પોલાર્ડ બન્યો WI ટીમનો વનડે-T20 કેપ્ટન, હોલ્ડર-બ્રેથવેટની હકાલપટ્ટીઃ રિપોર્ટ

વિશ્વકપ-2019મા નિરાશાજનક પ્રદર્શન અને ત્યારબાદ ભારત વિરુદ્ધ વ્હાઇટવોશથી નારાજ ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝે મોટો નિર્ણય લીધો છે. 
 

પોલાર્ડ બન્યો WI ટીમનો વનડે-T20 કેપ્ટન, હોલ્ડર-બ્રેથવેટની હકાલપટ્ટીઃ રિપોર્ટ

નવી દિલ્હીઃ વિશ્વ કપ-2019મા નિરાશાજનક પ્રદર્શન અને ત્યારબાદ ભારત વિરુદ્ધ 'વ્હાઇટવોશ'થી ક્રોધિત ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝ (CWI)એ મોટો નિર્ણય કર્યો છે. તેણે જેસન હોલ્ડરને વનડે અને કાર્લોસ બ્રેથવેટને ટી-20ના સુકાની પદેથી હટાવી દીધા છે. હવે વનડે અને ટી20 બંન્નેમાં કિરોન પોલાર્ડ આગેવાની કરશે. 

ત્રિનિદાદ અને ટોબૈગો ગાર્ડિયનના રિપોર્ટ પ્રમાણે સીડબ્લ્યૂઆઈના બોર્ડ ઓફ ડાયરેક્ટરોએ શનિવારે આ નિર્ણય લીધો છે. પોલાર્ડના નામનો પ્રસ્તાવ પસંદગી સમિતિએ રાખ્યો હતો અને જ્યારે મતદાનનો સમય આવ્યો તો, છ ડાયરેક્ટરોએ તેનો સાથ આપ્યો, જ્યારે બાકી છએ મતદાન ન કર્યું. 

32 વર્ષીય પોલાર્ડે પોતાની છેલ્લી વનડે 2016મા રમી હતી. વિશ્વ કપ-2018મા તે વેસ્ટ ઈન્ડિઝના રિઝર્વ ખેલાડીઓમાં સામેલ હતો. તેણે ભારત વિરુદ્ધ હાલમાં રમાયેલી ટી-20 સિરીઝમાં ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું. પોલાર્ડ હાલમાં કેરેબિયન પ્રીમિયર લીગ (સીપીએલ)માં ત્રિનબાગો નાઇટ રાઇડર્સનું સુકાન સંભાળી રહ્યો છે. 

ઉલ્લેખનીય છે કે વિન્ડીઝની ટીમ વિશ્વ કપ-2019મા નવમાં સ્થાને રહી હતી. ત્યારબાદ ભારતે તેને ટી20મા 3-0થી, જ્યારે વનડેમાં 2-0થી પરાજય આપ્યો હતો. વિસ્ફોટક ઓલરાઉન્ડર પોલાર્ડે અત્યાર સુધી 101 વનડેમાં ત્રણ સદી અને નવ અડધી સદીની સાથે 25.71ની એવરેજથી 2289 રન બનાવ્યા છે. તેણે આ ફોર્મેટમાં 50 વિકેટ પણ ઝડપી છે. ટી20 આંતરરાષ્ટ્રીયમાં તેણે 62 મેચોમાં 21.50ની એવરેજથી 903 રન બનાવ્યા છે અને 23 વિકેટ પોતાના નામે કરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news