ફીફાની કાર્યકારી પરિષદમાં ચૂંટાયા પ્રફુલ પટેલ, બન્યા પ્રથમ ભારતીય

અખિલ ભારતીય ફુટબોલ મહાસંઘના અધ્યક્ષ પ્રફુલ પટેલ શનિવારે ફીફા કાર્યકારી સમિતિના સભ્ય તરીકે ચૂંટાયા છે. આ પરિષદમાં ચૂંટાનારા પ્રથમ ભારતીય બનેલા પટેલના પક્ષમાં 46માંથી 38 મત પડ્યા હતા.

ફીફાની કાર્યકારી પરિષદમાં ચૂંટાયા પ્રફુલ પટેલ, બન્યા પ્રથમ ભારતીય

કુઆલાલંપુરઃ અખિલ ભારતીય ફુટબોલ મહાસંઘના અધ્યક્ષ પ્રફુલ પટેલની શનિવારે ફીફા કાર્યકારી સમિતિના સભ્ય પદે પસંદગી કરવામાં આવી હતી. આ પરિષદમાં ચૂંટાયેલા પ્રથમ ભારતીય બનેલા પટેલના પક્ષમાં 46માંથી 38 મત પડ્યા હતા. એશિયન ફુટબોલ પરિસંઘ (એએફસી) તરફથી પાંચ સભ્યની ફીફા પરિષદ માટે પસંદગી કરવામાં આવી છે, જેમાં એએફસીના અધ્યક્ષ અને એક મહિલા સભ્ય પણ સામેલ છે. 

કુઆલાલંપુરમાં શનિવારે એએફસીની 29મી કોંગ્રેસ દરમિયાન આ ચૂંટણી યોજાઈ હતી. સભ્યોની પસંદગી 2019થી 2023 સુધી ચાર વર્ષના કાર્યકાળ માટે થઈ છે. ફીફામાં ચૂંટાયા બાદ પટેલે કહ્યું, હું આ માટે ખૂબ આભારી છું. હું એએફસીના તમામ સભ્યોનો આભાર વ્યક્ત કરૂ છું, જેણે મને આ પદ માટે યોગ્ય સમજ્યો છે. ફીફા પરિષદના સભ્યના રૂપમાં મારી જવાબદારી મોટી છે. હું ન માત્ર મારા દેશનું પરંતુ સંપૂર્ણ મહાદ્વીપનું પ્રતિનિધિત્વ કરીશ. એશિયામાં ફુટબોલના ઝડપી વિકાસ માટે મારા પર વિશ્વાસ કરવા માટે તમારા બધાનો આભાર. 

આ અવસરે પટેલની સાથે એઆઈએફએફના મહાસચિવ કુશલ દાવ અને વરિષ્ઠ ઉપાધ્યક્ષ સુબ્રત દત્તા પણ હાજર હતા. દત્તાએ કહ્યું, પટેલની જીત ભારતીય ફુટબોલ માટે મોટી સિદ્ધિ છે. પટેલને શુભકામના, તેઓ આ સન્માન માટે હકદાર હતા. તેમના નેતૃત્વએ ભારતીય ફુટબોલને વધુ ઉંચાઈઓ પર પહોંચાડ્યું છે. ફીફા પરિષદના સભ્યના રૂપમાં તેમની હાજરીથી એશિયન ફુટબોલને ઘણો ફાયદો થશે. 

પટેલના નેતૃત્વમાં એઆઈએફએફને મનીલામાં 2014માં એએફસી વાર્ષિક પુરસ્કારોમાં પાયાના સ્તર પર ફુટબોલને પ્રોત્સાહન આપવા માટે 'એએફસીના પ્રેસિડેન્શિયલ એવોર્ડથી' સન્માનીત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ 2016માં એએફસીના એઆઈએફએફને સર્વશ્રેષ્ઠ વિકાસશીલ સભ્ય સંઘ માટે સન્માન કરવામાં આવ્યું હતું. 

પટેલના નેતૃત્વમાં ભારતે ફીફા અન્ડર-17 વિશ્વકપની સફળ યજમાની કરી જેની ખુબ પ્રશંસા કરવામાં આવી હતી. ત્યારબાદ ભારતે 2020માં ફીફા અન્ડર-17  મહિલા વિશ્વકપની યજમાની કરવા માટે દાવેદારી હાસિલ કરી છે. પરિષદ માટે પટેલ સિવાય અલ-મોહન્નદી (કતર), ખાલિદ અવાદ અલ્તેબિતી (સાઉદી અરબ), મારિયાનો વી. અરનેટા જૂનિયર (ફિલીપીન), ચુંગ મોંગ ગ્યુ (કોરિયા), દૂ ઝોકાઈ (ચીન), મેહદી તાજ (ઈરાન) અને કોહજો તશિમા (જાપાન)એ ઉમેદવારી કરી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news