IPL 2019, CSKvsRCB: ચેન્નઈએ ઉદઘાટન મેચમાં બેંગલોરને સાત વિકેટે આપ્યો પરાજય

આઈપીએલની 12મી સિઝનનો પ્રારંભ થઈ ગયો છે. મહેન્દ્ર સિંહ ધોનીની ચેન્નઈ સુપર કિંગ્સે વિરાટ કોહલીની બેંગલુરૂને હરાવીને ટૂર્નામેન્ટમાં વિજય સાથે પ્રારંભ કર્યો છે. 
 

IPL 2019, CSKvsRCB: ચેન્નઈએ ઉદઘાટન મેચમાં બેંગલોરને સાત વિકેટે આપ્યો પરાજય

ચેન્નઈઃ મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાનીવાળી ચેન્નઈ સુપરકિંગ્સે આઈપીએલના ઉદ્ઘાટન મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરને 7 વિકેટે પરાજય આપીને પોતાના અભિયાનનો પ્રારંભ કર્યો છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા બેંગલુરૂની ટીમ 17.1 ઓવરમાં માત્ર 70 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં ચેન્નઈએ  17.4 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને આ લક્ષ્ય હાસિલ કરી લીધો હતો. આ સાથે ચેન્નઈએ પ્રથમ મેચમાં વિજય સાથે ટૂર્નામેન્ટનો પ્રારંભ કર્યો છે. 

બેંગલુરૂએ આપેલા 71 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ચેન્નઈ સુપર કિંગ્સની શરૂઆત ખરાબ રહી હતી. ઈનિંગની ત્રીજી ઓવરમાં શેન વોટસન (0)ને ચહલે બોલ્ડ કર્યો હતો. વોટસન 10 બોલ રમીને ખાતુ ખોલાવ્યા વિના આઉટ થયો હતો. ત્યારબાદ અંબાતી રાયડૂ અને સુરેશ રૈના (19)એ બીજી વિકેટ માટે 32 રન જોડ્યા હતા. રૈના 21 બોલમાં 3 બાઉન્ડ્રી ફટકારીને મોઇન અલીનો શિકાર બન્યો હતો. આ દરમિયાન રૈનાએ આઈપીએલમાં પોતાના 5000 રન પણ પૂરા કર્યા હતા. આઈપીએલમાં પાંચ હજાર રન પૂરા કરનારો પ્રથમ બેટ્સમેન છે. ચેન્નઈએ 59 રનના સ્કોર પર ત્રીજી વિકેટ ગુમાવી હતી. અંબાતી રાયડૂ (28)ને મોહમ્મદ સિરાજે બોલ્ડ કર્યો હતો. રાયડૂએ 42 બોલમાં 2 ચોગ્ગા અને 1 સિક્સ ફટકારી હતી. અંતે કેદાર જાધવ (13) અને જાડેજા (6) રન બનાવી અણનમ રહ્યાં હતા. 

બેંગલુરૂની ઈનિંગ
રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ તરફથી સૌથી વધુ રન પાર્થિવ પટેલે બનાવ્યા હતા. તેણે 35 બોલ પર 29 રનની ઈનિંગ રમી હતી. કેપ્ટન કોહલીની સાથે ઓપનિંગ કરવા આવેલ પાર્થિવ આઉટ થનારો છેલ્લો બેટ્સમેન હતો. આ સિવાય બેંગલુરૂનો કોઈપણ બેટ્સમેન બે આંકડાની રનસંખ્યામાં પણ પહોંચવાથી દૂર રહ્યાં હતા. 

મોઇન અલી અને એબી ડિલિયર્સે 9-9 રન બનાવ્યા હતા. વિરાટ કોહલી છ અને કોલિન ડી ગ્રાન્ડહોમ તથા યુજવેન્દ્ર ચહલે ચાર-ચાર રન બનાવ્યા હતા. શિવમ દુબે અને નવદીપ સૈની માત્ર 2-2 રન બનાવી શક્યા હતા. શિમરોન હિટમાયર અને સિરાજ શૂન્ય પર આઉટ થયા હતા. 

ચેન્નઈ સુપરકિંગ્સ તરફથી સૌથી વધુ ત્રણ-ત્રણ વિકેટ ઓફ સ્પિનર હરભજન સિંહ અને લેગ સ્પિનર ઇમરાન તાહિરે ઝડપી હતી. રવીન્દ્ર જાડેજાએ બે તથા ડ્વેન બ્રાવોએ એક વિકેટ ઝડપી હતી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news