરી લીધું છે. 

આવુ રહ્યું ટૂર્નામેન્ટમાં પ્રદર્શનઃ સેમિફાઇનલમાં ચે યૂ ફેઇને હરાવી
સિંધુએ પોતાના અભિયાન દરમિયાન સેમિફાઇનલમાં તેણે ચીનની ચે યૂ ફેઇને 21-7, 21-14ખથી હરાવી હતી. તે સતત ત્રીજા વર્ષે આ ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચવામાં સફલ રહી હતી. આ સાથે સિંધુએ આ ખેલાડી વિરુદ્ધ પોતાનો રેકોર્ડ 6-3નો કરી લીધો હતો. 

ક્વાર્ટર ફાઇનલમાં તાઇ જૂ યિંગને આપ્યો પરાજય
સિંધુએ ક્વાર્ટર ફાઇનલમાં ચીની તાઇપેની તાઇ જૂ યિંગને હરાવીને આ ટૂર્નામેન્ટમાં પોતાનો પાંચમો મેડલ પાક્કો કર્યો હતો. સિંધુએ ટૂર્નામેન્ટની છેલ્લી બે સિઝનમાં સિલ્વર મેડલ પોતાના નામે કર્યો હતો. આ પહેલા તેણે આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટમાં બે બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. તેણે વર્લ્ડ નંબર બે જૂ યિંગને 12-21, 23-21, 21-19થી હરાવી હતી. આ મુકાબલો કુલ 71 મિનિટ સુધી ચાલ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news