INDvsENG: નોટિંઘમ ટેસ્ટમાં ભારતના વિજય સાથે શ્રેણી જીવંત, ઈંગ્લેન્ડને 203 રને હરાવ્યું

નોટિંઘમ ટેસ્ટમાં ભારતે ઈંગ્લેન્ડને 203 રને હરાવીને શ્રેણીમાં વાપસી કરી છે. 

 INDvsENG: નોટિંઘમ ટેસ્ટમાં ભારતના વિજય સાથે શ્રેણી જીવંત, ઈંગ્લેન્ડને 203 રને હરાવ્યું

નોટિંઘમઃ સતત બે ટેસ્ટમાં પરાજય બાદ ભારતે અહીં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડને 203 રને મોટા અંતરથી હરાવીને શ્રેણી જીવંત રાખી છે. ચોથા દિવસે રમત પુરી થઈ ત્યારે ભારત જીતથી એક વિકેટ દૂર હતું. ત્યારે પાંચમાં દિવસે માત્ર મેચની ઔપચારિકતા પૂરી કરવા મેદાને ઉતરેલી ભારતીય ટીમે અંતિમ દિવસે ત્રીજી જ ઓવરમાં અશ્વિને એન્ડરસનને આઉટ કરીને ભારતને જીત અપાવી હતી. આ સાથે ભારતીય ટીમ હવે શ્રેણીમાં 1-2થી પાછળ છે. ઈંગ્લેન્ડ તરફથી રાશિદ 33 રન બનાવી અણનમ રહ્યો હતો. ઈંગ્લેન્ડની ટીમ બીજી ઈનિંગમાં 317 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી બુમરાહે 5, ઈશાંત શર્માએ 1 તથા શમી, અશ્વિન અને હાર્દિકે એક-એક વિકેટ ઝડપી હતી. 

ભારતે આપ્યો હતો 521 રનનો ટાર્ગેટ
ભારતીય ટીમે ત્રીજી દિવસે ટી બ્રેક બાદ 7 વિકેટ ગુમાવીને 352 રને દાવ ડિક્લેર કર્યો હતો અને ઈંગ્લેન્ડ પર 520 રનની વિશાળ લીડ મેળવી લીધી હતી. ઈંગ્લેન્ડે રમતના અંત સુધીમાં વિના વિકેટે 23 રન બનાવ્યા હતા. ચોથા દિવસે 23ના સ્કોર સાથે રમવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમની શરૂઆત સારી રહી નહીં અને ટીમના 27ના સ્કોરે તેણે ઓપનર કેટન જેનિંગ્સની પ્રથમ વિકેટ ગુમાવી. ત્યાર બાદ ટીમના 32ના સ્કોરે એલિસ્ટર કૂક પણ આઉટ થઈ ગયો. ઈંગ્લેન્ડને ટીમના 62ના સ્કોરે એકસાથે બે ઝટકા લાગ્યા. કેપ્ટન જો રૂટ અંગત 13 રને બુમરાહના બોલ પર રાહુલના હાથે કેચ આઉટ થયો, તેના તરત બાદ ઓલી પોપ પણ શમીના બોલે કોહલીને કેચ આપી બેઠો. 

ત્યાર બાદ રમવા આવેલા જોસ બટલર અને બેન સ્ટોક્સે બાજી સંભાળી લીધી અને ટીમના સ્કોરને વધુ મજબુત કરવાનો પ્રયાસ કર્યો. ટીમના 231ના સ્કોર ઈંગ્લેન્ડને ફરીથી એકસાથે બે ઝટકા મળ્યા. જોસ બટલર 106 રન બનાવીને બુમરાહના બોલ પર એલબીડબલ્યુ આઉટ થયો. ત્યાર બાદ જોની બેરસ્ટોને શૂન્ય રને બુમરાહે બોલ્ડ કરી દીધો હતો. 

ઈંગ્લેન્ડની ટીમ તેના સ્કોરમાં હજુ 10 રન જ ઉમેરી શકી હતી કે 241ના સ્કોર પર ક્રીસ વોક્સ પણ અંગત 4 રને આઉટ થઈ ગયો. તેની પાછળ ને પાછળ બેન સ્ટોક્સ પણ અંગત 62ના સ્કોરે હાર્દિકના બોલ પર રાહુલને કેચ આપી બેઠો. ત્યાર બાદ ઈંગ્લેન્ડના 291ના સ્કોરે સ્ટુઅર્ટ બ્રોડની 9મી વિકેટ પડી. રમતના અંતે આદિલ રશિદ (30) અને એન્ડરસન (8) રને ક્રીઝ પર હતા.

બીજી ઈનિંગ્સમાં ભારતનો જસપ્રીત બુમરાહ સૌથી સફળ બોલર રહ્યો હતો. તેણે 29 ઓવરમાં 85 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. ઈશાંત શર્માએ 2, જ્યારે શમી અને હાર્દિકે 1-1 વિકેટ લીધી હતી. પ્રથમ ઈનિંગ્સમાં હાર્દિક પંડ્યાએ ઈંગ્લેન્ડની 5 વિકેટ ઝડપી હતી. 
 
ભારતે કર્યો પ્રથમ દાવમાં 329 રનનો સ્કોર 
ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટમાં ભારતની ટીમે 94.5 ઓવરમાં 329 રન બનાવીને 10 વિકેટ ગુમાવી ઓલઆઉટ થઇ ગયું છે, પ્રથમ દિવસના અંતે 307 રન બનાવી 6 વિકેટ પડી હતી. જ્યારે બીજા દિવસની શરૂઆતમાં જ ભારતનો ધબડકો થયો હતો. ભારત બેસ્ટમેન ઈંગ્લેન્ડના બોલરો સામે ધ્વસ્ત થયા હતા. જેમાં રિષભ પંત 51 બોલમાં 24 રન કરી બ્રોર્ડના બોલ પર આઉટ થતા ભારતની સાતમી વિકેટ પડી હતી. ત્યાર બાદ બ્રોર્ડના જ બોલ પર અશ્વિન 17 બોલમાં 14 રન કરીને આઉટ થયો હતો, શમી માત્ર 3 જ્યારે બુમરાહ શૂન્ય પર આઉટ થતા અંતે ભારત 329 રન બનાવી ઓલઆઉટ થયું હતું.

ઈંગ્લેન્ડ 161માં ઓલઆઉટ 
પ્રથમ ઈનિંગ્સમાં ભારત દ્વારા આપવામાં આવેલા 329ના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમ ભારતીય બોલરો સામે ઘુંટણીયે પડી ગઈ હતી. પ્રથમ બે ટેસ્ટમાં ભારતને પરાજયનો સ્વાદ ચખાડનારા ઈંગ્લેન્ડના બેટ્સમેન ત્રીજી ટેસ્ટમાં ભારતીય બોલરોનો સામનો કરવામાં થાપ ખાઈ ગયા હતા. ઈંગ્લેન્ડ તરફથી એક માત્ર જોસ બટલરે સૌથી વધુ 39 રન બનાવ્યા હતા. જ્યારે ઓપનિંગમાં આવેલા એલિસ્ટર કૂકે 29 અને જેનિંગ્સે 20 રન બનાવ્યા હતા. આ સિવાય એક પણ બેટ્સમેન 20થી વધુનો સ્કોર બનાવી શક્યા ન હતા. ઈંગ્લેન્ડની સમગ્ર ટીમ 38.2 ઓવરમાં 161 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના કારણે ભારતને 168 રનની લીડ મળી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news