IPL 2022: મુંબઈનો વધુ એક પરાજય, રોમાંચક મેચમાં 3 રને જીત્યું સનરાઇઝર્સ હૈદરાબાદ

રાહુલ ત્રિપાઠીની શાનદાર અડધી સદી બાદ ઉમરાન મલિકની ત્રણ વિકેટની મદદથી સનરાઇઝર્સ હૈદરાબાદે પ્લેઓફની આશા જીવંત રાખતા મુંબઈ ઈન્ડિયન્સને ત્રણ રને પરાજય આપ્યો છે. 
 

IPL 2022: મુંબઈનો વધુ એક પરાજય, રોમાંચક મેચમાં 3 રને જીત્યું સનરાઇઝર્સ હૈદરાબાદ

મુંબઈઃ મુંબઈ ઈન્ડિયન્સે વધુ એક પરાજયનો સામનો કરવો પડ્યો છે. આઈપીએલ-2022ની 65મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે મુંબઈને રોમાંચક મેચમાં ત્રણ રને હરાવ્યું છે. આ જીત સાથે હૈદરાબાદના 12 પોઈન્ટ થઈ ગયા છે અને તે પ્લેઓફની રેસમાં ટકેલી છે. પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદે 20 ઓવરમાં 6 વિકેટે 193 રન બનાવ્યા હતા. જેના જવાબમાં મુંબઈની ટીમ 20 ઓવરમાં 7 વિકેટે 190 રન બનાવી શકી હતી. 

મુંબઈની સારી શરૂઆત
મોટા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સને બંને ઓપનરોએ સારી શરૂઆત અપાવી હતી. પાવરપ્લેમાં મુંબઈએ વિના વિકેટે 51 રન બનાવ્યા હતા. મુંબઈને પ્રથમ ઝટકો 96 રનના સ્કોરે લાગ્યો હતો. રોહિત શર્મા 38 બોલમાં ચાર સિક્સ અને બે ફોર સાથે 48 રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ ઈશાન કિશન 43 રન બનાવી ઉમરાન મલિકનો શિકાર બન્યો હતો. 

ડેનિયલ સેમ્સ 15 રન બનાવી મલિકનો શિકાર બન્યો હતો. ઉમરાન મલિકે પોતાની ત્રીજી વિકેટ ઝડપતા તિલક વર્માને 8 રને પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. ટ્રિસ્ટન સ્ટબ્સ 2 રન બનાવી રનઆઉટ થયો હતો. ટીમ ડેવિડે 18 બોલમાં ચાર સિક્સ અને 3 ફોર સાથે 46 રન બનાવ્યા હતા. પરંતુ તે રનઆઉટ થયો હતો. રમણદીપે અમનમ 14 રન બનાવ્યા હતા. હૈદરાબાદ તરફથી ઉમરાન મલિકે ત્રણ વિકેટ લીધી હતી. તો ભુવનેશ્વર કુમાર અને વોશિંગટન સુંદરને એક-એક સફળતા મળી હતી. 

સનરાઇઝર્સે ઓપનિંગ જોડીમાં કર્યો ફેરફાર
હૈદરાબાદ તરફથી આજે અભિષેક શર્મા અને પ્રિયમ ગર્ગે ઈનિંગની શરૂઆત કરી હતી. ટીમને 18 રનના સ્કોર પર પ્રથમ ઝટકો લાગ્યો હતો. અભિષેક શર્મા 9 રન બનાવી ડેનિયલ સેમ્સનો શિકાર બન્યો હતો. ટીમે પાવરપ્લેમાં 1 વિકેટે 57 રન બનાવ્યા હતા. 

રાહુલ ત્રિપાઠીની અડધી સદી
રાહુલ ત્રિપાઠીએ પ્રિયમ ગર્ગ સાથે મળી ટીમની ઈનિંગ આગળ વધારી હતી. બંને વચ્ચે બીજી વિકેટ માટે 78 રનની ભાગીદારી કરી હતી. પ્રિયમ ગર્ગે 26 બોલમાં બે સિક્સ અને 4 ફોર સાથે 42 રન બનાવ્યા હતા. તો રાહુલ ત્રિપાઠીએ આ સીઝનની ત્રીજી અડધી સદી ફટકારતા 76 રન બનાવ્યા હતા. રાહુલે 44 બોલનો સામનો કરતા 9 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. 

નિકોલસ પૂરને 22 બોલમાં ત્રણ છગ્ગા અને 2 ચોગ્ગા સાથે 38 રનનું યોગદાન આપ્યું હતું. એડન માર્કરમ 2 રન બનાવી રમણદીપનો શિકાર બન્યો હતો. વિલિયમસને 8 રન બનાવ્યા હતા, તો વોશિંગટન સુંદર 9 રન બનાવી બુમરાહની ઓવરમાં બોલ્ડ થયો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news