IPL 2020, SRHvsMI: રોહિતની સેના સામે વોર્નરની ટીમ ફ્લોપ, મુંબઈનો 34 રને વિજય


શારજાહના મેદાન પર દમદાર પ્રદર્શન કરતા મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલની 17મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદને 34 રને હરાવી ટૂર્નામેન્ટમાં ત્રીજી જીત મેળવી છે. 

IPL 2020, SRHvsMI: રોહિતની સેના સામે વોર્નરની ટીમ ફ્લોપ, મુંબઈનો 34 રને વિજય

શારજાહઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI)એ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ને 34 રને પરાજય આપીને ટૂર્નામેન્ટમાં ત્રીજી જીત મેળવી છે. તો હૈદરાબાદનો પાંચમી મેચમાં આ ત્રીજો પરાજય છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સે ડિ કોક (67)ની અડધી સદીની મદદથી 20 ઓવરમાં 5 વિકેટે 208 રન બનાવ્યા હતા. જેના જવાબમાં હૈદરાબાદની ટીમ 20 ઓવરમાં 7 વિકેટે 174 રન બનાવી શકી હતી. 

હૈદરાબાદની ઈનિંગનો રોમાંચ
મુંબઈએ આપેલા 209 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી મુંબઈને જોની બેયરસ્ટોએ સારી શરૂઆત અપાવી હતી. વોર્નર અને બેયરસ્ટોએ પ્રથમ વિકેટ માટે 34 રન જોડ્યા હતા. ઈનિંગની પાંચમી ઓવરમાં બેયરસ્ટો (25)ને બોલ્ટે આઉટ કરીને મુંબઈને પ્રથમ સફળતા અપાવી હતી. બેયરસ્ટોએ 15 બોલમાં બે ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. ત્યારબાદ વોર્નર અને મનીષ પાંડેએ 60 રનની ભાગીદારી કરી હતી. ટીમનો સ્કોર 94 રન હતો ત્યારે મનીષ પાંડે 19 બોલમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 30 રન બનાવી પેટિન્સનનો શિકાર બન્યો હતો. 

વોર્નરની અડધી સદી
મનીષ પાંડે આઉટ થયા બાદ કેન વિલિયમ્સન ક્રિઝ પર આવ્યો હતો. પરંતુ તે મોટી ઈનિંગ રમવામાં નિષ્ફળ રહ્યો હતો. કેનને 3 રનના સ્કોર પર ટ્રેન્ટ બોલ્ટે આઉટ કર્યો હતો. આ દરમિયાન ડેવિડ વોર્નરે પોતાની અડધી સદી પૂરી કરી હતી. વોર્નર 44 બોલમાં 5 ચોગ્ગા અને બે છગ્ગા સાથે 60 રન બનાવ્યા હતા. પ્રિયમ ગર્ગ 10 રન  બનાવી ક્રુણાલ પંડ્યાનો શિકાર બન્યો હતો. અબ્દુલ સમદ 9 બોલમાં 20 રન બનાવી બુમરાહની ઓવરમાં આઉટ થયો હતો. 

મુંબઈ તરફથી જેમ્સ પેટિન્સન, ટ્રેન્ટ બોલ્ટ અને જસપ્રીત બુમરાહે બે-બે વિકેટ ઝડપી હતી. તો ક્રુણાલ પંડ્યાને એક સફળતા મળી હતી. 

ડિ કોકની ટૂર્નામેન્ટમાં પ્રથમ અડધી સદી
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સને પ્રથમ ઓવરમાં મોટો ઝટકો લાગ્યો હતો. ટીમનો કેપ્ટન રોહિત શર્મા (6) રન બનાવી સંદીપ શર્માનો શિકાર બન્યો હતો. ત્યારબાદ આ સીઝનમાં અત્યાર સુધી ફ્લોપ રહેનાર ડિ કોકે અડધી સદી ફટકારી હતી. ડિ કોકે 39 બોલમાં 4 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે 67 રન બનાવ્યા હતા. તે રાશિદ ખાનનો શિકાર બન્યો હતો. 

મુંબઈને બીજો ઝટકો 48 રનના સ્કોર પર સૂર્યકુમાર યાદવના રૂપમાં લાગ્યો હતો. યાદવ (27) સિદ્ધાર્થ કૌલનો શિકાર બન્યો હતો. તેણે 18 બોલમાં છ ચોગ્ગા ફટકાર્યા હતા. ઈશાન કિશને 23 બોલમાં 2 છગ્ગા અને એક ચોગ્ગા સાથે 31 રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યા 19 બોલમાં 2 ચોગ્ગા અને બે છગ્ગા સાથે 28 રન બનાવી આઉટ થયો હતો. 

પોલાર્ડે ફરી આક્રમક બેટિંગ કરતા 13 બોલમાં 3 છગ્ગા સાથે અણનમ 25 રન બનાવ્યા હતા. તો ક્રુણાલ પંડ્યાએ ઈનિંગની 20મી ઓવરના ચાર બોલમાં બે ચોગ્ગા અને બે છગ્ગા ફટકારી મુંબઈનો સ્કોર 200ને પાર પહોંચાડી દીધો હતો. હૈદરાબાદ તરફથી સંદીપ શર્માએ 4 ઓવરમાં 41 રન આપીને બે તથા સિદ્ધાર્થ કૌલે 4 ઓવરમાં 64 રન આપીને બે વિકેટ ઝડપી હતી. આ સિવાય રાશિદ ખાનને 1 સફળતા મળી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news