ICC ટેસ્ટ રેન્કિંગઃ વિરાટ કોહલી પ્રથમ સ્થાને યથાવત, પૂજારા-શમીને પણ ફાયદો
ઈંગ્લેન્ડ વિરુદ્ધ ચોથી ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં 46 અને બીજી ઈનિંગમાં 58 રન ફટકારવાને કારણે કોહલી ટેસ્ટ બેટ્સમેનોના રેન્કિંગમાં ટોપ પર યથાવત છે.
Trending Photos
દુબઈઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સંઘ (આઈસીસી)ના ટેસ્ટ બેટ્સમેનોની રેન્કિંગમાં પ્રથમ સ્થાને યથાવત છે. સોમવારે જાહેર થયેલા રેન્કિંગમાં કોહલી 937 અંક સાથે નંબર-1 પર છે. ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમનો ઈંગ્લેન્ડ સામે ચોથી ટેસ્ટમાં 60 રને પરાજય થયો હતો. તેવામાં પાંચ ટેસ્ટ મેચોની શ્રેણીમાં ઈંગ્લેન્ડે 3-1ની અજેય લીડ મેળવી લીધી છે.
ઈંગ્લેન્ડ વિરુદ્ધ ચોથી ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં 46 અને બીજી ઈનિંગમાં 58 રન ફટકારવાને કારણે કોહલી ટેસ્ટ બેટ્સમેનોના રેન્કિંગમાં ટોપ પર યથાવત છે. કોહલીએ અત્યાર સુધી રમાયેલી ચાર ટેસ્ટ મેચોની આઠ ઈનિંગમાં કુલ 544 રન બનાવ્યા છે. રેટિંગ પોઈન્ટના આધાર પર તે શાનદાર ટેસ્ટ બેટ્સમેનોમાં 11માં સ્થાને છે.
માત્ર બે પોઈન્ટ અને ઘણા દિગ્ગજો રહી જશે પાછળ
વિરાટ હવે ગૈરી સોબર્સ, ક્લેડ વોલકોટ, વિવિયન રિચર્ડ્સ અને કુમાર સાંગાકારાથી માત્ર એક અંક પાછળ છે. આઈસીસીએ સોમવારે જાહેર કરાયેલા નિવેદનમાં આ વાત કહી છે. ટેસ્ટ બેટ્સમેનોની આ રેન્કિંગમાં ભારતનો ચેતેશ્વર પૂજારા છઠ્ઠા સ્થાન પર છે. સાઉથમ્પટન ટેસ્ટમાં ભારત માટે 132 રનની અણનમ ઈનિંગ રમનાર પૂજારાના અંક 763થી 798 થઈ ગયા છે.
શમીની ટોપ-20માં એન્ટ્રી
ભારતના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ ચોથી ટેસ્ટ મેચમાં કુલ 6 વિકેટ ઝડપી અને આ પ્રદર્શનને કારણે તે ટેસ્ટ બોલગોના રેન્કિંગમાં ટોપ-20 ખેલાડીઓમાં સામેલ થઈ ગયો છે. તે ત્રણ સ્થાનના ફાયદા સાથે 19માં સ્થાને પહોંચી ગયો છે. આ સિવાય ચોથી ટેસ્ટ મેચમાં ચાર વિકેટ ઝડપનાર ઈશાંત શર્માને પણ એક સ્થાનનો ફાયદો થતા તે 25માં સ્થાને પહોંચી ગયો છે. જસપ્રીત બુમરાહ આ યાદીમાં 37માં સ્થાને છે.
સૈમ-ટોમ બ્રધર્સને પણ ફાયદો
અન્ય ખેલાડીઓની વાત કરવામાં આવે તો ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર ખેલાડી સેમ કરને લાંબી છલાંબ લગાવતા 29 સ્થાન આગળ વદીને 43મું સ્થાન મેળવી લીધું છે. તેણે ચોથી ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં 78 અને બીજી ઈનિંગમાં 46 રન બનાવ્યા હતા. સેમનો ભાઈ ટોમ કરન ટેસ્ટ બોલરોના રેન્કિંગમાં 55માં સ્થાને પહોંચી ગયો છે, તે ઓલરાઉન્ડરોની યાદીમાં 15માં સ્થાને છે.
મોઇન અલી અને બટલર છવાયા
ચોથી ટેસ્ટ મેચમાં 9 વિકેટ ઝડપીને પ્લેયર ઓફ ધ મેચનો પુરસ્કાર જીતનાર મોઇન અલી બોલરોના રેન્કિંગમાં ત્રણ સ્થાનની છલાંગ સાથે 33માં સ્થાને પહોંચી ગયો છે. આ સિવાય ઈંગ્લેન્ડનો બેટ્સમેન જોસ બટલર ટેસ્ટ બેટ્સમેનોની રેન્કિંગમાં પોતાના કેરિયરની સર્વશ્રેષ્ઠ રેન્કિંગ 32 મેળવી છે. તેણે 15 સ્થાનની છલાંબ લગાવીને આ રેન્કિંગ હાસિલ કરી છે. તે પોતાની ટીમના ઓલરાઉન્ડર ખેલાડી બેન સ્ટોક્સ કરતા પાંચ અંક પાછળ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે