IND vs AUS: ઈન્દોર ટેસ્ટમાં પ્રથમ દિવસે 14 વિકેટ પડી, ભારત 109/10, ઓસ્ટ્રેલિયા 156/4

Indore Test: ઈન્દોર ટેસ્ટના પ્રથમ દિવસના અંતે ઓસ્ટ્રેલિયા મજબૂત સ્થિતિમાં પહોંચી ગયું છે. ભારતના 109 રનના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ દિવસના અંતે 4 વિકેટે 156 રન બનાવી લીધા છે. 
 

IND vs AUS: ઈન્દોર ટેસ્ટમાં પ્રથમ દિવસે 14 વિકેટ પડી, ભારત 109/10, ઓસ્ટ્રેલિયા 156/4

ઈન્દોરઃ ઈન્દોર ટેસ્ટમાં પ્રથમ દિવસે સ્પિનરોનો દબદબો જોવા મળ્યો છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ માત્ર 109 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાના સ્પિનરો સામે ભારતીય બેટરો સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. ભારતના 109 રનના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દિવસના અંતે 4 વિકેટે 156 રન બનાવી લીધા છે. ઓસ્ટ્રેલિયા પ્રથમ ઈનિંગના આધારે 47 રન આગળ છે. દિવસના અંતે કેમરૂન ગ્રીન 6 અને પીટર હેન્ડ્કોમ્બ 7 રન બનાવી ક્રિઝ પર હતા. ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ 4 વિકેટ ઝડપી હતી. 

ઉસ્માન ખ્વાજાની અડધી સદી
ભારતીય ટીમના 109 રનના જવાબમાં ઓસ્ટ્રેલિયન ટીમે પણ શરૂઆતી ઓવરમાં વિકેટ ગુમાવી હતી. ટ્રેવિસ હેડ માત્ર 9 રન બનાવી જાડેજાનો શિકાર બન્યો હતો. ત્યારબાદ માર્નસ લાબુશેન અને ઉસ્માન ખ્વાજાએ બીજી વિકેટ માટે 96 રનની ભાગીદારી કરી હતી. લાબુશેન 91 બોલમાં 31 રન બનાવી જાડેજાની ઓવરમાં બોલ્ડ થયો હતો. ઉસ્માન ખ્વાજાએ શાનદાર બેટિંગ કરતા અડધી સદી ફટકારી હતી. ખ્વાજા 147 બોલમાં ચાર બાઉન્ડ્રી સાથે 60 રન બનાવી આઉટ થયો હતો. કેપ્ટન સ્મિથ 26 રન બનાવી જાડેજાનો શિકાર બન્યો હતો. 

પ્રથમ દિવસના અંતે કેમરૂન ગ્રીન 6 અને હેન્ડ્સકોમ્બ 7 રન બનાવી ક્રિઝ પર હતા. ભારત તરફથી માત્ર રવિન્દ્ર જાડેજા સફળ બોલર રહ્યો હતો. જાડેજાએ 63 ન ાપીને ચાર વિકેટ ઝડપી હતી. 

ભારતીય બેટરોનો ધબડકો
ઈન્દોર ટેસ્ટમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી. કેપ્ટન રોહિત શર્મા પ્રથમ ઓવરમાં જ અમ્પાયરના નિર્ણયને કારણે બચી ગયો હતો. પ્રથમ બોલ પર રોહિત કેચઆઉટ હતો પરંતુ અમ્પાયરે નોટઆઉટ આપ્યો હતો. ત્યારબાદ ચોથા બોલે LBW આઉટ હતો પરંતુ ઓસ્ટ્રેલિયન ટીમે રિવ્યૂ લીધુ નહીં. ભારતે 27 રનના સ્કોર પર પ્રથમ વિકેટ ગુમાવી હતી. રોહિત શર્મા 12 રન બનાવી આઉટ થયો હતો. અન્ય ઓપનર શુભમન ગિલે 21 રનનું યોગદાન આપ્યું હતું. આ બંને કુહૈનમેનના શિકાર બન્યા હતા. 

સ્પિનરો સામે ભારતીય બેટર ફેલ
ચેતેશ્વર પુજારા 1 રન બનાવી લાયનની ઓવરમાં બોલ્ડ થયો હતો. વિરાટ કોહલીએ 52 બોલમાં માત્ર 22 રન બનાવ્યા હતા. કોહલી મુર્ફીની ઓવરમાં આઉટ થયો હતો. રવિન્દ્ર જાડેજા 4 અને અય્યર 0 રન બનાવી આઉટ થયા હતા. વિકેટકીપર ભરતે 17 રન બનાવ્યા હતા. અક્ષર પટેલ 12 રન બનાવી નોટઆઉટ રહ્યો હતો. ઉમેશ યાદવે 1 ફોર અને બે સિક્સ સાથે 17 રન ફટરારી ભારતનો સ્કોર 100ને પાર પહોંચાડ્યો હતો. 

યુવા સ્પિનર કુહૈનમેનની પાંચ વિકેટ
ઓસ્ટ્રેલિયા તરફથી કુહૈનમેને 9 ઓવરમાં 16 રન આપી પાંચ વિકેટ ઝડપી હતી. આ તેના ટેસ્ટ કરિયરની પ્રથમ પાંચ વિકેટ છે. આ સિવાય નાથન લાયને 35 રન આપી ત્રણ સફળતા મેળવી હતી. એક વિકેટ મુર્ફીને મળી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news