IPL 2019: અલઝારી જોસેફની 6 વિકેટ, લો-સ્કોરિંગ મેચમાં મુંબઈનો 40 રને વિજય
આઈપીએલમાં પોતાનો પ્રથમ મેચ રમી રહેલા અલઝારી જોસેફે શાનદાર બોલિંગ કરતા 6 વિકેટ ઝડપી હતી. જેથી સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ માત્ર 96 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી.
Trending Photos
હૈદરાબાદઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ-12ની 19મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે સનરાઇઝર્સ હૈદરાબાદને તેના ઘરમાં 40 રને પરાજય આપીને આ સિઝનમાં પોતાનો ત્રીજો વિજય મેળવ્યો છે. રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં રમાયેલા મેચમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 136 રન બનાવ્યા હતા. જેના જવાબમાં હૈદરાબાદની ટીમ 17.4 ઓવરમાં 96 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. આ મેચમાં આઈપીએલમાં પર્દાપણ કરી રહેલા વેસ્ટ ઈન્ડિઝના ફાસ્ટ બોલર અલઝારી જોસેફે શાનદાર બોલિંગ કરતા 3.4 ઓવરમાં 12 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. આ આઈપીએલના ઈતિહાસમાં સૌથી શ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન છે.
સૌથી પહેલા બેયરસ્ટો આઉટ થયો હતો. તેણે 10 બોલ પર 16 રન બનાવ્યા હતા. રાહુલ ચહરના બોલ પર પોઈન્ટ પર જસપ્રીત બુમરાહે કેચ આઉટ કર્યો હતો. ત્યારબાદ વોર્નર 13 બોલ પર 15 રન બનાવીને આઉટ થયો હતો. અલઝારી જોસેફના બોલ પર વોર્નર બોલ્ડ થયો હતો. વિજય શંકર 10 બોલમાં 5 રન બનાવી જોસેફનો શિકાર બન્યો હતો.
મનીષ પાંડે 21 બોલમાં 16 રન બનાવી જેસન બેહરેનડોર્ફનો શિકાર બન્યો હતો. મિડવિકેટ પર રોહિત શર્માએ આ કેચ ઝડપ્યો હતો. તેના સ્થાને બેટિંગ કરવા આવેલ યૂસુફ પઠાણ ખાતું ખોલાવ્યા વિના રાહુલ ચહરનો શિકાર બન્યો હતો. ઈનિંગની 16મી ઓવરમાં જોસેફે દીપક હુડ્ડા (20)ને બોલ્ડ કરીને હૈદરાબાદને છઠ્ઠો ઝટકો આપ્યો હતો. ત્યારબાદ રાશિદ ખાન (0) રન પર જોસેફનો શિકાર બન્યો હતો. મોહમ્મદ નબી (11)ને જસપ્રીત બુમરાહે કેચ આઉટ કરાવીને હૈદરાબાદની જીતની આશા પર પાણી ફેરવી દીધું હતું. ત્યારબાદ અલઝારી જોસેફે ભુવનેશ્વર કુમાર (2) અને સિદ્ધાર્થ કૌલ (0)ને આઉટ કરીને હૈદરાબાદને ઓલ આઉટ કરી દીધું હતું.
દરેક મેચમાં લેગ સ્પિરના બોલ પર આઉટ થયો બેયરસ્ટો
આ આઈપીએલમાં બેયરસ્ટોનો આ 5મોમેચ છે. તે દરેક વખતે સ્પિનરનો શિકાર બન્યો છે. દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ તેને રાહુલ તેવતિયાએ આઉટ કર્યો હતો. રોયલ ચેલેન્જર્સ બેંગલોર વિરુદ્ધ ચહલનો શિકાર બન્યો હતો રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ શ્રેયસ ગોપાલે તેને પેવેલિયન પરત મોકલ્યો હતો. કોલકત્તા નાઇટરાઇડર્સ વિરુદ્ધ પીયૂષ ચાવલાએ તેનો શિકાર બનાવ્યો હતો. આ મેચમાં રાહુલ ચહરે તેની વિકેટ ઝડપી હતી.
મુંબઈ ઈન્ડિયન્સની ઈનિંગ
સનરાઇઝર્સ હૈદરાબાદના બોલરોએ શાનદાર પ્રદર્શન કરતા મુંબઈ ઈન્ડિયન્સને 20 ઓવરોમાં સાત વિકેટના નુકસાન પર 136 રનો પર રોકી દીધું હતું. મુંબઈ ઈન્ડિયન્સ માટે કીરોન પોલાર્ડે સૌથી વધુ 46 રન નબાવ્યા હતા. પોલાર્ડે આ માટે 26 બોલનો સામનો કરતા 2 ફોર અને 4 સિક્સ ફટકારી હતી. પોલાર્ડ સિવાય ડિ કોકે 19 રનનું યોગદાન આપ્યું હતું.
મુંબઈ ઈન્ડિયન્સની શરૂઆત ખરાબ રહી અને ચોથી ઓવરમાં કેપ્ટન રોહિત શર્માને મોહમ્મદ નબીએ દીપક હુડ્ડાના હાથે કેચઆઉટ કરાવીને હૈદરાબાદને પ્રથમ સફળતા અપાવી હતી. રોહિત 11 રન બનનાવી આઉટ થયો હતો. ત્યારબાદ પાંચમી ઓવરમાં સૂર્યકુમાર યાદવને સંદીપ શર્માએ LBW કરીને મુંબઈને બીજો ઝટકો આપ્યો હતો. સૂર્યકુમાર યાદવ 7 રન બનાવી આઉટ થયો હતો.
9મી ઓવરમાં સિદ્ધાર્થ કૌલે ડિ કોકને દીપક હુડ્ડાના હાથે કેચ આઉટ કરાવીને મુંબઈને ત્રીજો ઝટકો આપ્યો હતો. ડિ કોકે 19 રન બનાવ્યા હતા. 12મી ઓવરમાં સિદ્ધાર્થ કૌલે ક્રુણાલ પંડ્યાને વિકેટની પાછળ જોની બેયરસ્ટોના હાથે કેચ આઉટ કરાવીને મુંબઈને ચોથા ઝટકો આપ્યો હતો. ક્રુણાલ પંડ્યા 6 રન બનાવી આઉટ થયો હતો. 13મી ઓવરમાં વિજય શંકરના થ્રો પર જોની બેયરસ્ટોએ ઈશાન કિશાનને આઉટ કરી દીધો હતો.
ઈશાન કિશન 17 રન બનાવી આઉટ થયો હતો. 17મી ઓવરમાં રાશિદ ખાને હાર્દિક પંડ્યાને વિજય શંકરના હાથે કેચ આઉટ કરાવીને હૈદરાબાદને છઠ્ઠો ઝટકો આપ્યો હતો. 18મી ઓવરમાં ભુવનેશ્વર કુમારે રાહુલ ચહરને કેચ આઉટ કરાવીને મુંબઈને સાતમો ઝટકો આપ્યો હતો.
મુંબઈનું આ સ્કોર સુધી પહોંચવાનું પણ મુશ્કેલ લાગી રહ્યું હતું પરંતુ કીરોન પોલાર્ડે અંતમાં 26 બોલ પર અણનમ 46 રન બનાવીને ટીમને અહીં સુધી પહોંચાડવામાં મદદ કરી હતી.
હૈદરાબાદ તરફથી સિદ્ધાર્થ કૌલે 34 રન આપીને બે વિકેટ ઝડપી હતી. આ સિવાય ભુવનેશ્વર કુમાર, સંદીપ શર્મા, મોહમ્મદ નબી અને રાશિદ ખાને એક-એક સફળતા મળી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે