LSG vs KKR: રિંકૂની અવિશ્વસનીય ઈનિંગ પાણીમાં, કોલકત્તાને 1 રને હરાવી લખનઉ પ્લેઓફમાં
IPL 2023: લખનઉ સુપર જાયન્ટ્સે સતત બીજા વર્ષે આઈપીએલ પ્લેઓફમાં એન્ટ્રી કરી લીધી છે. ગુજરાત ટાઈટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ બાદ લખનઉ પ્લેઓફમાં પહોંચનારી ત્રીજી ટીમ બની ગઈ છે.
Trending Photos
કોલકત્તાઃ લખનઉ સુપર જાયન્ટ્સે રોમાંચક મેચમાં કોલકત્તા નાઇટ રાઇડર્સને 1 રને પરાજય આપી પ્લેઓફમાં એન્ટ્રી કરી લીધી છે. કોલકત્તાને છેલ્લી ઓવરમાં જીત માટે 21 રનની જરૂર હતી. પરંતુ ટીમ 19 રન બનાવી શકી હતી. પ્રથમ બેટિંગ કરતા લખનઉએ 20 ઓવરમાં 176 રન બનાવ્યા હતા. જેના જવાબમાં કોલકત્તાની ટીમ 20 ઓવરમાં 7 વિકેટે 175 રન બનાવી શકી હતી. આ જીત સાથે લખનઉએ 17 પોઈન્ટ સાથે પ્લેઓફમાં એન્ટ્રી કરી લીધી છે.
પ્લેઓફમાં ત્રણ ટીમ નક્કી
ગુજરાત ટાઈન્ટ્સ પ્લેઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની હતી. ત્યારબાદ આજે ચેન્નઈ સુપર કિંગ્સે દિલ્હીને હરાવી અંતિમ-4ની ટિકિટ મેળવી હતી. ત્યારબાદ ઇડન ગાર્ડનમાં કોલકત્તા નાઈટ રાઇડર્સને હરાવી લખનઉ સુપર જાયન્ટ્સે પણ પ્લેઓફમાં એન્ટ્રી કરી લીધી છે. હવે પ્લેઓફની ચોથી ટીમ આવતીકાલે રમાનારી અંતિમ લીગ મેચ બાદ નક્કી થશે.
રિંકૂની અદ્ભુત ઈનિંગ
લખનઉ સામે કોલકત્તા તરફથી રિંકૂ સિંહે છેલ્લા બોલ સુધી લડત આપતા અદ્ભુત ઈનિંગ રમી હતી. રિંકૂએ 33 બોલમાં 6 ચોગ્ગા અને 4 સિક્સ સાથે અણનમ 67 રન ફટકાર્યા હતા. આ સિવાય કોલકત્તા તરફથી જેસન રોયે 28 બોલમાં 7 ચોગ્ગા અને એક સિક્સ સાથે 45 રન બનાવ્યા હતા. વેંકટેશ અય્યરે 24 રનનું યોગદાન આપ્યું હતું. આ સિવાય કોલકત્તાના કોઈ બેટર મોટી ઈનિંગ રમી શક્યા નહીં.
લખનઉની ઈનિંગમાં પૂરનની અડધી સદી
પ્રથમ બેટિંગ કરતા લખનઉ સુપર જાયન્ટ્સે 20 ઓવરમાં 8 વિકેટે 176 રન ફટકાર્યા હતા. લખનઉ તરફથી નિકોલસ પૂરને 30 બોલમાં 4 ચોગ્ગા અને 5 છગ્ગા સાથે સૌથી વધુ 58 રન ફટકાર્યા હતા. આ સિવાય ડિ કોક 28 અને પ્રેરક માંકડ 26 રન બનાવી આઉટ થયા હતા. આયુષ ભદોનીએ 25 રનનું યોગદાન આપ્યું હતું.
ઓપનર કરણ શર્મા 3 રન બનાવી આઉટ થયો હતો. કેપ્ટન કૃણાલ પંડ્યા માત્ર 8 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. માર્કસ સ્ટોયનિસ શૂન્ય રને આઉટ થયો હતો. કોલકત્તા તરફથી વૈભવ અરોરા, શાર્દુલ ઠાકુર અને સુનીલ નારાયણે બે-બે વિકેટ ઝડપી હતી. આ સિવાય હર્ષિત રાણા અને વરૂણ ચક્રવર્તીને એક-એક સફળતા મળી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે