DC vs MI: હાઈ સ્કોરિંગ મેચમાં દિલ્હીની 10 રને જીત, ટૂર્નામેન્ટમાં મુંબઈનો છઠ્ઠો પરાજય

IPL 2024: આઈપીએલમાં સતત બીજા દિવસે હાઈ સ્કોરિંગ મુકાબલો જોવા મળ્યો હતો. દિલ્હી કેપિટલ્સે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 257 રન ફટકાર્યા હતા, તો મુંબઈની ટીમ માત્ર 10 રન પાછળ રહી ગઈ હતી. 

DC vs MI: હાઈ સ્કોરિંગ મેચમાં દિલ્હીની 10 રને જીત, ટૂર્નામેન્ટમાં મુંબઈનો છઠ્ઠો પરાજય

નવી દિલ્હીઃ દિલ્હી કેપિટલ્સે શાનદાર પ્રદર્શન કરતા આઈપીએલ-2024ની 43મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને 10 રને પરાજય આપી પાંચમી જીત મેળવી છે. જ્યારે મુંબઈ ઈન્ડિયન્સે છઠ્ઠી હારનો સામનો કરવો પડ્યો છે. દિલ્હીમાં રમાયેલી આ મેચમાં પણ રનનો વરસાદ થયો હતો. દિલ્હી કેપિટલ્સે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટે 257 રન ફટકારી દીધા હતા. જેના જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સે 20 ઓવરમાં 9 વિકેટે 247 રન બનાવ્યા હતા. 

મુંબઈએ પાવરપ્લેમાં ગુમાવી 3 વિકેટ
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સે પાવરપ્લેમાં જ પોતાની ત્રણ મહત્વની વિકેટ ગુમાવી દીધી હતી. રોહિત શર્મા 8 બોલમાં 8 રન બનાવી ખલીલ અહમદનો શિકાર બન્યો હતો. ઈશાન કિશન 14 બોલમાં 4 ચોગ્ગા સાથે 20 રન બનાવી આઉટ થયો હતો. સૂર્યકુમાર યાદવે આક્રમક શરૂઆત કરી પણ તે માત્ર 26 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. મુંબઈએ પાવરપ્લેમાં 3 વિકેટે 65 રન બનાવ્યા હતા. 

કેપ્ટન હાર્દિક પંડ્યા આજે પોતાની જૂની લયમાં જોવા મળ્યો હતો. પંડ્યાએ 24 બોલમાં 4 ચોગ્ગા અને ત્રણ છગ્ગા સાથે 46 રન બનાવ્યા હતા. નેહલ વઢેરા માત્ર 2 રન બનાવી આઉટ થયો હતો. જ્યારે ટિમ ડેવિડે 17 બોલમાં 37 રન બનાવ્યા હતા. મોહમ્મદ નબી પણ 7 રન બનાવી આઉટ થયો હતો. 

મુંબઈ ઈન્ડિયન્સ તરફથી તિલક વર્માએ સૌથી વધુ રન બનાવ્યા હતા. તિલક 32 બોલમાં 4 ફોર અને 4 સિક્સ સાથે 63 રન બનાવી રનઆઉટ થયો હતો. 
પીયુષ ચાવલા 10 રન બનાવી આઉટ થયો હતો. જ્યારે લ્યુક વુડે અણનમ 9 રન બનાવ્યા હતા. દિલ્હી તરફથી રશિખ ડેર અને મુકેશ કુમારને ત્રણ-ત્રણ સફળતા મળી હતી. 

પાવરપ્લેમાં જેક ફ્રેઝર-મેકગર્કનું વાવાઝોડું
ઓસ્ટ્રેલિયાના 22 વર્ષીય ફ્રેઝર-મેકગર્કે આઈપીએલમાં ધમાલ મચાવી છે. મેકગર્કે પોતાની વિસ્ફોટક બેટિંગથી લોકોને પોતાના દીવાના બનાવી લીધા છે. મુંબઈ ઈન્ડિયન્સ સામે પણ પ્રથમ ઓવરથી મેકગર્કે આક્રમક શરૂઆત કરી હતી. મેકગર્કે આઈપીએલ-2024માં બીજીવાર 15 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. મેકગર્ક 27 બોલમાં 11 ચોગ્ગા અને 6 સિક્સ સાથે 84 રન બનાવી આઉટ થયો હતો. 

સારી શરૂઆતનો ઉઠાવ્યો ફાયદો
મેકગર્કની આક્રમક શરૂઆતનો ફાયદો દિલ્હી કેપિટલ્સના અન્ય બેટરોએ પણ ઉઠાવ્યો હતો. અભિષેક પોરેલ 27 બોલમાં 36 રન બનાવી આઉટ થયો હતો. શાઈ હોપએ 17 બોલમાં 5 સિક્સ સાથે 41 રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ રિષભ પંતે 19 બોલમાં બે ચોગ્ગા અને બે સિક્સ સાથે 29 રન બનાવ્યા હતા. 

ટ્રિસ્ટન સ્ટબ્સ 25 બોલમાં 6 ચોગ્ગા અને બે સિક્સ સાથે 48 રન બનાવી અણનમ રહ્યો હતો. જ્યારે અક્ષર પટેલ 11 રન બનાવી નોટઆઉટ રહ્યો હતો. મુંબઈ તરફથી લ્યુક વુડ, જસપ્રીત બુમરાહ, પીયુષ ચાવલા અને મોહમ્મદ નબીને એક-એક વિકેટ મળી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news