IND Vs ENG: ઈતિહાસ રચવા મેદાનમાં ઉતરશે ટીમ ઈન્ડિયા, જાણો કયા-કયા રેકોર્ડ બનશે?
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અત્યાર સુધી રમાયેલી 3 ટેસ્ટ મેચમાં ભારત 2-1થી આગળ છે. પહેલી ટેસ્ટમાં ભારતનો પરાજય થયો હતો. પરંતુ તેના પછીની બંને ટેસ્ટમાં ભારતે જીત મેળવીને ઈંગ્લેન્ડ સામે સરસાઈ મેળવી લીધી. હવે જો ચોથી અંતિમ ટેસ્ટ મેચ ભારત જીતશે અથવા ડ્રો કરશે તો ભારત એક રેકોર્ડ બનાવી દેશે.
Trending Photos
અમદાવાદ: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચોથી અને અંતિમ મેચ રમાશે. ચાર ટેસ્ટ મેચની અત્યાર સુધી રમાયેલી ત્રણ મેચમાં ભારત હાલ 2-1થી આગળ છે. ઘરઆંગણે ભારત અત્યાર સુધી સતત 12 ટેસ્ટ સિરીઝ જીતી ચૂક્યું છે. ત્યારે ભારતીય ટીમ ઘરઆંગણે સતત 13મી સિરીઝ ફતેહ કરવાના ઈરાદાથી મેદાનમાં ઉતારશે.
ભારત 2013થી ઘરઆંગણે અજેય:
ભારત 2013 પછી ઘરમાં કોઈ ટેસ્ટ સિરીઝ હાર્યુ નથી. છેલ્લે 2012માં ભારતને ઘરઆંગણે ટેસ્ટ સિરીઝમાં ઈંગ્લેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. તેના પછી ભારતીય ટીમનો ઘરઆંગણે વિજયી રથ સતત ચાલુ છે. 2013 પછીથી ભારતે ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, બાંગ્લાદેશ, શ્રીલંકા અને અફઘાનિસ્તાનને હોમ સિરીઝમાં હરાવી ચૂક્યું છે. આ મામલામાં ભારત પછી ઓસ્ટ્રેલિયા બીજા નંબરે છે. ઓસ્ટ્રેલિયા અત્યાર સુધી ઘરેલુ સિરીઝમાં બે વખત 10-10 ટેસ્ટ સિરીઝ જીતી ચૂક્યું છે.
ભારત 550 મેચ રમનારો દેશ બની જશે:
વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની દ્રષ્ટિએ આ મુકાબલો ભારતીય ટીમ માટે ઘણો મહત્વનો છે. આ મેચ ભારતીય ક્રિકેટ ટીમની 550મી મેચ છે. આ મેચની સાથે જ 550 મેચ રમનારો ભારત દુનિયાનો ચોથો દેશ બની જશે. અત્યાર સુધી ઈંગ્લેન્ડ 1033 મેચ, ઓસ્ટ્રેલિયા 834 મેચ અને વેસ્ટ ઈન્ડિઝની ટીમ 552 મેચ રમી ચૂકી છે.
અશ્વિન પાસે મોટો રેકોર્ડ બનાવવાની તક:
ઈંગ્લેન્ડ સામે આખી સિરીઝમાં રવિચંદ્રન અશ્વિને બેટિંગ અને બોલિંગથી શાનદાર પ્રદર્શન કર્યું છે. આ સિરીઝમાં તેણે ટેસ્ટ કારકિર્દીની પાંચમી સદી ફટકારી. જેણે આખી સિરીઝનું પાસું પલટી નાંખ્યું. આ સિવાય અત્યાર સુધી 24 વિકેટ ઝડપી ચૂક્યો છે. અશ્વિન 8 વિકેટ ઝડપશે તેની સાથે જ તે ઈન્ટરનેશનલ ક્રિેકેટમાં ભારત તરફથી સૌથી વધારે વિકેટ લેનારો ચોથો બોલર બની જશે. ભારત તરફથી અનિલ કુંબલેએ 956 વિકેટ, હરભજન સિંહે 711 વિકેટ અને કપિલ દેવે 687 વિકેટ ઝડપી છે. જ્યારે ઝહીર ખાને 610 વિકેટ ઝડપી છે.
આલ્ફ્રેડ વેલેન્ટાઈનનો રેકોર્ડ તોડી શકે છે અશ્વિન:
રવિચંદ્રન અશ્વિન ચોથી ટેસ્ટ મેચમાં જો 10 વિકેટ ઝડપશે તો તે ઈંગ્લેન્ડ સામે ચાર મેચની ટેસ્ટ સિરીઝમાં સૌથી વધારે વિકેટ લેવાનો રેકોર્ડ બનાવી દેશે. અશ્વિન અત્યાર સુધી 24 વિકેટ ઝડપી ચૂક્યો છે અને 10 વિકેટ સાથે તેનો આંકડો 34 પર પહોંચી જશે. તેની સાથે જ તે વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ બોલર આલ્ફ્રેડ વેલેન્ટાઈનનો 71 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાંખશે. કેમ કે આલ્ફ્રેડ વેલેન્ટાઈને 1950માં ઈંગ્લેન્ડ સામે ચાર ટેસ્ટ મેચની સિરીઝમાં 33 વિકેટ લેવાનો રેકોર્ડ બનાવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે