લૉડરહિલ ટી-20: સિરીઝ પર કબજો કરવાના ઈરાદાથી ઉતરશે ભારતીય ટીમ
ભારતીય ટીમે સિરીઝની પ્રથમ મેચ જીતીને લીડ મેળવી લીધી છે. જો ભારત રવિવારના મુકાબલામાં જીત હાસિલ કરી લે તો તે ત્રણ ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં સિરીઝમાં અજેય સરસાઈ મેળવી લેશે.
Trending Photos
લૉડરહિલ (ફ્લોરિડા): પ્રથમ ટી20 મેચમાં ચાર વિકેટથી રોમાંચક જીત મેળવનારી ભારતીય ક્રિકેટ ટીમ રવિવારે અહીં સેન્ટ્રલ બ્રોવાર્ડ રીજનલ પાર્ક સ્ટેડિયમમાં બીજી ટી-20 મેચમાં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ સિરીઝ જીતવાના ઈરાદાથી ઉતરશે. ત્રણ મેચોની ટી-20 સિરીઝમાં ભારતીય ટીમ 1-0થી આગળ ચાવી રહી છે. શનિવારે બંન્ને ટીમો વચ્ચે અહીં સિરીઝની પ્રથમ મેચ રમાઇ હતી.
ભારતીય ટીમ જો બીજી મુકાબલો જીતે તો વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ વિદેશમાં આઠ વર્ષ બાદ સિરીઝ જીતવાનું ગૌરવ હાસિલ કરશે. છેલ્લે 2011મા વેસ્ટ ઈન્ડિઝમાં ભારત 1-0થી સિરીઝ જીત્યું હતું. બંન્ને ટીમો વચ્ચે અત્યાર સુધી કુલ 12 ટી20 મેચ રમાઇ છે. તેમાંથી ભારતનો 6 મેચમાં તો વિન્ડીઝે પાંચ મેચમાં વિજય મેળવ્યો છે. એક મેચનું પરિણામ આવ્યું નથી.
પ્રથમ ટી-20મા ત્રણ વિકેટ ઝડપનાર બોલર નવદીપ સૈની પર બધાની નજર હશે. પોતાની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચમાં સૈનીએ ચાર ઓવરમાં માત્ર 17 રન આપીને ત્રણ વિકેટ લીધી અને યજમાન ટીમના મિડલ ઓર્ડરની કમર તોડી દીધી હતી.
સૈની સિવાય અનુભવી ભુવનેશ્વર કુમાર સહિત અન્ય બોલરોનું પ્રદર્શન પણ દમદાર રહ્યું હતું. કેપ્ટન વિરાટ કોહલી માટે સૌથી મોટી ચિંતા તેની બેટિંગ છે. ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્માને છોડીને તમામ બેટ્સમેન યજમાન ટીમની બોલિંગની સામે પરેશાન જોવા મળ્યા હતા. રોહિતે પ્રથમ મેચમાં 24 રન બનાવ્યા હતા અને તેની પાસે બીજી ટી-20મા ક્રિસ ગેલનો રેકોર્ડ તોડવાની તક છે.
શર્મા ટી-20 આંતરરાસ્ટ્રીય મેચમાં અત્યાર સુધી 104 છગ્ગા ફટકારી ચુક્યો છે. આ ફોર્મેટમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો કીર્તિમાન ગેલના નામે છે. શર્મા જો બીજી મેચમાં વધુ બે છગ્ગા ફટકારે તો તે વેસ્ટ ઈન્ડિઝના આ બેટ્સમેનનો રેકોર્ડ તોડી દેશે.
કોહલી માટે નંબર-4 આ ટી20 સિરીઝમાં પણ સમસ્યા છે. રિષભ પંત શૂન્ય પર આઉટ થયો હતો. તેથી કેપ્ટન ઈચ્છશે કે તે જવાબદારી સાથે બેટિંગ કરે.
બીજીતરફ યજમાન ટીમની મુશ્કેલી પણ તેની બેટિંગ છે. નિકોલસ પૂરન અને કાયરન પોલાર્ડને છોડીને પ્રથમ મેચમાં કોઈપણ બેટ્સમેન બે આંકડાના સ્કોર સુધી પહોંચી શક્યો નથી. ટીમને ક્રિસ ગેલની ખોટ પડી રહી છે.
ટીમ
ભારતઃ વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), શિખર ધવન, લોકેશ રાહુલ, શ્રેયસ અય્યર, મનીષ પાંડે, રિષભ પંત, ક્રુણાલ પંડ્યા, રવીન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, રાહુલ ચહર, ભુવનેશ્વર કુમાર, ખલીલ અહમદ, દીપક ચહર, નવદીપ સૈની.
વેસ્ટ ઈન્ડિઃ જોન કૈમ્પબેલ, ઇવિન લુઈસ, શિમરોન હેટમાયર, નિકોલસ પૂરન, કીરોન પોલાર્ડ, રોવમૈન પોવેલ, કાર્લોસ બ્રેથવેટ, કીમો પોલ, સુનીલ નરેન, શેલ્ડન કોટરેલ, ઓશેન થોમસ, એંથની બ્રામ્બલે, જેસન મોહમ્મદ, ખારે પિયરે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે