ટેસ્ટ રેન્કિંગમાં ન્યૂઝીલેન્ડને પ્રથમવાર મળ્યું બીજુ સ્થાન
ન્યૂઝીલેન્ડની ટીમ આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં બીજા સ્થાન પર પહોંચી ગઈ છે. આ ટેસ્ટમાં તેની સર્વશ્રેષ્ઠ રેન્કિંગ છે.
Trending Photos
દુબઈઃ શ્રીલંકાના હાથે ઘરમાં મળેલી 0-2ની હારથી સાઉથ આફ્રિકાને ટેસ્ટ રેન્કિંગમાં નુકસાન થયું છે અને તેના નુકસાનથી ન્યૂઝીલેન્ડને ફાયદો થયો છે. ટેસ્ટ સિરીઝમાં હાર બાદ સાઉથ આફ્રિકા સોમવારે જાહેર થયેલા આઈસીસીની તાજા ટેસ્ટ ટીમ રેન્કિંગમાં બીજા સ્થાનથી ખસીને ત્રીજા સ્થાન પર પહોંચી ગઈ છે. તેનાથી ન્યૂઝીલેન્ડને ફાયદો થયો છે અને તે હવે બીજા સ્થાને પહોંચી ગઈ છે, જે ટેસ્ટમાં તેની અત્યાર સુધીની સર્વશ્રેષ્ઠ રેન્કિંગ છે.
સાઉથ આફ્રિકાને તેના ઘરમાં હરાવીને ઈતિહાસ રચનારી શ્રીલંકાને કોઈ ફાયદો થયો નથી. તે છઠ્ઠા સ્થાને યથાવત છે. તેના ખાતામાં ચાર પોઈન્ટનો વધારો થયો છે. ભારત ટેસ્ટ ટીમ પ્રથમ સ્થાને યથાવત છે. ઓસ્ટ્રેલિયા ચોથા અને ઈંગ્લેન્ડ પાંચમાં સ્થાને યથાવત છે.
બેટ્સમેનોના રેન્કિંગમાં શ્રીલંકાના કુશલ મેન્ડિસ અને ઓશાડા ફર્નાન્ડોને ફાયદો થયો છે. મેન્ડિસ આગળ વધતા 18માં સ્થાન પર પહોંચી ગયો તો ફર્નાન્ડોને 35 સ્થાનનો ફાયદો થયો છએ અને તે 65માં સ્થાન પર આવી ગયો છે.
નિરોશન ડિકવેલાને પણ બેટ્સમેનોના રેન્કિંગમાં ફાયદો થયો છે અને તે આઠ સ્થાન આગળ વધીને 37માં સ્થાન પર આવી ગયો છે. બેટ્સમેનોમાં ટોપ-10માં એક ફેરફાર થયો છે. સાઉથ આફ્રિકાનો ડી કોક એક સ્થાન નીચે આવીને નવમાં સ્થાને આવી ગયો છે. પ્રથમ સ્થાન પર ભારતીય કેપ્ટન વિરાટ કોહલી યથાવત છે. બોલરોના રેન્કિંમગાં જરૂર આફ્રિકાને ફાયદો થયો છે. યુવા ફાસ્ટ બોલર ડુઆને ઓલીવર ત્રણ સ્થાન આગળ વધીને 19માં સ્થાને પહોંચી ગયો છે. રબાડા ત્રીજા અને ફિલાન્ડર ચોથા સ્થાને છે.
શ્રીલંકાનો સુરંગા લકમલ ત્રણ સ્થાન આગળ વધીને 30માં અને વિશ્વા ફર્નાન્ડો છ સ્થાનની છલાંગ સાથે 43માં સ્થાન પર આવી ગયો છે. કાસુન રજિથાને આઠ સ્થાનનો ફાયદો થતાં તે 51માં સ્થાને પહોંચી ગયો છે. પેટ કમિન્સ પ્રથમ સ્થાને યથાવત છે. ભારતનો રવિન્દ્ર જાડેજા પાંચમાં અને આર. અશ્વિન દસમાં સ્થાને છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે