દર્શકોના વર્તન પર કોહલીએ સ્મિથની માગી માફી, મેચ દરમિયાન લાગ્યા હતા ચીટર-ચીટરના નારા
આ ઘટના ત્યારે બની જ્યારે વિરાટ કોહલી બેટિંગ કરી રહ્યો હતો. સ્મિથ બાઉન્ડ્રી પર ફીલ્ડિંગ કરી રહ્યો હતો. તેની પાછળ સ્ટેન્ડમાં હાજર રહેલા દર્શકોએ ચીટર-ચીટરના નારા લગાવ્યા હતા.
Trending Photos
લંડનઃ વિશ્વકપમાં ઓવલ મેદાન પર રવિવારે રમાયેલી મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 36 રને પરાજય આપ્યો હતો. મેચમાં ભારતીય ટીમની બેટિંગ દરમિયાન દર્શકોએ ઓસ્ટ્રેલિયાના ખેલાડી સ્મિથની હુટિંગ કરી હતી. દર્શકોએ સ્મિથની સામે ચીટર-ચીટરના નારા લગાવ્યા હતા. મેચ જીત્યા બાદ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ દર્શકોના આ વર્તન માટે સ્મિથની માફી માગી હતી. માર્ચ 2018માં સ્ટીવ સ્મિથ પર બોલ ટેમ્પરિંગને કારણે એક વર્ષનો પ્રતિબંધ લાગ્યો છે, જે હાલમાં સમાપ્ત થયો છે.
આ ઘટના ત્યારે બની જ્યારે વિરાટ કોહલી બેટિંગ કરી રહ્યો હતો. સ્મિથ બાઉન્ડ્રી પર ફીલ્ડિંગ કરી રહ્યો હતો. તેની પાછળ સ્ટેન્ડમાં હાજર રહેલા દર્શકોએ ચીટર-ચીટરના નારા લગાવ્યા હતા. ત્યારે કોહલીએ મેદાનમાંથી ઈશારો કરતા દર્શકોને આ પ્રકારનું વર્તન કરતા રોક્યા હતા. સ્મિથ સહિત અન્ય ખેલાડીઓ વિરાટના આ પગલાની પ્રશંસા કરી હતી.
કોહલીએ કહ્યું- ખરાબ વર્તન સહન ન કરી શકું
વિરાટે મેચ બાદ મીડિયાની સામે સ્મિથની માફી માગી. તેણે કહ્યું, 'નારા લગાવનારા દર્શકોમાં સૌથી વધુ ભારતીય હતા, તેથી મેં આમ કર્યું. હું નથી ઈચ્છતો કે કોઈ ખરાબ ઉદાહરણ રજૂ થાય. તે (સ્મિથ) માત્ર ક્રિકેટ રમી રહ્યો છે. તે માત્ર ત્યાં ઉભો હતો. તેણે એવું કશું કહ્યું નથી, જેથી તેની સાથે આવું વર્તન કરવામાં આવ્યું. હું તેની દર્શકો તરફથી માફી માગુ છું, કારણ કે આ બધું થઈ રહ્યું હતું ત્યારે હું ત્યાં હાજર હતો. હું આવા કોઈપણ ખરાબ વર્તનને સહન ન કરી શકું.'
વિરાટે 82 અને સ્મિથે 69 રન બનાવ્યા
ઓવલ મેદાન પર ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 50 ઓવરમાં 5 વિકેટે 352 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયન ટીમ 316 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતે વિશ્વકપની બીજી મેચ 36 રનથી જીતી હતી. ભારત તરફથી શિખરે 117 અને કોહલીએ 82 રન ફટકાર્યા હતા. તો ઓસ્ટ્રેલિયા તરફથી સ્મિથે સૌથી વધુ 69 રન બનાવ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે