RCBvsRR: કોહલી અને પડીક્કલની ધમાકેદાર ઈનિંગ, બેંગલોરે રાજસ્થાનને 8 વિકેટથી હરાવ્યું
રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB)એ રાજસ્થાન રોયલ્સ (RR)ને 8 વિકેટથી પરાજય આપી પોતાની ત્રીજી જીત મેળવી છે. રોયલ્સની આ જીતમાં તેના ફિરકી બોલર યુજવેન્દ્ર ચહલની પણ મહત્વની ભૂમિકા રહી, જેણે ત્રણ વિકેટ ઝડપી હતી.
Trending Photos
અબુધાબીઃ યુવા બેટ્સમેન દેવદત્ત પડીક્કલ (63) અને કેપ્ટન વિરાટ કોહલી અણનમ (72)ની અડધી સદીની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB)એ રાજસ્થાન રોયલ્સ (RR)ને 8 વિકેટથી પરાજય આપી પોતાની ત્રીજી જીત મેળવી છે. રોયલ્સની આ જીતમાં તેના ફિરકી બોલર યુજવેન્દ્ર ચહલની પણ મહત્વની ભૂમિકા રહી, જેણે ત્રણ વિકેટ ઝડપી હતી. રોયલ્સની ટીમે અહીં બેંગલોરને 155 રનનો પડકાર આપ્યો, જે તેણે આસાનીથી પાર કરી લીધો હતો.
155 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી રોયલ ચેલેન્જર્સ શરૂઆતમાં પોઝિટિવ માઇન્ટસેટ સાથે રમી. એરોન ફિન્ચ (8)ના રૂપમાં ભલે પોતાની પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ ત્યારબાદ યુવા બેટ્સમેન દેવદત્ત પડીક્કલ અને કેપ્ટન વિરાટ કોહલીએ રાજસ્થાનના બોલરોને દમદાર સામનો કર્યો હતો. બંન્ને બેટ્સમેન આરામથી બેટિંગ કરતા જોવા મળી રહ્યાં હતા અને જરૂર પડે ત્યારે બાઉન્ડ્રી ફટકારી રહ્યાં હતા. પાવરપ્લેમાં આરસીબીએ 50 રન પૂરા કર્યાં હતા.
34 બોલમાં પડીક્કલની અડધી સદી
દેવદત્ત પડીક્કલે એકવાર ફરી દેખાડ્યું કે તેને આખરે પાર્થિવના સ્થાને ટીમમાં કેમ સ્થાન આપવામાં આવ્યું છે. પોતાની ચોથી મેચ રમી રહેલા પડીક્કલે ત્રીજી અડધી સદી ફટકારી હતી. 36 બોલમાં પોતાના 50 રન પૂરા કરનાર પડીક્કલે 5 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો.
કેપ્ટન વિરાટ કોહલી 53 બોલમાં 7 ચોગ્ગા અને બે છગ્ગા સાથે 72 રન બનાવી અણનમ રહ્યો હતો.
રાજસ્થાનની ઈનિંગનો રોમાંચ
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા જોસ બટલર અને સ્ટીવ સ્મિથે રાજસ્થાન રોયલ્સને સારી શરૂઆત આપવાનો પ્રયાસ કર્યો, પરંતુ સ્મિથ 5 રન બનાવી ઇસુરૂ ઉડાનાની ઓવરમાં બોલ્ડ થયો હતો. થોડા સમય બાદ નવદીપ સૈનીએ જોસ બટલરને પણ આઉટ કર્યો હતો. બટલર 12 બોલમાં 22 રન બનાવી આઉટ થયો હતો. ત્રીજો ઝટકો રાજસ્થાનને સંજૂ સેમસનના રૂપમાં લાગ્યો, જે ચાર રન બનાવી ચહલનો શિકાર બન્યો હતો.
રાજસ્થાનને ચોથો ઝટકો રોબિન ઉથપ્પાના રૂપમાં લાગ્યો જે 22 બોલમાં 12 રન બનાવી આઉટ થયો હતો. ચહલે તેને આઉટ કર્યો હતો. ટીમને પાંચમો ઝટકો રિયાન પરાગના રૂપમાં લાગ્યો, જે 16 રન બનાવી ઉડાનાનો શિકાર બન્યો હતો. આરસીબીએ પોતાનો છઠ્ઠો શિકાર મહિપાલ લોમરોરને બનાવ્યો જે 47 રન બનાવી ચહલની ઓવરમાં આઉટ થયો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે