T20 WC: ICC જાહેર કરી 'ટીમ ઓફ ધ ટૂર્નામેન્ટ', બાબર આઝમ કેપ્ટન, જાણો કોણ કરશે ઓપનિંગ

રવિવારે દુબઈમાં ઓસ્ટ્રેલિયાએ આઈસીસી ટી20 વિશ્વકપની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને હરાવી ઈતિહાસ રચી દીધો છે. આ સાથે ઓસ્ટ્રેલિયાની ટીમ પ્રથમવાર આઈસીસી ટી20 વિશ્વકપ જીતવામાં સફળ રહી છે. 
 

T20 WC: ICC જાહેર કરી 'ટીમ ઓફ ધ ટૂર્નામેન્ટ', બાબર આઝમ કેપ્ટન, જાણો કોણ કરશે ઓપનિંગ

દુબઈઃ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટી20 વિશ્વકપ ફાઇનલ મુકાબલા બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ ટૂર્નામેન્ટની બેસ્ટ પ્લેઇંગ ઇલેવનની જાહેરાત કરી છે. આરોન ફિન્ચની આગેવાનીમાં કાંગારૂઓએ ફાઇનલમાં પાડોશી દેશ ન્યૂઝીલેન્ડને આઠ વિકેટે હરાવી પ્રથમવાર ટાઇટલ પર કબજો કર્યો છે. ચોંકાવનારી વાત છે કે આઈસીસીએ જે ટીમ પસંદ કરી છે, તેમાં એકપણ ભારતીય બેટર કે બોલરને સામેલ કરવામાં આવ્યો નથી. ક્રિકેટની સૌથી મોટી સંસ્થાએ પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમને આ ટીમની કમાન સોંપી છે. 

આ ટીમમાં ઓપનર તરીકે ડેવિડ વોર્નર અને જોસ બટલરને પસંદ કરવામાં આવ્યો છે. આ બંને ખેલાડીઓએ ટૂર્નામેન્ટમાં દમદાર પ્રદર્શન કર્યુ છે. આ ટીમના મિડલ ઓર્ડર બેટર પર નજર કરવામાં આવે તો અહીં એક બાદ એક દમદાર નામ છે. ત્રીજા નંબર પર બાબર આઝમ, ચોથા નંબર પર શ્રીલંકાનો ચરિથ અસલંકા, પાંચમાં નંબર પર આફ્રિકાનો એડેન માર્કરમ અને છઠ્ઠા નંબર પર ઈંગ્લેન્ડનો મોઇન અલી છે. આઈસીસીની આ ટીમમાં એશિયાના માત્ર 4 ખેલાડીને સ્થાન મળ્યું છે. 

બેટિંગ બાદ બોલિંગની વાત કરીએ તો અહીં બે સ્પિનર અને ત્રણ ફાસ્ટ બોલરોને તક આપવામાં આવી છે. આઈસીસીએ સ્પિનરોમાં શ્રીલંકાના વનિંદુ હસરંગા અને એડમ ઝમ્પાને જ્યારે ફાસ્ટ બોલરોમાં જોશ હેઝલવુડ, ટ્રેન્ટ બોલ્ટ અને એનરિક નોર્ત્જેને પસંદ કર્યા છે. આઈસીસીની આ ટીમમાં 12માં ખેલાડીના રૂપમાં પાકિસ્તાનના ફાસ્ટ બોલર શાહીન અફરીદીને પસંદ કર્યો છે. શાહીને વિશ્વકપમાં સારૂ પ્રદર્શન કર્યુ હતું. 

Does your favourite player feature in the XI?

— T20 World Cup (@T20WorldCup) November 15, 2021

આઈસીસીની ટી20 વિશ્વકપ પ્લેઇંગ ઇલેવનઃ ડેવિડ વોર્નર, જોસ બટલર, બાબર આઝમ (કેપ્ટન), ચરિથ અસલંકા, એડન માર્કરમ, મોઈન અલી, વાનિંદુ હસરંગા, એડમ ઝમ્પા, જોશ હેઝલવુડ, ટ્રેન્ટ બોલ્ટ, એનરિક નોર્ત્જે, શાહીન શાહ અફરીદી (12મો ખેલાડી).

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news