India Vs South Africa: ભારતના આ ખેલાડીથી કેમ ડરે છે સાઉથ આફ્રિકા? જાણો આ સીરિઝમાં કોનું બેટ ચાલશે?

સામાન્ય રીતે દક્ષિણ આફ્રિકાની પીચ ઝડપી બોલરો માટે અનુકૂળ હોય છે અને ત્યાં કોઈપણ મહાન બેટ્સમેનનું પ્રદર્શન સામાન્ય રહ્યું છે. કોચ રાહુલ દ્રવિડની પણ બેટિંગ એવરેજ આ દેશમાં 40થી ઓછી રહી છે.

India Vs South Africa: ભારતના આ ખેલાડીથી કેમ ડરે છે સાઉથ આફ્રિકા? જાણો આ સીરિઝમાં કોનું બેટ ચાલશે?

નવી દિલ્લી: સામાન્ય રીતે દક્ષિણ આફ્રિકાની પીચ ઝડપી બોલરો માટે અનુકૂળ હોય છે અને ત્યાં કોઈપણ મહાન બેટ્સમેનનું પ્રદર્શન સામાન્ય રહ્યું છે. કોચ રાહુલ દ્રવિડની પણ બેટિંગ એવરેજ આ દેશમાં 40થી ઓછી રહી છે. ભારતીય ટીમ ગુરુવારે દક્ષિણ આફ્રિકા માટે રવાના થઈ. ટીમ ઈન્ડિયા આ દેશમાં પોતાની પહેલી સિરીઝ જીતના ઈંતઝારમાં છે. અત્યાર સુધી રમાયેલી 20 ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ અહીંયા માત્ર 3 મેચ જ પોતાના નામે કરી શકી છે. જ્યારે 10માં હારનો સામનો કરવો પડ્યો છે. ટીમ ઈન્ડિયાને દક્ષિણ આફ્રિકામાં પહેલી ટેસ્ટ જીત 2006માં રાહુલ દ્રવિડની કેપ્ટનશીપમાં જ મળી હતી. તેના પછી 2010 અને 2018માં ભારતીય ટીમને ટેસ્ટમાં તો જીત મળી. પરંતુ સિરીઝ જીતથી દૂર રહી.

કેવી છે દક્ષિણ આફ્રિકાની પીચ:
સામાન્ય રીતે દક્ષિણ આફ્રિકાની પીચ ઝડપી બોલરો માટે અનુકૂળ છે. અને ત્યાં કોઈ મહાન બેટ્સમેનનું પ્રદર્શન પણ સરેરાશ રહ્યું છે. કોચ રાહુલ દ્રવિડની પણ બેટિંગ એવરેજ આ દેશમાં 40થી ઓછી રહી છે. દ્રવિડે 22 ઈનિંગ્સમાં માત્ર 29.71ની એવરેજથી રન બનાવ્યા છે. તેના નામે માત્ર 1 સદી છે. આ સ્પષ્ટ દર્શાવે છે કે અહીંયાની વિકેટ પર રન બનાવવા એટલા સરળ નથી.

સિનિયર ખેલાડીઓનું ફોર્મ ચિંતાનો વિષય:
ભારતીય ટીમ પાસે શાનદાર બોલિંગ લાઈનઅપ છે. પરંતુ સિનિયર બેટ્સમેનો લયમાં ન હોવાના કારણે ચિંતામાં વધારો થયો છે. અજિંક્ય રહાણે, ચેતેશ્વર પૂજારા અને વિરાટ કોહલીના ફોર્મ પર સતત સવાલો ઉભા થઈ રહ્યા છે. રહાણે અને પૂજારાની જગ્યાને લઈને પણ અનેક સિનિયર ખેલાડીઓએ સવાલ ઉઠાવ્યા હતા. વીવીએસ લક્ષ્મણે મુંબઈ ટેસ્ટ દરમિયાન કહ્યું હતું કે ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકામાં શાનદાર પ્રદર્શન માટે કેટલાંક આકરા નિર્ણય લેવાં જ પડશે.

3 સિનિયર બેટ્સમેન ફોર્મમાં નથી:
ટીમ ઈન્ડિયાના ત્રણેય સિનિયર બેટ્સમેન ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે અને વિરાટ કોહલી  આ પહેલાં પણ દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ ક્રિકેટ રમી ચૂક્યા છે. આ ત્રણેય બેટ્સમેનોનું પ્રદર્શન પણ સારું રહ્યું છે. અને આ વખતે પણ આ ત્રણ બેટ્સમેનના બેટમાંથી કમાલની આશા રહેશે. જોકે હાલના ફોર્મ અને વિવાદ બંને વાચછી ટીમ ઈન્ડિયા સામે એક મોટો પડકાર ઉભો થઈ રહ્યો છે.

1. ચેતેશ્વર પૂજારા:
મધ્યમ ક્રમનો બેટ્સમેન ચેતેશ્વર પૂજારા દક્ષિણ આફ્રિકામાં 7 ટેસ્ટ મેચ રમી ચૂક્યો છે. પૂજારા આ 7 ટેસ્ટ મેચની 13 ઈનિંગ્સમાં 31.61ની એવરેજથી 411 રન બનાવી ચૂક્યો છે. જેમાં 1 સદી અને 1 અર્ધસદી છે. નંબર 3 પર બેટિંગ કરનારા પૂજારા માટે દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ ટીમમાં પોતાની જગ્યા જાળવી રાખવાનો પડકાર પણ લઈને આવ્યો છે. ચેતેશ્વર પૂજારાએ 2010, 2013 અને 2018માં આ દેશનો પ્રવાસ કર્યો હતો.

2. વિરાટ કોહલી:
ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ટીમ ઈન્ડિયાની સાથે 2013 અને 2018માં દક્ષિણ આફ્રિકાના પ્રવાસે ગયો હતો. વિરાટ કોહલીનો દક્ષિણ આફ્રિકામાં રેકોર્ડ ઘણો શાનદાર છે. 5 ટેસ્ટી 10 ઈનિંગ્માં વિરાટે 55.80ની એવરેજથી 558 રન બનાવ્યા છે. વિરાટના નામે 2 સદી છે. પોતાની 71મી સદીની શોધમાં ભટકી રહેલ વિરાટ પાસેથી આશા રહેશે કે તે આ પ્રવાસની શરૂઆત સદીની સાથે કરે. જોકે વિરાટને લઈને ચાલી રહેલા સમાચારની અસર તેની બેટિંગ પર જરૂર પડશે.

3. અજિંક્ય રહાણે:
હાલમાં જ બોર્ડે અજિંક્ય રહાણેને તેના ખરાબ પ્રદર્શનના કારણે વાઈસ કેપ્ટનશીપમાંથી દૂર કરવામાં આવ્યો છે. રહાણેએ 2018માં ભારતીય ટીમની સાથે દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ કર્યો હતો. મુશ્કેલ વિકેટ પર રહાણેએ શાનદાર બેટિંગ કરતાં ટીમ ઈન્ડિયાને ત્રીજી ટેસ્ટ જીતવામાં મદદ કરી હતી. રહાણેએ સાઉથ આફ્રિકામાં 3 ટેસ્ટ રમી છે. 3 ટેસ્ટની 6 ઈનિંગ્સમાં રહાણેએ 53.20ની એવરેજથી 266 રન બનાવ્યા છે. રહાણે માટે દક્ષિણ આફ્રિકામાં ફેલ થવું ઘણું ઘાતક બની શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news