Mzansi Super League 2018: જોઝી સ્ટાર્સે કેપટાઉન બ્લિટ્ઝને હરાવીને જીત્યું ટાઇટલ
નાના લક્ષ્યના જવાબમાં જોઝી સ્ટાર્સ તરફથી રસી વૈન ડર ડસેને 54 બોલમાં 59 રનની મહત્વપૂર્ણ ઈનિંગ રમી અને રીઝા હેંડ્રિક્સ (33)ની સાથે બીજી વિકેટ માટે 86 રનની ભાગીદારી કરીને તેણે ટીમને આસાન જીત અપાવી હતી.
Trending Photos
નવી દિલ્હીઃ દક્ષિણ આફ્રિકામાં પ્રથમ એમજાંસી સુપર લીગના ફાઇનલમાં જોઝી સ્ટાર્સે કેપટાઉન બ્લિટ્ઝને આઠ વિકેટે હરાવીને ટાઇટલ પર કબજો કરી લીધો હતો. કેપટાઉનમાં રમાયેલા ફાઇનલ મુકાબલામાં પ્રથમ બેટિંગ કરતા કેપટાઉન બ્લિટ્ઝની ટીમે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને માત્ર 113 રન બનાવ્યા હતા. જેના જવાબમાં જોઝી સ્ટાર્સે 18મી ઓવરમાં માત્ર બે વિકેટ ગુમાવીને લક્ષ્ય હાસિલ કરી લીધો હતો.
કેપટાઉન બ્લિટ્ઝે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો, જે ખોટો સાબિત થયો હતો. મેન ઓફ ધ મેચ બ્યૂરન હેંડ્રિક્સે ચાર ઓવરમાં 21 રન આપીને બે વિકેટ ઝડપી અને આ સિવાય ડુઆને ઓલિવિયરે બે તથા રબાડા અને ડેનિયલ ક્રિસ્ચને એક-એક વિકેટ ઝડપીને કેપટાઉનને મોટો સ્કોર કરતા રોક્યું હતું. કેપટાઉન બ્લિટ્ઝ તરફથી કેપ્ટન ફરહાન બેહરદીન અને કાઇલ વેરેને 23-23 રનનું યોગદાન આપ્યું હતું. અંતમાં ડેલ સ્ટેને 15 અને ફેરિસ્કો એડમ્સે 12 રન બનાવીને ટીમનો સ્કોર 100ને પાર પહોંચાડ્યો હતો.
નાના લક્ષ્યના જવાબમાં જોઝી સ્ટાર્સ તરફથી રસી વૈન ડર ડસેને 54 બોલમાં 59 રનની મહત્વપૂર્ણ ઈનિંગ રમી અને રીઝા હેંડ્રિક્સ (33)ની સાથે બીજી વિકેટ માટે 86 રનની ભાગીદારી કરીને તેણે ટીમને આસાન જીત અપાવી હતી.
કેપટાઉન બ્લિટ્ઝના ક્વિંટન ડી કોકને આઠ મેચોમાં 412 રન બનાવવા માટે પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ પસંદ કરવામાં આવ્યો હતો. જોઝી સ્ટાર્સના રસી વૈન ડર ડસેનને 12 મેચોમાં સૌથી વધુ 469 રન બનાવવા માટે ટૂર્નામેન્ટનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન અને જોઝી સ્ટાર્સના ડુઆને ઓલિવિયરને 10 મેચોમાં 20 વિકેટ ઝડપવા માટે ટૂર્નામેન્ટનો સર્વશ્રેષ્ઠ બોલર પસંદ કરવામાં આવ્યો હતો. ટ્શ્વાને સ્પોર્ટન્સના વિકેટકીપર જિહાન ક્લોએટેને 10 મેચમાં 15 શિકાર માટે ટૂર્નામેન્ટનો સર્વશ્રેષ્ઠ ફીલ્ડર પસંદ કરવામાં આવ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે