વર્લ્ડ કપ 2019 BANvsENG: શાકિબની સદી પાણીમાં, ઈંગ્લેન્ડે બાંગ્લાદેશને હરાવ્યું
Trending Photos
કાર્ડિફઃ આઈસીસી વિશ્વ કપ 2019ની સોફિયા ગાર્ડન્સ પર રમાયેલી 12મી મેચમાં યજમાન ઈંગ્લેન્ડે બાંગ્લાદેશને 106 રને પરાજય આપીને ટૂર્નામેન્ટમાં બીજો વિજય મેળવ્યો છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડે જેસન રોય (153) અને જોસ બટલર તથા જોની બેયરસ્ટોની અડધી સદીની મદદથી 50 ઓવરમાં 6 વિકેટે 386 રન ફટકાર્યા હતા. જેના જવાબમાં બાંગ્લાદેશની ટીમ 48.5 ઓવરમાં 280 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. બાંગ્લાદેશની ટીમ તરફથી શાકિબ અલ હસને સૌથી વધુ 121 રન ફટકાર્યા હતા. તો ઈંગ્લેન્ડ તરફથી જોફ્રા આર્ચરે 30 રન આપીને ત્રણ તથા બેન સ્ટોક્સે 23 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. બાંગ્લાદેશનો આ ત્રણ મેચમાં બીજો પરાજય છે.
બાંગ્લાદેશની શરૂઆત ખરાબ રહી હતી. સૌમ્ય સરકાર (2) ચોથી ઓવરમાં જોફ્રા આર્ચરનો શિકાર બન્યો હતો. ત્યારબાદ ટીમે 63 રન પર બીજી વિકેટ ગુમાવી હતી. તમિમ ઇકબાલ (19)ને માર્ક વુડે પેવેલિયન પરત મોકલી આપ્યો હતો.
ઓપનર જેસન રોય 153 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 121 બોલની ઈનિંગમાં 14 ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકાર્યા હતા. આઉટ થતાં પહેલા રોયે મેહજી હસનની છઠ્ઠી ઓવરમાં સતત ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. આ ટૂર્નામેન્ટમાં તેની પ્રથમ સદી છે.
બેયરસ્ટો-રોય વચ્ચે સદીની ભાગીદારી
આ પહેલા જોની બેયરસ્ટોએ પણ અડધી સદી ફટકારી હતી. તે 50 બોલ પર 51 રન બનાવીને મુશરફે મોર્તજાના બોલ પર આઉટ થયો હતો. બેયરસ્ટોની સાથે રોયે પ્રથમ વિકેટ માટે 128 રનની ભાગીદારી કરી હતી. જો રૂટ 21 રન બનાવીને સૈફુદ્દીનના બોલ પર બોલ્ડ થયો હતો. તેણે રોયની સાથે 77 રનની ભાગીદારી કરી હતી.
જોસ બટલર 44 બોલ પર 64 રન બનાવીને આઉટ થયો હતો. તેણે મોર્ગન સાથે ચોથી વિકેટ માટે 95 રનની ભાગીદારી કરી હતી. બટલરે પોતાની ઈનિંગમાં ચાર છગ્ગા અને બે ચોગ્ગા ફટકાર્યા હતા. તેને સૈફુદ્દીને આઉટ કર્યો હતો. કેપ્ટન ઈયોન મોર્ગન 33 બોલ પર 35 રન બનાવીને આઉટ થયો હતો. બેન સ્ટોક્સ (6)ને મુસ્તફિઝુર રહમાને આઉટ કર્યો હતો. અંતમાં ક્રિસ વોક્સ અને લિયામ પ્લંકેટે માત્ર 17 બોલમાં 45 રનની ભાગીદારી કરી હતી. વોક્સ 8 બોલમાં 2 છગ્ગા સાથે 18 અને પ્લંકેટ 9 બોલમાં ચાર ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 27 રન બનાવી અણનમ રહ્યો હતો.
પ્લેઇંગ ઇલેવન
બાંગ્લાદેશઃ તમીમ ઇકબાલ, સૌમ્ય સરકાર, શાકિબ અલ હસન, મુસ્ફીકુર રહીમ, મોહમ્મદ મિથુન, મહમૂદુલ્લાહ, મોસાદેક હુસૈન, મોહમ્મદ સૌફુદ્દીન, મેહદી હસન, મુશરફે મોર્તજા, મુસ્તફીઝુર રહમાન.
ઈંગ્લેન્ડઃ જેસન રોય, જોની બેયરસ્ટો, જો રૂટ, ઇયોન મોર્ગન, બેન સ્ટોક્સ, જોસ બટલર, ક્રિસ વોક્સ, જોફ્રા આર્ચર, આદિલ રાશિદ, લિયામ પ્લંકેટ, માર્ક વુડ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે